ફોલિક ઍસિડ ફર્ટિલિટી વધારે?

03 April, 2023 04:27 PM IST  |  Mumbai | Sejal Patel

ફોલેટની ઊણપથી થાક લાગવો, એનીમિયા, ગુસ્સો અને ચીડિયાપણું, જીભ પર સોજો આવવો, અકાળે વાળ સફેદ થવા, મોં અને પેટમાં ચાંદાં પડવાં જેવી તકલીફો થાય છે.

પ્રતીકાત્મક તસવીર

પ્રેગ્નન્સી પ્લાન કરતાં યુગલોમાં સ્ત્રીઓને તો આ વિટામિનનાં સપ્લિમેન્ટ્સ આપવાનું રૂટીન પ્રૅક્ટિસ કહેવાય છે, પણ આ વિટામિન ઇન્ફર્ટિલિટીની સમસ્યા ધરાવતા પુરુષો માટે પણ ફાયદાકારક છે એવું લેટેસ્ટ અભ્યાસમાં બહાર આવ્યું છે ત્યારે સમજીએ કે ખરેખર ફોલેટથી મેલ ફર્ટિલિટી સુધરે છે ખરી? આ વિટામિન મેળવવા દવા સિવાય બીજું શું થઈ શકે એ પણ જાણીએ

જ્યારે પણ યુગલ કન્સીવ કરવાના પ્રયત્ન કરી રહ્યું હોય ત્યારે ગાયનેકોલૉજિસ્ટ્સ દ્વારા સ્ત્રીઓને ફોલિક ઍસિડનાં સપ્લિમેન્ટ્સ લેવાનું અચૂક કહે છે. જો સ્ત્રીઓમાં આ વિટામિનની ઊણપ હોય તો ગર્ભધારણમાં મુશ્કેલી તો પડે જ છે, પણ સાથે બાળક ખામીયુક્ત જન્મે એવા ચાન્સિસ અનેકગણા વધી જાય છે. જોકે તાજેતરમાં લગભગ ૨૧૧ પુરુષો પર છ મહિનાનો અભ્યાસ કરીને અમેરિકન રિસર્ચરોએ નોંધ્યું હતું કે રોજ પાંચ મિલીગ્રામ ફોલિક ઍસિડ અને ૬૬ મિલીગ્રામ ઝિન્ક લેવાથી પુરુષોમાં સ્પર્મ કાઉન્ટ અને મોટિલિટીમાં ૭૪ ટકા જેટલો સુધારો થયો હતો. આ અભ્યાસમાં ૧૦૩ પુરુષો એવા હતા જેમના સ્પર્મ કાઉન્ટ અને મોટિલિટી ગર્ભધારણ માટે જરૂરી મિનિમમ લેવલથી થોડાક જ ઓછા હતા. આ અભ્યાસમાં ફોલિક ઍસિડ અને ઝિન્કનાં સપ્લિમેન્ટ્સથી પુરુષોના શુક્રાણુ વધ્યા હોય, પણ રોજબરોજના જીવનમાં હજારો યુગલોની ફર્ટિલિટીના ઇશ્યુઝને સૉલ્વ કરતા હોય એવા ગાયનેકોલૉજિસ્ટ અને ઇન્ફર્ટિલિટી સ્પેશ્યલિસ્ટ ડૉ. જયેશ શેઠનું માનવું છે કે ફોલિક ઍસિડથી પુરુષોમાં સ્પર્મકાઉન્ટની ક્વૉન્ટિટી કે ક્વૉલિટીમાં ફરક આવ્યો હોય એવું ડાયરેક્ટ કો-રિલેશન અમને હજી સુધી જોવા નથી મળ્યું. સ્ત્રીઓમાં એગ પ્રોડક્શન અને પુરુષોમાં સ્પર્મ પ્રોડક્શનની પ્રક્રિયામાં બહુ ફરક હોય છે. એમાં ફોલિક ઍસિડનો બહુ રોલ નથી.’

મિનરલ્સ વધુ મહત્ત્વનાં

ફોલિક ઍસિડ બહુ મહત્ત્વનું વિટામિન છે, જે ગર્ભધારણથી લઈને બાળકની ડિલિવરી થાય ત્યાં સુધી બહુ જ વાઇટલ રોલ ભજવે છે. પરંતુ ગર્ભધારણથી લઈને યુટ્રસમાં બાળકને ઉછેરવાનું કામ સ્ત્રીના શરીરમાં થાય છે. જ્યારે પુરુષોમાં શુક્રાણુની ક્વૉલિટી કે ક્વૉન્ટિટી પર ફોલેટની બહુ ખાસ અસર જોવા નથી મળતી. લગભગ પચીસ વર્ષનો અનુભવ ધરાવતા ઇન્ફર્ટિલિટી સ્પેશ્યલિસ્ટ ડૉ. જયેશ શેઠ કહે છે, ‘પુરુષોમાં કન્સીવ કરવામાં મુશ્કેલી પડવાનાં અનેક કારણો હોય છે. એમાં માત્ર ફોલિક ઍસિડનાં સપ્લિમેન્ટ્સથી સ્પર્મની મોટિલિટી કે કાઉન્ટમાં ખાસ ફરક નથી જોવા મળ્યો. હા, પુરુષોના સ્પર્મ કાઉન્ટ પર ઍન્ટિ-ઑક્સિડન્ટ્સથી ભરપૂર ફૂડની અસર ઘણી સારી પડે છે. વિવિધ મિનરલ્સ પણ પુરુષોની ફર્ટિલિટીમાં મહત્ત્વનો ભાગ ભજવી શકે છે અને ઝિન્ક એમાંનું એક છે. સ્પર્મમાં કોઈ પણ પ્રકારની બૉર્ડરલાઇન તકલીફો ધરાવતા લોકોને ફોલિક ઍસિડ અને ઝિન્કનાં સપ્લિમેન્ટ્સ ચોક્કસ આપી શકાય, પણ એમાં ઝિન્ક વધુ મહત્ત્વનું છે.’

આ ફોલેટ છે શું?

ફોલિક ઍસિડથી ફર્ટિલિટી સુધરે છે કે નહીં એનો જવાબ મેળવતાં પહેલાં આ વિટામિન શું છે અને એનું શું કામ છે એ સમજાવતાં ડાયટિશ્યન યોગિતા ગોરડિયા કહે છે, ‘વિટામિન બી૯ એટલે ફોલિક ઍસિડ. એ પાણીમાં સોલ્યુબલ હોય છે અને શરીરના મૂળભૂત કોષોમાં સ્ટ્રેસને કારણે પેદા થતી અસરો સામે ફાઇટ કરવામાં એ બહુ મહત્ત્વનું છે. આ વિટામિનની બહુ ઓછી માત્રામાં જરૂરિયાત આપણા શરીરને હોય છે જે નૉર્મલ અને નૅચરલ ફૂડમાંથી ભરપૂર માત્રામાં મળી પણ રહે છે. એમ છતાં છેલ્લા કેટલાક દાયકાઓથી જોવા મળ્યું છે કે આ વિટામિનનાં સપ્લિમેન્ટ્સનું ચલણ વધ્યું છે. એનું કારણ છે આપણી સ્ટ્રેસફુલ લાઇફસ્ટાઇલ. સ્ત્રીઓના શરીરમાં હૉર્મોનલ ઉતારચડાવ તેમ જ સ્ટ્રેસનું પ્રમાણ વધુ રહેતું હોવાથી ગર્ભધારણ દરમ્યાન એની ઊણપ ન સર્જાય એ માટે એનાં સપ્લિમેન્ટ્સ આપવામાં આવતાં હતાં. જોકે આપણે એ જોવાનું ભૂલી ગયા કે સ્ટ્રેસફુલ લાઇફ જેમ સ્ત્રીઓની છે એમ હવે પુરુષોમાં પણ એટલાં જ સ્ટ્રેસનાં કારણો છે.’

વિટામિન બી૯ શરીરના મૂળભૂત કોષ ડીએનએનું ફ્યુઅલ ગણાય છે. જો એને પૂરતું ફ્યુઅલ ન મળે તો એમાં બદલાવ આવે છે અને એજિંગ પ્રોસેસ તેમ જ મ્યુટેશનની સંભાવના ઝડપી બને છે. ફોલેટથી ઊણપથી થાક લાગવો, એનીમિયા, ગુસ્સો અને ચીડિયાપણું, મોં અને પેટમાં ચાંદાં પડવાં જેવી તકલીફો થાય છે. અકાળે વાળ સફેદ થવા, જીભ પર સોજો આવવો જેવાં લક્ષણો પણ આ વિટામિનની ઊણપથી દેખાઈ શકે છે. 

આ પણ વાંચો: આજકાલ પેલું રેઝિન કર્ડ કેમ ફેમસ થઈ ગયું છે?

ગર્ભાવસ્થામાં કેમ અતિ મહત્ત્વનું?

કદાચ પુરુષો માટે એ એટલું મહત્ત્વનું વિટામિન સાબિત નથી થયું, પરંતુ ગર્ભાવસ્થા દરમ્યાન આ વિટામિનનાં સપ્લિમેન્ટ્સ અત્યંત જ મહત્ત્વનાં છે. એનું કારણ શું છે તેમ જ એ ન લેવામાં આવે તો શું તકલીફો થઈ શકે એનાં ભયસ્થાનો વિશે વાત કરતાં ડૉ. જયેશ શેઠ કહે છે, ‘બાળકના જન્મની પ્રક્રિયા એ માટે તમારે સમજવી પડશે. એક એગ અને સ્પર્મ મળીને એક ભ્રૂણ તૈયાર થાય. ભ્રૂણ બને ત્યારે એ માત્ર એક જ કોષ હોય. એમાંથી મલ્ટિપ્લિકેશન થઈને બે, ચાર, આઠ, સોળ એમ કોષોની સંખ્યા વધે. બાળક જ્યારે ડિલિવર થાય ત્યારે તેના શરીરમાં ૩૧થી ૩૨ કરોડ કોષો હોય. આ કોષો મલ્ટિપ્લાય થાય એને ડીએનએ પ્રિન્ટિંગ પ્રોસેસ કહેવાય. દરેક ડીએનએ પ્રિન્ટિંગ માટે જે જરૂરી ફ્યુઅલ છે એ ફોલેટમાંથી મળે. જેમ ગાડી ચલાવવા માટે ફ્યુઅલની જરૂર પડે એમ ડીએનએ પ્રિન્ટિંગ માટે જરૂરી હૉર્મોન્સરૂપી ફ્યુઅલ છે એ ફોલેટ પેદા કરે છે. જો આ વિટામિનની ઊણપ પ્રેગ્નન્સી દરમ્યાન થાય તો સ્પાઇનાબાઇફીડા જેવી જન્મજાત ખોડખાંપણ સાથે બાળક જન્મે. બાળકનું શરીર અવિકસિત રહી જાય છે. જ્યારથી આ સપ્લિમેન્ટ્સનો નિયમિત સમાવેશ પ્રેગ્નન્સીના પ્રિસ્ક્રિપ્શનમાં કરવામાં આવ્યો છે ત્યારથી આવાં ખામીયુક્ત બાળકોનું પ્રમાણ કન્ટ્રોલમાં આવી ગયું છે.’

શામાંથી મળે ફોલિક ઍસિડ?

નૅચરલ અને નૉર્મલ ફૂડમાંથી આ વિટામિન મળે છે એમ જણાવતાં ડાયટિશ્યન યોગિતા ગોરડિયા કહે છે, ‘લીલાં પાનવાળી ભાજીઓ, બ્રૉકલી, પાલક, તાંદળજો, ઍસ્પરગસ, વિવિધ દાળ અને કઠોળમાંથી એ પૂરતી માત્રામાં મળે છે. ગ્રીન, ઑરેન્જ અને રેડ કલરનાં ફ્રૂટ્સ અને શાકભાજી તમે ખાઓ તો વિટામિન બી૯ની આપમેળે પૂર્તિ થાય. અવાકાડો, રૅડિશ, બીટ, ગાજર, પપૈયું, સક્કરટેટી, ચેરીઝ, ટમેટાં, કૅપ્સિકમનો પૂરતો ઉપયોગ કરવાથી ભોજન થકી જ એની જરૂરિયાત પૂરી થઈ જાય છે.’

સ્પર્મ સુધારવા શું થઈ શકે?

અભ્યાસ કહે છે કે ફોલિક ઍસિડથી સ્પર્મ કાઉન્ટ સુધરી શકે છે, પણ એની ડાયરેક્ટ પૉઝિટિવ અસર કન્સીવ કરવાની ક્ષમતા પર હજી સુધી જોવા નથી મળી. જોકે સ્પર્મ કાઉન્ટ પર શાની સારી અસર પડે છે એ સમજાવતાં ડૉ. જયેશ શેઠ કહે છે, ‘લોકો આજકાલ પોષક તત્ત્વોની પૂર્તિ માટે બેફામ મલ્ટિવિટામિન લે છે, જે યોગ્ય નથી. બિનજરૂરી સપ્લિમેન્ટ્સથી વજન વધી જાય છે અને એની માઠી અસર હેલ્થના બીજા અનેક ફૅક્ટર્સ પર પડે છે. એના બદલે જો ફ્રૂટ ડાયટ અપનાવવામાં આવે તો ખૂબ સારી અસર પુરુષોમાં જોવા મળી છે. રોજનાં બે ફ્રૂટ્સ ખાવાનો નિયમ બૉર્ડરલાઇન સમસ્યા ધરાવતા પુરુષોમાં ઘણો જ અસરકારક છે. શક્ય હોય તો ફળોમાં વૈવિધ્ય રાખી શકાય, બાકી કેળું જરૂરી મિનરલ્સ અને વિટામિન્સ માટે પર્ફેક્ટ છે. એ સસ્તું છે, બારેમાસ મળે છે અને કબજિયાત પણ નથી થતી. જરૂર પડે તો ઝિન્ક સપ્લિમેન્ટ્સ આપી શકાય અને એની સાથે કો-એન્ઝાઇમ ક્યુ૧૦ હોય તો વધુ અસરકારક બને. અલબત્ત, આ સપ્લિમેન્ટ્સ બને ત્યાં સુધી નિષ્ણાતને કન્સલ્ટ કરીને જ લેવાં.’

columnists health tips sejal patel