02 June, 2026 11:17 AM IST | Mumbai | Dr. Batul Patel
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
ટીનેજમાં પિમ્પલ્સ થાય એમાં કોઈને નવાઈ લાગતી નથી, પરંતુ ઍડલ્ટ બન્યા પછી તમારી ત્રીસી-ચાલીસીમાં મોઢા પર પિમ્પલ્સ જોઈને કોઈ પણ અચરજ પામે છે કે આ મિડલ-એજમાં કયા પિમ્પલ્સ ચાલુ થઈ ગયા? જોકે ઍક્ને એવી તકલીફ છે જે ટીનેજમાં ભલે કૉમન હોય, પરંતુ મિડલ-એજમાં પણ થાય એમાં નવાઈ નથી. ઘણીબધી સ્ત્રીઓ અને કેટલાક પુરુષોને પણ મિડલ-એજમાં ઍક્નેની સમસ્યા થાય છે.
ઍડલ્ટ ઍક્ને માટે પહેલાં તો સ્કિન પરથી ઑઇલ દૂર કરવું જરૂરી છે. એ માટે સ્કિનને સાફ રાખવી જરૂરી છે. સેલિસિલિક ઍસિડયુક્ત ક્રીમ છે એ બિનજરૂરી ઑઇલને સ્કિન પર આવતાં રોકે છે અને સ્કિનને ઑઇલ-ફ્રી રાખવામાં મદદ કરે છે. ડે અને નાઈટ સ્કિન-રિજીમ જાળવવાથી ઍક્નેની સંખ્યામાં વધારો થતો નથી, પરંતુ સમજવાનું એ છે કે ભલે ઍક્ને સ્કિનની ઉપર દેખાય છે પણ એ થવાનું કારણ સ્કિનની અંદરની ગ્લૅન્ડ છે. એટલે આ તકલીફને અંદરથી પણ ટ્રીટ કરવી જરૂરી છે. ઍક્ને માટે અમે જે મેડિસિન આપીએ છીએ એમાં વિટામિન A રહેલું હોય છે. આ મેડિસિન ત્વચાની અંદરની ગ્રંથિઓના ઑઇલને સૂકવી નાખે છે જેને કારણે સ્કિન પર બિનજરૂરી ઑઇલ આવતું નથી.
ઍક્ને સાથે તકલીફ એ છે કે એ લાંબો સમય ચાલતી વસ્તુ છે. એક વખત ઍક્ને થયા, તમે દવા લીધી અને એક મહિનામાં રિઝલ્ટ મળવા લાગ્યું એ પછી તમે દવા છોડી દો કે ઇલાજ અધૂરો મૂકો તો એ ફરી આવી જાય છે. એટલે એની સતત કાળજી અનિવાર્ય છે. ઘણી વખત એવું પણ બને કે આ ઍક્નેની તકલીફ ૬ મહિનામાં સૉલ્વ થઈ જાય તો ઘણી વાર એક-બે વર્ષ સુધી તમારે સતત ઇલાજ ચાલુ રાખવો પડે. બીજું એ કે ઍક્નેને હાથ લગાવો, એને ફોડો કે એમાંથી પસ કાઢો તો એના ડાઘ મોઢા પરથી જવામાં ખૂબ સમય લાગે છે અને ઘણા ડાઘ તો જતા જ નથી. એ માટે સૌપ્રથમ વિટામિન C અને વિટામિન A વડે ઍક્નેને સાફ કરીને આપવામાં આવતી વૉટર માઇક્રોડરમાબ્રેશન ટ્રીટમેન્ટ, ફોટો ફેશ્યલ લેઝર પિલ બન્ને ખૂબ ઉપયોગી સાબિત થાય છે. ઍક્ને અને પિમ્પલને જડથી કાઢીને એની ગ્લૅન્ડને સાફ કરવામાં આવે છે. લેઝર ટ્રીટમેન્ટથી ઍક્નેને કારણે સ્કિનમાં આવેલું ઇન્ફ્લમેશન અને રેડનેસ દૂર કરી શકાય છે. મહત્ત્વનું એ છે કે પિમ્પલ્સ હેલ્ધી સ્કિનની નિશાની નથી અને લોકો હવે ખુદ સમજતા થયા છે કે ઘરગથ્થુ ઉપચારોથી એ દૂર નહીં થાય એટલે એનો ઇલાજ કરાવવો જરૂરી છે.