ડાયાલિસિસ પહેલાં ટ્રાન્સપ્લાન્ટ કરાવાય?

10 May, 2021 02:45 PM IST  |  Mumbai | Dr. Bharat Shah

હું સમજી નથી શકતો કે જો ડાયાલિસિસ મને ઠીક ન કરી શકતું હોય તો એ શું કામ લેવાનું? એના સિવાય કોઈ ઇલાજ છે? ટ્રાન્સપ્લાન્ટ કયા સ્ટેજ પર કરાવવું જોઈએ?   

GMD Logo

હું ૫૩ વર્ષનો છું. મારી બન્ને કિડની ખરાબ થઈ ગઈ છે. ડૉક્ટરે કહ્યું કે હવે ડાયાલિસિસ શરૂ કરવું પડશે. ડાયાલિસિસ મારે ક્યાં સુધી લેવાનું એવું પૂછ્યું તો તેમણે કહ્યું હંમેશાં માટે. એક સમય એવો પણ આવશે કે ડાયાલિસિસ પણ કામ નહીં કરે. હું સમજી નથી શકતો કે જો ડાયાલિસિસ મને ઠીક ન કરી શકતું હોય તો એ શું કામ લેવાનું? એના સિવાય કોઈ ઇલાજ છે? ટ્રાન્સપ્લાન્ટ કયા સ્ટેજ પર કરાવવું જોઈએ?   
 
ડાયાલિસિસ એક સપોર્ટિંગ સિસ્ટમ છે જે વ્યક્તિને જીવવામાં મદદ કરે છે. પરંતુ એ એવો ઇલાજ નથી જેનાથી કિડની ઠીક થાય. જો તમારી કિડની એ સ્ટેજ પર પહોંચી ગઈ છે કે તમને ડાયાલિસિસની જરૂર હોય એનો અર્થ જ એ કે હવે કિડની ઠીક થઈ શકે એમ જ નથી. હવે ફાઇનલ ઇલાજ તમારા માટે કિડની ટ્રાન્સપ્લાન્ટનો છે, જેના વડે તમે એકદમ નૉર્મલ લાઇફ જીવી શકો છો. 
ઘણા લોકો છે જેઓ કોઈને કોઈ કારણોસર વર્ષોથી ડાયાલિસિસ પર હોય છે અને ટ્રાન્સપ્લાન્ટ ટાળતા હોય છે અથવા કોઈને કોઈ કારણસર એ ટળતું રહેતું હોય છે. એક એ માન્યતા પણ લોકોમાં હતી કે ડાયાલિસિસ પણ જ્યારે કામ ન કરે ત્યારે ટ્રાન્સપ્લાન્ટ કરાવવું. આ માન્યતાને છેલ્લાં કેટલાંક વર્ષોથી અમે ડૉક્ટર્સ બદલવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. ડાયાલિસિસ કિડની પ્રૉબ્લેમનો કાયમી ઇલાજ નથી પરંતુ ટ્રાન્સપ્લાન્ટ એનો કાયમી ઇલાજ છે. 
જે વ્યક્તિ ડાયાલિસિસ સુધીની કન્ડિશન પર પહોંચી ગઈ છે એનો અર્થ એ કે તેને ટ્રાન્સપ્લાન્ટની જરૂર છે જ. એટલે ખોટી રાહ જોઈને ટ્રાન્સપ્લાન્ટ પાછું ધકેલવું યોગ્ય ગણાશે નહીં. જો કિડનીના દરદીની હાલત ખરાબ થતી જાય તો તેમને બચાવવા કે નવજીવન આપવા માટે ટ્રાન્સપ્લાન્ટ અનિવાર્ય છે. કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે થોડી આર્થિક સજ્જતાની જરૂર રહે છે. ડોનેશન ઇચ્છુક લિસ્ટમાં નામ નોંધાવ્યા પછી સહજ રીતે ઘણી રાહ જોવી પડે છે. જો દરદીના ઘરમાંથી જ કોઈ દરદીને કિડની દાનમાં આપવા તૈયાર થાય તો એનાથી બેસ્ટ કશું હોતું નથી. આજે ઘણી જાગરુકતા આવી છે એટલે વધુને વધુ ટ્રાન્સપ્લાન્ટ શક્ય બનતાં જાય છે. કિડની એક એવું અંગ છે જે જીવિત વ્યક્તિ પણ દાનમાં આપી શકે છે અને પોતાના પ્રિયજનને જીવનદાન આપી શકે છે. એટલે તમે ટ્રાન્સપ્લાન્ટ વિશે વિચારો એ તમારા માટે હિતાવહ રહેશે.

health tips columnists dr. bharat shah