08 July, 2026 02:58 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
સ્માર્ટફોન અત્યારે આપણા શરીરનું અવિભાજ્ય અંગ બની ગયો છે. સવારે ઊઠવાથી લઈને રાત્રે સૂવા સુધી મોબાઇલ ફોન સાથે જ રહે છે. આ આદત વચ્ચે વર્ષોથી એક સામાન્ય ડર લોકોના મનમાં ઘર કરી ગયો છે કે શું સ્માર્ટફોનનો વધુપડતો ઉપયોગ કૅન્સરનું કારણ બની શકે? સોશ્યલ મીડિયા પર આ વિશે અનેક દાવાઓ થતા રહે છે, પણ તાજેતરમાં એક ઑન્કોલૉજિસ્ટે આ વિશે સ્પષ્ટતા કરીને સ્માર્ટફોનના રેડિયેશનથી કૅન્સર થવાનો દાવો પાયાવિહોણો ગણાવ્યો છે.
સ્માર્ટફોનથી રેડિયેશન રિલીઝ થાય છે, પણ એના પ્રકારને સમજવો જરૂરી છે. મોબાઇલ ફોનમાંથી નીકળતું રેડિયેશન રેડિયો ફ્રીક્વન્સી એનર્જી છે, જે નૉન-આયોનાઇઝિંગની કૅટેગરીમાં આવે છે.
આ રેડિયેશન એક્સ-રે અથવા ગેમા-રે જેવા આયોનાઇઝિંગ રેડિયેશન કરતાં તદ્દન અલગ છે. આયોનાઇઝિંગ રેડિયેશન એટલું શક્તિશાળી હોય છે કે એ માનવશરીરના DNAને નુકસાન પહોંચાડી શકે છે અને કૅન્સરનું કારણ બને છે. એની સરખામણીમાં સ્માર્ટફોનનું રેડિયેશન ખૂબ જ નબળું હોય છે, જે આપણા DNAની સંરચનાને બદલી કે તોડી શકતું નથી. તેથી એનાથી કૅન્સર થવાનું કોઈ વૈજ્ઞાનિક કારણ નથી.
મોબાઇલના ઉપયોગ અને કૅન્સરના જોખમ વચ્ચેના સંબંધને તપાસવા માટે દુનિયાભરમાં હજારો લોકો પર મોટા પાયે અભ્યાસ કરવામાં આવ્યો છે. આંતરરાષ્ટ્રીય આરોગ્ય સંસ્થાઓ દ્વારા કરવામાં આવેલી સમીક્ષાઓમાં પણ એવા કોઈ નક્કર કે સુસંગત પુરાવા મળ્યા નથી જે સાબિત કરે કે સ્માર્ટફોન વાપરનારાઓમાં બ્રેઇન કૅન્સર કે અન્ય કોઈ સામાન્ય કૅન્સરનું જોખમ વધી જાય છે.
જોકે ટેક્નૉલૉજી સતત બદલાઈ રહી છે. 2Gથી લઈને 5G અને એનાથી આગળના ટેક્નૉલૉજિકલ અપગ્રેડેશનને કારણે માનવસ્વાસ્થ્ય પર એની લાંબા ગાળાની અસરો જાણવા માટે રિસર્ચ ભવિષ્યમાં પણ ચાલુ રહેશે, પરંતુ વર્તમાન ડેટા અનુસાર ચિંતા કરવાની કોઈ જરૂર નથી.
જો કોઈ વ્યક્તિ હજી પણ મોબાઇલ રેડિયેશનને લઈને ચિંતિત હોય તો લાંબી વાતચીત દરમ્યાન ફોનને સીધો કાન પર રાખવાને બદલે સ્પીકર મોડ રાખો અથવા હેડફોનનો ઉપયોગ કરો. બિનજરૂરી સ્ક્રીન-ટાઇમ ઓછો કરો. આજકાલ લોકો સોશ્યલ મીડિયાની વાતોમાં આવીને એવી બાબતો પાછળ વધુ ચિંતિત રહે છે જેનાથી કૅન્સર થવાનું જોખમ નહીંવત્ છે, પરંતુ જે સાબિત થયેલાં મુખ્ય જોખમો છે એના તરફ તેઓ દુર્લક્ષ સેવે છે. ખરેખર કૅન્સરથી બચવું હોય તો સ્માર્ટફોન છોડવાને બદલે કૅન્સર માટે કારણભૂત પરિબળો જેમ કે ધૂમ્રપાન અને દારૂનું સેવન, વધતું વજન, બેઠાડુ જીવન, શારીરિક શ્રમ ન કરવો, લક્ષણો દેખાવા છતાં તપાસ ટાળવી આ બધાં કારણો પર ધ્યાન આપવું અને હેલ્ધી લાઇફસ્ટાઇલ અપનાવવી એકમાત્ર રસ્તો છે.