ખૂબ ગરમીને કારણે અચાનક શુગર ઘટે?

09 May, 2022 12:19 PM IST  |  Mumbai | Dr. Meeta Shah

ગરમીને કારણે આજકાલ એક્સરસાઇઝ નથી કરતો અને ભૂખને કારણે ખાઉં છું પણ વધુ તો શુગર કઈ રીતે ઘટતી હશે એ મને સમજાતું નથી. શું હવે ઇન્સ્યુલિન લેવાની જરૂર નહીં રહે?

પ્રતીકાત્મક તસવીર

મારી ઉંમર પંચાવન વર્ષ છે. મને છેલ્લાં સાત વર્ષથી ડાયાબિટીઝ છે અને હાલમાં હું ઇન્સ્યુલિન લઉં છું. ઘણા દિવસથી મને સારું લાગતું નથી. ઉનાળામાં માણસોની ભૂખ ઘટે, પણ મારી ભૂખ વધી ગઈ છે. ઉનાળામાં પરસેવો આવે એ નૉર્મલ છે, પરંતુ મને તો એસી ચાલુ હોય તો પણ પરસેવો વળી જાય છે. ચીડ ચડે છે. થાક અને ચક્કર જેવું લાગે છે. એક દિવસ જમ્યા પછીના બે કલાક પછી પણ ૧૭૦ જેટલી આવેલી. સવારે ભૂખ્યા પેટે ૭૫ જેટલી આવેલી. પછી મેં ત્રણ દિવસ સતત શુગર માપી અને રીડિંગ થોડું ઓછું જ છે. ગરમીને કારણે આજકાલ એક્સરસાઇઝ નથી કરતો અને ભૂખને કારણે ખાઉં છું પણ વધુ તો શુગર કઈ રીતે ઘટતી હશે એ મને સમજાતું નથી. શું હવે ઇન્સ્યુલિન લેવાની જરૂર નહીં રહે?   

તમને ડાયાબિટીઝ છે અને શુગર ઘટી રહી છે એટલે કે તમને હાઇપોગ્લાઇસેમિયા છે. ગરમીના સમયમાં એનર્જી ખૂબ વપરાય છે. એનર્જી એટલે શુગર. જો શુગર વધુ વપરાય તો ઓછી થઈ જાય અને આમ પણ ડાયાબિટીઝના દરદી તરીકે તમે ઇન્સ્યુલિન તો લઈ જ રહ્યા છો જેને લીધે શુગર ઓછી રહે છે. આમ ઘણી વાર અચાનક જ શુગર ખૂબ જ ઝડપથી નીચે જતી રહે છે, જેને હાઇપોગ્લાઇસેમિયા કહે છે. ખૂબ ગરમી પણ શરીર માટે સ્ટ્રેસ બની જાય છે, જે હાઇપોગ્લાઇસેમિયા તરફ લઈ જઈ શકે છે. જો પાણીની કમી થાય અને ડાયાબિટીઝના દરદીને ડીહાઇડ્રેશનની તકલીફ થાય તો પણ તેને આ કારણસર હાઇપોગ્લાઇસેમિયા થઈ શકે છે. આમ ડાયાબિટીઝના દરદીઓએ ખાસ ધ્યાન રાખવું કે બૉડીમાં પાણીની કમી ન સર્જાય. 
હાઇપોગ્લાઇસેમિયા એટલે શુગર વધવાને બદલે ઘટે. આ પરિસ્થિતિ વધુ ઘાતક સાબિત થઈ શકે છે. ડાયાબિટીઝના દરદીઓને એક વખત શુગર ઓછી થવાનું શરૂ થયું તો એ એકદમ જ ડ્રૉપ થઈ જાય છે. આ કન્ડિશનમાં વ્યક્તિ બેભાન થઈ શકે છે કે કોમામાં પણ સરી પડી શકે છે. ડાયાબિટીઝના દરદીમાં શુગર એકદમ ઉપર જતી રહી તો એટલી તકલીફ નથી થતી, કારણ કે એને કાબૂમાં લઈ શકાય છે; પરંતુ જો શુગર એક વખત ડ્રૉપ થઈ ગઈ તો ભારે તકલીફ પડે છે. તાત્કાલિક તમારા ડૉક્ટર પાસે જાવ. જરૂરી ટેસ્ટ કરાવજો અને તે તમારા ડોઝમાં જરૂરી ફેરફાર કરી આપશે. ધ્યાન રાખો કે શુગર નીચે તો ન જ જવી જોઈએ.

health tips columnists