શુગર કન્ટ્રોલમાં નથી

07 December, 2022 02:59 PM IST  |  Mumbai | Dr. Meeta Shah

એક્સરસાઇઝમાં હું ફક્ત વૉક કરતો, પણ આજકાલ પગમાં સતત જાણે કે સોય ભોકાયા કરે છે એટલે રેગ્યુલર નથી જઈ શકતો. રાતે આ તકલીફ વધી જાય છે. રાતે પહેલાં ૧૨ વાગ્યે તો સૂઈ જ જતો, હવે બે વાગ્યા પહેલાં ઊંઘ આવતી નથી. મારે ઇન્સ્યુલિન વધુ નથી લેવું. 

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)

હું ૭૨ વર્ષનો છું અને મને છેલ્લાં ૧૨ વર્ષથી ડાયાબિટીઝ છે. હું દરરોજ સવારે એક વાર ઇન્સ્યુલિન લઉં છું, પરંતુ આજકાલ શુગર ખાસ કન્ટ્રોલમાં રહેતી નથી. ફાસ્ટિંગ શુગર ૧૮૦ જેટલી અને લંચ પછીની શુગર ૨૫૦ આસપાસ રહે છે. મારું ડાયટ તો પહેલાં જેવું જ હેલ્ધી છે. એક્સરસાઇઝમાં હું ફક્ત વૉક કરતો, પણ આજકાલ પગમાં સતત જાણે કે સોય ભોકાયા કરે છે એટલે રેગ્યુલર નથી જઈ શકતો. રાતે આ તકલીફ વધી જાય છે. રાતે પહેલાં ૧૨ વાગ્યે તો સૂઈ જ જતો, હવે બે વાગ્યા પહેલાં ઊંઘ આવતી નથી. મારે ઇન્સ્યુલિન વધુ નથી લેવું. 

 ડાયાબિટીઝ લાંબા સમયથી હોય તો આ સંજોગોમાં પેરિફેરલ ન્યુરોપથીની તકલીફ સર્જાય છે, જે અંતર્ગત પગમાં બળતરા, પગનો દુખાવો, પગમાં જાણે સોય ભોકાયા કરે એવી અનુભૂતિ, તળિયે એકદમ સળવળ થયા કરવી જેવી બીજી ઘણી તકલીફો શરૂ થાય છે. એનો ઇલાજ નહીં કરાવો તો એ ધીમે-ધીમે વધતી જશે એટલે ઇલાજ તો ખૂબ જ જરૂરી છે. આ તકલીફો રાતે વધુ થાય છે જેને કારણે ઊંઘ આવતી નથી અથવા તો ઊંઘ ખૂબ મોડી આવે છે. આવી ઊંઘને કારણે ડાયાબિટીઝ કન્ટ્રોલમાં રહેતું નથી.

જે વ્યક્તિને ડાયાબિટીઝ છે અને તેમની ઊંઘ બરાબર નથી થતી તો તેમના શરીરમાં અમુક પ્રકારના હૉર્મોનલ બદલાવ આવે છે. આ હૉર્મોનલ બદલાવ વ્યક્તિના પૅન્ક્રિયાસ પર અસર કરે છે, જે ઇન્સ્યુલિનનું નિર્માણ કરે છે. આમ, એની સીધી અસર શરીરમાં ઇન્સ્યુલિનનું નિર્માણ અને કાર્યક્ષમતા પર પડે છે અને ગ્લુકોઝ લેવલને ઉપર-નીચે થાય છે. આમ, દરદી ગમે એટલું ડાયટનું ધ્યાન રાખે, જો એની ઊંઘ બરાબર ન હોય તો એનું ડાયાબિટીઝ કન્ટ્રોલમાં રાખવું મુશ્કેલ બને છે.

ડાયાબિટીઝને કારણે ઊંઘમાં તકલીફ અને ઊંઘમાં તકલીફને કારણે ડાયાબિટીઝ પરનો કન્ટ્રોલ જતો રહે છે. આ સાઇકલને તમારે તોડવી પડશે. પહેલાં તો તમારા પગની તકલીફ માટે ડૉક્ટરને મળો. અમુક દવાઓ થકી તમારી તકલીફમાં ફેર પડશે. એક્સરસાઇઝ બંધ ન કરો. દિવસ દરમ્યાન થાકશો તો રાતે વહેલા ઊંઘ આવવાની શક્યતા વધશે. ડાયાબિટીઝના મૅનેજમેન્ટમાં ફક્ત ડાયટ અને એક્સરસાઇઝ જ મહત્ત્વનાં નથી. એક બીજું પણ મહત્ત્વનું પાસું છે અને એ છે ઊંઘ. તમે તમારા પેરિફેરલ ન્યુરોપથીનો ઇલાજ કરાવો, વ્યવસ્થિત ઊંઘો એટલે આપોઆપ ડાયાબિટીઝ કન્ટ્રોલમાં આવશે અને તમારે વધુ ઇન્સ્યુલિન લેવું નહીં પડે.

health tips columnists