ગધેડીનું દૂધ કમળા માટે બહુ સારું છે

26 April, 2023 06:20 PM IST  |  Mumbai | Sejal Patel

ગધેડીનું દૂધ બહુ ઝડપથી ફાટી જાય છે, પણ એમાંથી પનીર ખૂબ જ ઓછું બને છે.

ગધેડીનું દૂધ કમળા માટે બહુ સારું છે

થોડાક સમય પહેલાં મેનકા ગાંધીના વિડિયોમાં ગધેડા જેવા તરછોડાયેલા પશુને બચાવવા માટે શું થઈ શકે એની વાત સાંભળવા મળી હતી. વિડિયોમાં મેનકા ગાંધી કહે છે. ‘દિલ્હીમાં ગધેડીના દૂધનો સાબુ ૫૦૦ રૂપિયામાં વેચાય છે. આપણે ગધેડીના દૂધ અને બકરીના દૂધનો સાબુ બનાવીએ તો?’ તેમણે આગળ કહ્યું, ‘કેટલા દિવસ થઈ ગયા તમને લોકોને ગધેડા જોયે? એમની સંખ્યા ઓછી થઈ રહી છે. ધોબીએ પણ ગધેડાનો ઉપયોગ કરવાનું બંધ કરી દીધું છે. લદાખમાં એક સમુદાય છે જેમણે જોયું કે ગધેડાની સંખ્યા ઘટી રહી છે. એટલે તેમણે ગધેડીનું દૂધ દોહવાનું શરૂ કર્યું અને એનો ઉપયોગ સાબુ બનાવવામાં કર્યો. ગધેડીના દૂધનો સાબુ મહિલાના શરીરને સદા સુંદર બનાવી રાખે છે.’

અને વાત જરાય ખોટી નથી. દિલ્હીમાં છેલ્લાં પાંચ વર્ષથી પૂજા કૌલ નામની યુવતી ગધેડાના સંવર્ધન માટે એમાંથી સાબુ બનાવવાની ચુનૌતી લઈને બેઠી છે. એ માટે તેણે ગધેડાને પાળવાના તબેલા જાતે શરૂ કર્યા છે એટલું જ નહીં, ગામેગામ ફરીને રોજીરોટી મેળવતી કમ્યુનિટીના લોકોને ગધેડા પાળવા માટે પ્રોત્સાહન આપીને એમાંથી સાબુ બનાવવાનું શરૂ કર્યું છે. ગધેડીના દૂધના સાબુમાંથી તેણે ઑર્ગેનિક સાબુ બનાવવાનું એટલું મોટું એમ્પાયર ખડું કરી દીધું કે એક વર્ષ પહેલાં ફૉર્બ્સના ૩૦ એશિયન્સ અન્ડર ૩૦માં તેનું અને તેના સ્ટાર્ટઅપનું નામ પણ સમાવિષ્ટ થઈ ગયું. 

પશુઓને બચાવવા માટે એની ઉપયોગિતા જળવાઈ રહે એ માટે આવા પ્રોજેક્ટ્સ શરૂ થાય એ જરૂરી છે. જોકે શું એ માત્ર ઉપયોગિતાની જ વાત છે કે ખરેખર ગધેડીનું દૂધ ગુણકારી છે? અમે ખાંખાંખોળા કરવા માટે કેટલાક આયુર્વેદ નિષ્ણાતોને પૂછ્યું. 

કમળા માટે1 બેસ્ટ

એક સમય હતો જ્યારે દક્ષિણ મુંબઈની ગલીઓમાં પશુપાલકો ગધેડીને લઈને દૂધ વેચવા આવતા અને તાજું દૂધ તમારી સામે કાઢીને આપતા. પાંચ પેઢીથી જેમના પરિવારમાં આયુર્વેદ નિષ્ણાતો જ છે એવા આયુર્વેદ નિષ્ણાત ડૉ. નીતિન ગોરડિયા કહે છે, ‘હજી ૩૦-૩૫ વર્ષ પહેલાં સુધી લોકો ગધેડીનું દૂધ વેચવા આવતા મેં જોયા છે અને એનું સેવન પણ અનેક લોકો કરતા આવ્યા છે. આયુર્વેદની વાત કરીએ તો એમાં આઠ પ્રકારના દૂધની વાત છે ને ગધેડીનું દૂધ એમાંનું એક છે.’

આ પણ વાંચો :  બ્રેસ્ટ-મિલ્ક પછી તમારા બાળકને સૌથી પહેલું આ મિલેટ આપો

સુપાચ્ય દૂધ

દૂધ આપણો પ્રાથમિક ખોરાક રહ્યો છે, પરંતુ દરેક વ્યક્તિને બધાં દૂધ પચતાં જ હોય એ જરૂરી નથી. જેમને ભેંસનું ન પચે તેમને ગાયનું દૂધ અપાય છે અને જેમને ગાયનું દૂધ પણ ન સદે તેમને માટે ગધેડીનું દૂધ સારું છે કેમ કે એમાં ચરબી અને પ્રોટીનનું પ્રમાણ ઘણું જ ઓછું હોય છે. ગધેડીનું દૂધ સુપાચ્ય કેવી રીતે છે એનું કારણ આપતાં ડૉ. નીતિન કહે છે, ‘ગધેડા ખૂબ મહેનતુ પ્રાણીઓમાંના એક છે. કદી આરામ ફરમાવીને બેસે નહીં. એને કારણે આ પ્રાણીઓનું દૂધ પ્રમાણમાં હલકું હોય, જે સરળતાથી પચી જાય. એટલે જ જેમને ગાય-ભેંસનું દૂધ ન સદે તેમને ગધેડી કે બકરીનું દૂધ અપાય છે.’

મૉડર્ન મેડિસિને આ દૂધનું જેટલું વિશ્ળેષણ કર્યું છે એમાં બહાર આવ્યું છે કે ગધેડીના દૂધનું કમ્પોઝિશન માણસના એટલે કે સ્ત્રીના દૂધને ખૂબ મળતું આવે છે. વિશાખાપટ્ટનમ જિલ્લામાં ડિપાર્ટમેન્ટ ઑફ ઍનિમલ હસબન્ડરીના જૉઇન્ટ ડિરેક્ટર વેન્કટેશ્વર રાવે ગધેડીના દૂધના મેડિકલમાં ઉપયોગ વિશે કહ્યું કે આ પૂરી રીતે હ્યુમન બ્રેસ્ટ દૂધના જેવું છે. એમાં ઍન્ટિ-ઑક્સિડન્ટ્સ, ઍન્ટિ-એજિંગ અને રીજનરેટિંગ કમ્પાઉન્ડ ખૂબ સારી માત્રામાં હોય છે. કમળાની સમસ્યામાં એ ખૂબ ઉપયોગી છે એમ જણાવતાં ડૉ. નીતિન કહે છે, ‘લિવરની તકલીફો અને કમળામાં ગધેડીનું દૂધ આપી શકાય. દૂધનું નસ્ય કરવાનું પણ આયુર્વેદમાં કહેવાયું છે. એનો અનુરસ ખારો છે એટલે કે પીધા પછી મોંમાં સહેજ લવણરસ રહી જાય છે. જે પ્રાણીના પગમાં એક જ ખૂંટ હોય એનું દૂધ પીવામાં સારું હોય છે. ’

વણઝારી પ્રજા હંમેશાં પોતાના હરતા-ફરતા કબીલામાં એક કે બે ગધેડીઓ અચૂક રાખે છે. એનું દૂધ નવજાત શિશુને અસ્થમા, ટીબી અને ગળાના ઇન્ફેક્શનથી દૂર રાખે છે. ગધેડીના દૂધનો ઉપયોગ પ્રાચીન કાળમાં ૬થી ૮ મહિના સુધીનાં બાળકોને અસ્થમા અને શ્વાસ સંબંધી ઍલર્જીથી બચાવવા માટે કરાતો હતો. એના દૂધનો ઉપયોગ સ્કિનની ચમક અને કોમળતા બનાવી રાખવામાં પણ કરાય છે. કૉસ્મેટિક પ્રોડક્ટ્સમાં પણ ગધેડીના દૂધનો ઉપયોગ કરાય છે.

columnists sejal patel health tips