બ્રેસ્ટ-મિલ્ક પછી તમારા બાળકને સૌથી પહેલું આ મિલેટ આપો

21 April, 2023 05:27 PM IST  |  Mumbai | Sejal Patel

નવજાતને બહારનું ફૂડ આપવાનું શરૂ કરો ત્યારે રાગીની રાબ કે શીરો અચૂક રાખો. બાળકની હાઇટ સારી થાય અને હાડકાં મજબૂત થાય એ માટે એનું ગ્રોથ ડ્રિન્ક પણ બનાવી શકો છો

પ્રતીકાત્મક તસવીર

ફણગાવેલી નાચણીને ઘરે જ સૂકવીને એમાંથી લોટ બનાવવાનું થોડુંક અઘરું છે, પણ હવે એનો તૈયાર લોટ બહાર પણ મળે છે. એની શેલ્ફ-લાઇફ ઓછી હોય છે અને એને ફ્રિજમાં જ સ્ટોર કરવો પડે છે.

હાલમાં મિલેટ યર ચાલી રહ્યું છે. ભારતમાં વિવિધ રાજ્યોમાં મુખ્ય નવ મિલેટ્સનો અલગ-અલગ રીતે નિયમિત ભોજનમાં સમાવેશ થાય છે. જેમ બાજરી વિન્ટર મિલેટ છે અને ઠંડીની સીઝનમાં વધુ ખવાય છે એવું જ નાચણી સમર મિલેટ છે. એ ઠંડક કરતી હોવાથી ઉનાળામાં વધુ વાપરી શકાય છે. જન્મ પછી સૌથી પહેલાં બાળકને જો કોઈ તૃણધાન્ય આપી શકાય એમ હોય તો એ છે નાચણી, એમ જણાવતાં ડાયટિશ્યન જિનલ સાવલા કહે છે, ‘બાળકના ગ્રોથ માટે આ બહુ જ જરૂરી મિલેટ છે.’

માના દૂધ પછી તરત  | બાળક લગભગ છથી આઠ મહિનાનું થાય ત્યાં સુધી તો માત્ર અને માત્ર માનું દૂધ જ તેને યોગ્ય વિકાસ માટે પૂરતું થઈ પડે છે, પણ જ્યારે બ્રેસ્ટ-મિલ્ક અપૂરતું થવા લાગે ત્યારે રાગીનો રોલ શરૂ થાય છે. નવ-દસ મહિના પછી બાળક પહેલાં ભાંખોડિયાં ભરે અને પછી ચાલવા લાગે ત્યારે એનાં હાડકાં ખરેખર મજબૂત હોય એ જરૂરી છે અને એની પૂર્તિ માટે નાચણી બહુ જ પોષક પુરવાર થાય છે એમ જણાવતાં જિનલ સાવલા કહે છે, ‘નવજાત શિશુનાં ગ્રોઇંગ યર્સમાં કૅલ્શિયમ અને આયર્ન એ બે બહુ જ મહત્ત્વનાં મિનરલ્સ છે. બ્રેસ્ટ-મિલ્ક અપૂરતું થવા લાગે અને બાળકને બહારનું ફૂડ ખવડાવવાનું શરૂ કરવાનું હોય ત્યારે એવું ફૂડ આપવું જોઈએ જે ભલે ઓછી માત્રામાં ખવાય, પણ પોષણ વધુ આપે. ચાલતાં-દોડતાં શીખી રહેલા બાળકને શરૂઆતનાં આ વર્ષોમાં કૅલ્શિયમની મૅક્સિમમ જરૂર પડે છે. આમ તો કૅલ્શિયમ અનેક સીડ્સ, દૂધ અને કઠોળમાંથી પણ મળતું હોય છે; પણ એ બધાની સાપેક્ષે રાગીમાં એ વધુ માત્રામાં અને વધુ સુપાચ્ય ફૉર્મમાં હોય છે. બાળકના વિનિંગ પિરિયડમાં બહારનું ફૂડ આપવાનું શરૂ કરીએ ત્યારે નાચણીની રાબ કે શીરો બનાવીને બાળકને ચટાડવાનું શરૂ કરવું જોઈએ.’

ફણગાવેલી નાચણી  |  જેમ કઠોળને ફણગાવવાથી એ સુપાચ્ય બને છે એમ મિલેટ્સને સ્પ્રાઉટ કરવામાં આવે તો એ પોષકતત્ત્વોથી સભર અને સુપાચ્ય બને છે. આઠથી દસ કલાક માટે નાચણીને પલાળી રાખો અને પછી એને કપડામાં બાંધીને થોડીક ગરમ અને અંધારી જગ્યાએ રાખો. એમ કરવાથી લગભગ એકાદ દિવસમાં રાગીના દાણાને કૂંપળો ફૂટી નીકળશે. આવી સ્પ્રાઉટેડ રાગીમાં વિટામિન બી૧૨નું પ્રમાણ વધી જાય છે એમ જણાવતાં ડાયટિશ્યન જિનલ કહે છે, ‘ફણગાવેલી રાગીમાં નૉર્મલ કરતાં પાંચગણું કૅલ્શિયમ વધી જાય છે. રાધર, એનું શોષણ સહેલું થઈ જાય છે. જીવનનાં પહેલાં બે-ત્રણ વર્ષ દરમ્યાન બાળકના ગ્રોથ માટે એ બહુ જરૂરી છે. આ સમય દરમ્યાન ઊછળકૂદ કરતા બાળકને નાચણીની રાબ અને શીરો નિયમિત આપવાથી એની હાઇટ સારી થાય છે અને હાડકાં મજબૂત થાય છે. આ બન્ને ચીજો પાછલી વયે સિનિયર સિટિઝન્સ માટે પણ બહુ કામની છે. ઉંમરને કારણે ઑસ્ટિઓપોરોસિસ પ્રિવેન્ટ કરવા માટે પણ નાચણી બેસ્ટ છે.’

એનર્જી અને ગ્રોથ ડ્રિન્ક 

બાળક પ્લે સ્કૂલમાં જતું થાય એ પછીથી રોજ દૂધમાં ચૉકલેટ ફ્લેવરનાં વિવિધ બ્રૅન્ડેડ પાઉડર્સ આપવામાં આવે છે. આ પાઉડર પીને એનર્જી આવી જશે, હાઇટ વધી જશે, બાળક સ્માર્ટ થઈ જશે એવા દાવાઓ કરતી ઍડ્વર્ટાઇઝમેન્ટ્સ પણ આપણે ઘણી જોઈ છે પરંતુ આજકાલ આ જ પાઉડર્સની અંદર શુગરનું બેફામ પ્રમાણ હોવાને કારણે એ બાળકો માટે કેટલાં હાનિકારક ડ્રિન્ક પુરવાર થાય છે એની ચર્ચા ચાલે છે. આવાં એનર્જી અને ગ્રોથ ડ્રિન્કનો વિકલ્પ પણ નાચણીમાં છે એમ જણાવતાં જિનલ સાવલા કહે છે, ‘ફણગાવેલી રાગીના લોટમાંથી બનતું એનર્જી ડ્રિન્ક વધુ નૅચરલ ફૉર્મ છે, જેની બાળક પર કોઈ સાઇડ ઇફેક્ટ નથી થતી. રાગી ફણગાવેલી હોવાથી ઑલરેડી વધુ સુપાચ્ય ફૉર્મમાં હોય છે અને પછી એમાં ગળપણ માટે કેમિકલ ફ્રી ગોળ, સ્કિમ્ડ મિલ્ક પાવડર અને નૅચરલ કોકો અને વૅનિલા નાખીને બાળકને રોજ સવારના એનર્જી મિલ્ક તરીકે આપી શકાય. હું જેટલાં પણ સ્કૂલ ગોઇંગ બાળકોને આ આપું છું એનાં બહુ જ સારાં રિઝલ્ટ જોવા મળ્યાં છે. ઇન ફૅક્ટ, પીડિયાટ્રિશ્યનો પણ હવે તો આવું નૅચરલ ડ્રિન્ક રેકમન્ડ કરી રહ્યા છે.’

columnists health tips sejal patel