બટાટા ખાવાના નહીં, પીવાના ઘણા ફાયદા છે

01 May, 2023 04:18 PM IST  |  Mumbai | Sejal Patel

યસ, તમે બરાબર વાંચ્યું. બટાટાનો રસ ચોક્કસ માત્રામાં લેવાથી અનેક પ્રકારની તકલીફોમાં રાહત મળે છે. આવું આયુર્વેદમાં તો ઘણા વર્ષો પહેલાં કહેવાયું હતું, પણ હવે મૉડર્ન ન્યુટ્રિશન સાયન્સના નિષ્ણાતો પણ એ વાત સ્વીકારે છે.

પ્રતિકાત્મક તસવીર

મૂળે સાઉથ અમેરિકાનું કંદ જે પોટુગીઝો દ્વારા ભારતમાં પ્રવેશ્યું એવું બટાટું હેલ્થ કૉન્શ્યસ લોકોમાં બહુ વગોવાયેલું રહ્યું છે. એનું કારણ બટાટા સ્વાસ્થ્યની દૃષ્ટિએ ખરાબ છે એવું નથી, પરંતુ એનો ઉપયોગ કરવાની પદ્ધતિ ખોટી છે એ છે. જ્યારથી બટાટાની ચિપ્સ, ફ્રાઇસની પૉપ્યુલરિટી વધી છે ત્યારથી એનાં વળતાંપાણી થયાં છે. બાકી, અમુક શાકની સાથે બટાટાનું 
 
ઉમેરણ પાચનને સુધારવાનું જ કામ કરે છે. બટાટાનો રસ પણ દવા તરીકે દાઝવા પર, ઇન્ફ્લમેશન, સ્કિન ડિસીઝ પર અસરકારક રહ્યો છે. અલબત્ત, છેલ્લાં એક-બે વર્ષથી પશ્ચિમના દેશોમાં પણ હવે પટેટો જૂસને હેલ્થ ડ્રિન્ક તરીકે પ્રમોટ કરવામાં આવી રહ્યું છે. 
 
શિલ્પા શેટ્ટી સાથે ધ ગ્રેટ ઇન્ડિયન ડાયટના કો-રાઇટર અને ગ્લોબલી જાણીતા અવૉર્ડ વિનિંગ ન્યુટ્રિશનિસ્ટ અને લાઇફસ્ટાઇલ કોચ લ્યુક કુટીન્હોએ પણ પોતાના ક્લાયન્ટ્સ પરના પ્રયોગો પરથી પટેટો જૂસની હિમાયત કરી છે. તેમનું કહેવું છે કે બટાટાના રસમાં વિટામિન સી, વિટામિન બી કૉમ્પ્લેક્સ, પોટૅશિયમ, મૅગ્નેશિયમ, મૅન્ગેનીઝ, કૉપર, આયર્ન, કૅલ્શિયમ, ફોસ્ફરસ, સલ્ફર અને થોડીક માત્રામાં પ્રોટીન છે જેને કારણે વિવિધ સમસ્યાઓમાં એની પૉઝિટિવ અસર થાય છે.’
 
બટાટાનો જૂસથી શું ફાયદો થાય?
 
૧. આર્થાઇટિસ : ઘૂંટણ, કોણી, ગળું, ખભા કે પીઠમાં આર્થ્રાઇટિસને કારણે પીડા થતી હોય તો બટાટાનો જૂસ ઍન્ટિ-ઇન્ફ્લમેટરી અસર કરશે. શિયાળામાં જ્યારે સાંધામાં ખૂબ જ જકડાહટ, સોજો આવી જાય ત્યારે બટાટાનો રસ આપવાથી ક્રોનિક ઇન્ફ્લમેશન ઘટ્યું હોવાનું નોંધાયું હતું. 
 
૨. બ્લડ સર્ક્યુલેશન: લોહીથી આખા શરીરમાં ઑક્સિજન પહોંચે છે જે જીવન માટે વાઇટલ ફોર્સ જેવું છે. બટાટાના રસમાં ખૂબ સારી માત્રામાં વિટામિન બી એટલે કે નાયાસિન રહેલું છે જે લોહીમાં ઑક્સિજનેશનની પ્રક્રિયા બુસ્ટ કરે છે અને એટલે શરીરમાં બધે જ ઑક્સિજનનું ભ્રમણ સુધરે છે. 
 
૩. ઍસિડિક બૅલૅન્સ : મોટા ભાગના રોગો શરીરમાં ઍસિડિક વાતાવરણ વધુ હોય ત્યારે જન્મે છે. આપણા શરીરમાં કુદરતી રીતે જ પીએચ બૅલૅન્સ જાળવવાની મેકૅનિઝમ હોય જ છે, પરંતુ ખરાબ લાઇફસ્ટાઇલને કારણે એમાં બગાડ થાય છે. એને કારણે આપણને બહારથી શરીરને આલ્કલાઇન બનાવતા તત્ત્વો ઉમેરવાની જરૂર પડે છે. બટાટાનો રસ એમાં અસરકારક છે. એનાથી સ્ટમકનો વધારાનો ઍસિડ ન્યુટ્રલાઇઝ થઈ જાય છે. શરીરને આલ્કલાઇન રાખવા માટે થોડોક બટાટાનો જૂસ સવારે, અથવા તો રાતે સૂતાં પહેલાં લઈ શકાય છે. 
 
આ પણ વાંચો : ગધેડીનું દૂધ કમળા માટે બહુ સારું છે
 
૪. એક્ઝીમા : હૉટ ક્લાઇમેટમાં રહેતા લોકોમાં એક્ઝીમાના ચકામાં વારંવાર ઊપસી આવે છે. એવા સમયે સ્ટેરૉઇડનું ક્રીમ પણ પૂરતી અસર નથી કરતું. એવામાં બટાટાના રસ એક્ઝીમાના અસરગ્રસ્ત ભાગ પર દિવસમાં બેથી ત્રણ વાર લગાવવાથી ખૂબ રાહત મળે છે. સતત દસથી પંદર દિવસ આ પ્રયોગ કરવો જરૂરી છે.
 
૫. યુરિક ઍસિડ : ગાઉટની સમસ્યાને કારણે પુરુષોમાં અચાનક જૉઇન્ટ્સમાં પીડા થાય છે અને એનું કારણ યુરિક ઍસિડનો ભરાવો છે. લોહીમાં યુરિક ઍસિડનું પ્રમાણ વધે અથવા તો સાંધામાં યુરિક ઍસિડ જમા થાય એ બન્ને કેસમાં બટાટાનો જૂસ ફાયદાકારક છે. કાચા બટાટાનો રસ યુરિક ઍસિડને બ્રેકડાઉન કરીને બૉડીમાંથી ફ્લશ આઉટ કરવામાં મદદરૂપ થાય છે. યુરિક ઍસિડના દરદીઓ સવારે કે સાંજે એક ગ્લાસ કાચા બટાટાનો તાજો રસ પીએ તો વારંવાર આવતા પીડાના અટૅકમાં રાહત મળે છે.
 
૬. ગૅસ્ટ્રાઇટિસ અને કૉલેસ્ટરોલ : જો ઍસિડિટી, ઊબકા, અપચો, ગૅસ જેવી સમસ્યા રહ્યા જ કરતી હોય તો જમતાં પહેલાં એકથી બે ચમચા કાચા બટાટાનો રસ પીવાથી ડાયજેસ્ટિવ હેલ્થ સુધરે છે. કાચા બટાટાનો રસ ફાઇબરમાં પણ રિચ હોય છે એને કારણે સિસ્ટમમાંથી ખરાબ કૉલેસ્ટરોલને ક્લીન-અપ કરવામાં મદદ કરે છે. 

તમને ખબર છે?

કાચા બટાટાનો જૂસ એ ઝીરો કૉલેસ્ટરોલ ફૂડ છે

ત્વચા અને વાળ માટે

આ ઉપયોગ તો કદાચ વર્ષોથી લોકો જાણે છે. બટાટાનો જૂસ ત્વચા પરનું ટૅનિંગ દૂર કરે છે અને વાળને લીસા અને ચમકદાર બનાવે છે. મૉડર્ન ન્યુટ્રિશન સાયન્સ તો એટલે સુધી કહે છે કે બટાટાનો રસ સ્કૅલ્પને એક્ઝીમા, ડૅન્ડ્રફ અને ફંગલ ઇન્ફેક્શનથી બચાવે છે અને કોલાજન બુસ્ટ કરે છે જેને કારણે વાળ સ્ટ્રૉન્ગ બને છે. આંખની ફરતેના કાળાં કૂંડાળા અને સન ટૅન દૂર કરવા માટે કાચા બટાટાનો રસ લગાવવાનો પ્રયોગ તો કદાચ દરેક સૌંદર્યપ્રેમીએ કર્યો જ હશે. 

columnists health tips sejal patel