હાથ ધ્રૂજે છે, શું એ ઉંમરને લીધે થાય છે?

10 August, 2022 03:27 PM IST  |  Mumbai | Dr. Shirish Hastak

અમે જ્યારે વૉક કરવા જતાં ત્યારે તે એક કલાકમાં ગાર્ડનના ૧૦ રાઉન્ડ આરામથી મારી લેતી. પણ હવે તે ૬ જ રાઉન્ડ મારી શકે છે. આ માટે ડૉક્ટરને બતાવવું જરૂરી છે કે આ ફક્ત ઉંમરને કારણે જ થયું હશે?  

પ્રતીકાત્મક તસવીર સૌજન્ય : આઇસ્ટૉક

મારી પત્ની ૬૯ વર્ષની છે. તેનો ડાબો હાથ થોડો ધ્રૂજે છે. તે કામ ન કરતી હોય ત્યારે પણ હલવા લાગે છે. એક વાર તો તેના હાથમાંથી થાળી પડી ગઈ. એ પછી તે હેબતાઈ ગઈ છે. પહેલાં કરતાં થોડી ધીમી ચાલ થઈ છે. અમે જ્યારે વૉક કરવા જતાં ત્યારે તે એક કલાકમાં ગાર્ડનના ૧૦ રાઉન્ડ આરામથી મારી લેતી. પણ હવે તે ૬ જ રાઉન્ડ મારી શકે છે. આ માટે ડૉક્ટરને બતાવવું જરૂરી છે કે આ ફક્ત ઉંમરને કારણે જ થયું હશે?  

મોટા ભાગના લોકો ઉંમર થઈ છે એટલે ચિહ્‍નો દેખાઈ રહ્યાં છે એમ માનીને આ બાબતને અવગણે છે જે યોગ્ય નથી. કોઈ પણ ચિહ્‍ન ઉંમરને કારણે આવું થઈ રહ્યું છે એમ સમજીને અવગણો નહીં. તમારી પત્નીનાં લક્ષણો કહે છે કે તેમને પાર્કિન્સન્સ ડિસીઝ હોઈ શકે છે. પાર્કિન્સન્સ મગજને લગતી બીમારી છે. એમાં જુદાં-જુદાં ચિહ્‍નો દેખાઈ શકે છે. જરૂરી છે કે ચિહ્‍નોને ઓળખીને, એનું યોગ્ય નિદાન કરાવીને તમે તેમનો ઇલાજ જલદી શરૂ કરો. ધ્રુજારી પાર્કિન્સન્સનું ટિપિકલ લક્ષણ છે, જે મોટા ભાગે હાથ કે આંગળીઓથી શરૂ થાય છે અને ધીમે-ધીમે વધતું જાય છે. પાર્કિન્સન્સ ડિસીઝ તમારી મૂવમેન્ટ પર અસર કરે છે, જેને લીધે તમે ધીમા થઈ જાઓ છો, સામાન્ય વસ્તુઓ કરવામાં પણ ખૂબ જ વાર લાગે છે અને કરવી અઘરી લાગે છે, જેમ કે તમે ચાલો તો તમારાં પગલાં પહેલાં કરતાં ઘણાં નાનાં થઈ જાય. એટલું જ નહીં, જ્યારે તમે ચાલતા હો તો તમને લાગે કે તમે તમારા પગને પરાણે ઢસડી રહ્યા છો. ખુરસી પર બેઠા હો તો ઊભા થવાનું મુશ્કેલ બને અને ધીમે-ધીમે ઊભા થઈ શકો.

આ સિવાય સ્નાયુ એકદમ અકળાઈ જાય છે. તમારું પોશ્ચર અને બૅલૅન્સ બન્ને બગડે છે. આ રોગમાં સહજ પ્રકારનું હલનચલન જેમ કે આંખ પટપટાવવી, હસવું કે ચાલતી વખતે એની મેળે હાથ હલવા વગેરે મૂવમેન્ટ્સ દરદીઓમાં હોતી નથી, જેને લીધે તેમનો ચહેરો એકદમ એક્સપ્રેશન વગરનો લાગે છે. પાર્કિન્સન્સને કારણે વ્યક્તિનો અવાજ ધીમો થઈ જાય, ઝડપી બોલાઈ જાય, બોલવામાં ગડબડ થઈ જાય અને બોલતાં ખચકાય; ચકાસીને કહો કે આમાંથી કયાં લક્ષણો છે જે તેમનામાં અત્યારે દેખાઈ રહ્યાં છે. ઉંમર વધારે હોય તો ધ્રુજારી ન રહે અને સ્પીડ પણ એકદમ જ આટલી ઓછી ન થઈ શકે. માટે તમે એક વાર ન્યુરોલૉજિસ્ટને મળો અને યોગ્ય નિદાન કર્યા પછી ઇલાજ શરૂ કરાવો.

health tips columnists