આર્થ્રાઇટિસની પીડાથી બચવું હોય તો રોજ લીંબુવાળું હૂંફાળું પાણી પીઓ

21 August, 2019 03:10 PM IST  |  મુંબઈ

આર્થ્રાઇટિસની પીડાથી બચવું હોય તો રોજ લીંબુવાળું હૂંફાળું પાણી પીઓ

આર્થ્રાઇટિસ

આર્થ્રાઇટિસ હવે બહુ નાની ઉંમરના લોકોમાં પણ બહુ સામાન્ય થઈ ગયો છે. એના અનેક પ્રકાર છે, પરંતુ મુખ્યત્વે બે પ્રકારના સાંધાના દુખાવા કૉમનલી જોવા મળે છે. હાડકાંને જોડતા સાંધા વચ્ચેના કાર્ટિલેજમાં થતા ઘસારા અને હાડકાં ગળાવાને કારણે થતો ઑસ્ટિઓઆર્થ્રાઇટિસ પહેલાં ૬૦ વર્ષ પછી દેખા દેતો હતો જે હવે ખોટી જીવનશૈલીને કારણે ૩૦-૩૬ વર્ષે જોવા મળે છે. સાંધામાં ઇન્ફલમેશન થવાને કારણે થતો રૂમેટૉઇટ આર્થ્રાઇટિસ આમ તો ઇમ્યુનિટીની ગરબડને કારણે થાય છે, પરંતુ એમાં પણ ખોટી ખાણીપીવી અને સ્ટ્રેસફુલ લાઇફસ્ટાઇલ મહત્ત્વનો ભાગ ભજવે છે. આજે આપણે એ સમજીશું કે સાચી ખાણીપીણી કેળવીને કઈ રીતે આર્થ્રાઇટિસનું નિવારણ થઈ શકે. મોટા ભાગે આર્થ્રાઇટિસમાં દુખાવા માટે પેઇનકિલર્સ જ આપી દેવામાં આવે છે. વળી, દુખાવો થતો હોવાથી લોકો સાંધાની મૂવમેન્ટ કરવાનું પણ બંધ કરી દે છે જે સાંધા અને હાડકાંને વધુ નબળાં પાડે છે. જુહુનાં ડાયટિશ્યન યોગિતા ગોરડિયા કહે છે, ‘ઘસાયેલા અને સોજો ચડેલા સાંધાની સમસ્યા વધુ વકરતી અટકે અને પીડા ઘટે એ માટે ભોજનમાં કેટલીક કાળજી રાખવામાં આવે તો એ દવા કરતાં વધુ અક્સીર નીવડી શકે છે. એ માટે સૌથી ઉત્તમ છે લીંબુનું હૂંફાળું પાણી. યસ, મોટા ભાગના લોકોની એ માન્યતા રહી છે કે સાંધાના દુખાવામાં ખાટું ન ખવાય. લીંબુ લઈશું તો દુખાવો વધશે, પણ આ માન્યતા ખોટી છે. લીંબુમાં રહેલું સાઇટ્રિક ઍસિડ બૉડીનું ઇન્ટર્નલ ક્લેન્ઝિંગ કરવાનું કામ કરે છે. આપણા શરીરમાં ૭૦ ટકાથી વધુ પાણીનો ભાગ રહેલો છે અને પાણી શરીરમાં રહેલાં ઝેરી દ્રવ્યોને બહાર ફેંકીને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. એટલે જ આર્થ્રાઇટિસના દરદીઓએ ખૂબ પાણી પીવું જોઈએ. પાણીમાં સહેજ લીંબુ નાખીને લેવાથી પેટ પણ સાફ રહે છે અને ઇન્ફ્લમેશન પેદા કરતાં કોઈ પણ પ્રકારનાં એજન્ટ્સ શરીરમાં આશરો લઈને બેઠાં હોય તો એ પણ યુરિન વાટે ફ્લશ થઈ જાય છે. લીંબુના પાણીની સાંદ્રતા અને શરીરના ફ્લુઇડની સાંદ્રતામાં કોઈ ખાસ ફરક નથી હોતો એટલે એ ઍસિડિક કહેવાય એવી માન્યતા ખોટી છે. ઇન ફૅક્ટ, ખાધા પછી લીંબુ ચૂસવાથી ખોરાકમાંનાં પોષક તત્ત્વો સારી રીતે બૉડી શોષી શકે છે. એટલે જ પૌષ્ટિક ભોજનની સાથે અથવા તો પછી લીંબુની ચીરી સહેજ ચૂસવી જોઈએ.’

સલ્ફરવાળાં શાકભાજી

કોઈ પણ ડાયટની ચર્ચા કરીએ ત્યારે ખૂબબધાં ફળો અને શાકભાજીનો સમાવેશ કરવાની વાત તો આવે જ આવે. જોકે આર્થ્રાઇટિસમાં ખાસ કયાં શાકભાજીનો ઉપયોગ કરવો અને કયાં ફળોનો ઉપયોગ ન કરવો એ વિશે યોગિતા ગોરડિયા કહે છે, ‘રોજ સવાર-સાંજ રંગબેરંગી શાકભાજી અને ફળોનો ઉપયોગ ડાયટમાં હોવો જ જોઈએ. અત્યારે ચોમાસું છે એટલે કાચાં સૅલડ્સ ખાવાની હું હિમાયતી નથી. અત્યારે ભાજીઓ બરાબર સાફ ન થયેલી હોય, ગંદું પાણી વપરાયું હોય તો એ તકલીફવાળું રહે છે. બીજું, આર્થ્રાઇટિસના દરદીઓને ગૅસની તકલીફ રહેતી હોય છે એટલે તેમને વધુ કાચું સૅલડ બહુ માફક નથી આવતું. બહારનું સૅલડ તો કદી જ ન ખાવું, પરંતુ ઘરે તમે સૅલડને બદલે સ્ટફ ફ્રાય કરેલાં, સ્ટીમમાં બાફેલાં કે ઈવન ગ્રિલિંગ મશીનમાં મૂકીને સહેજ ગ્રિલ કરેલાં વેજિટેબલ્સ લઈ શકો. એમ કરવાથી શાકભાજીમાંનું ન્યુટ્રિશન પણ બરકરાર રહે છે. બીજી સૌથી મહત્ત્વની વાત છે સલ્ફર કમ્પાઉન્ડની. સલ્ફર ઍન્ટિ-ઇન્ફ્લમેટરી ગણાય છે. કોબીજ, પાલક, કેળ, કાંદા, બ્રોકલી, બ્રસેલ્સ સ્પ્રાઉટ્સ, રીંગણ જેવાં શાકભાજીમાં સલ્ફરનું પ્રમાણ સારું એવું હોય છે એટલે રોજ આમાંથી એકાદ વેજિટેબલ તો અચૂક ખાવું જ. સલ્ફર કોઈ પણ પ્રકારના સોજા અને ઇન્ફેક્શનમાં બહુ અક્સીર છે. સાંધાના સોજામાં પણ એનાથી ફાયદો થાય છે. બીજું, સરગવો એ કૅલ્શિયમનો ઉત્તમ સ્રોત છે એટલે બાફેલી સરગવાની શિંગ પણ લેવી. ફળોમાં તમે સીઝનલ ફ્રૂટ્સ લઈ શકો. અલબત્ત, બને ત્યાં સુધી સફરજન અવૉઇડ કરવાં. આજકાલ સફરજનની ક્વૉલિટી એટલી સારી નથી હોતી. ખાસ કરીને વિદેશી અને ઇમ્પોર્ટેડ ઍપલ્સ ગૅસ કરી શકે છે. ઍપલ ખાવાં જ હોય તો દેશી હોય એ જરૂરી છે. સાથે જ સીઝનની ખાસિયત ગણાય એવાં રોજ બે ફળ ખાવાં.’

તેલીબિયાં અને તેજાના

સારી ગુણવત્તાની ફૅટ ધરાવતાં તેલીબિયાંનો સમાવેશ કરવો જોઈએ એમ સમજાવતાં યોગિતા ગોરડિયા કહે છે, ‘નટ્સની વાત કરીએ તો બદામ, અખરોટ, પાઇનનટ્સ, પિસ્તાંનો ઉપયોગ બપોરના સ્નૅક્સમાં કરવો. આ બધી ચીજો મોંઘી પડતી હોય તો કોકોનટ પણ ઉત્તમ નટ્સમાં જ ગણાય. લીલું કોપરું એક-બે ચીરી ચાવી-ચાવીને ખાઓ તો એનાથી જરૂરી ફૅટ પણ મળે અને પ્રોટીન પણ. હું માનું છું કે ડાયટ દરેકના પૉકેટને પરવડે એવું જોઈએ. એમાં લીલું કોપરું સૌથી સસ્તું અને સૌથી વધુ હેલ્ધી થાય. નટ્સ ઉપરાંત તેજાના પણ ઇન્ફલમેશન ઘટાડવામાં બહુ મદદરૂપ હોય છે. એમાંય ભારતીય તેજાના જેમ કે તજ, લવિંગ, મરી, એલચી અને દગડફૂલ તો બહુ ગુણકારી છે. તમે રોજ એક લીટર પાણીમાં ત્રણ-ચાર મરી, બે તજની ચીરી, બે-ત્રણ લવિંગ, બે એલચી અને એક દગડફૂલ પોટલીમાં બાંધીને પાણીમાં ઉકાળી લો. આ પાણી પીધા કરો તો એ ધીમે-ધીમે શરીરનો કચરો સાફ કરી નાખી શકે છે. ડિટૉક્સિફાય કરવા માટે ગ્રીન ટી પણ દિવસમાં એક-બે વાર લઈ શકાય.’

કઠોળ અને મુખવાસ મસ્ટ

શરીરને પોષણ આપવાની વાત આવે ત્યારે બીન્સ એટલે કે કઠોળ અચૂક લેવાં જોઈએ. સુપાચ્ય કઠોળ કયાં એ વિશે વાત કરતાં યોગિતા ગોરડિયા કહે છે, ‘તમે મગ, ચોળી, રાજમા, જેવાં બીન્સ લઈ શકો, કેમ કે એમાં ઍન્ટિ-ઇન્ફલમેટરી પ્રૉપર્ટી રહેલી છે. એમાં ફાઇબર છે અને વિટામિન-બી કૉમ્પ્લેક્સ પણ છે. બીજું, તેલમાં તમે ઑલિવ ઑઇલ વાપરી શકો તો બેસ્ટ. જો ઑલિવ ઑઇલનો સ્વાદ બધાને ન ફાવતો હોય તો આખાં ઑલિવ્સ લેવાય. જોકે બજારમાં જે ઑલિવ્સ મળે છે એ મીઠાના પાણીમાં પ્રીઝર્વ કરેલાં હોય છે. એ ખાતાં પહેલાં ચોખ્ખાં પાણીથી ધોઈને એમાંનું સૉલ્ટ કાઢી નાખવું. એમ કરશો તો ઑઇલ કરતાં ઑલિવ્સ વધુ ગુણકારી રહેશે. બીજું, જમ્યા પછી મુખવાસ ઇઝ મસ્ટ. અજમો, વરિયાળી, સૂવા, અળસી, તલ, ધાણાની દાળ જેવી ચીજો ‌શેકીને મિક્સ કરીને રાખવી. આ મુખવાસ મોં તો ચોખ્ખું કરે જ છે, પણ એમાં રહેલું ફાઇબર ભોજનને પચાવવામાં પણ બહુ ઉપયોગી છે. લંચ અને ડિનર પછી મુખવાસને પણ ડાયટના મસ્ટ ડુ લિસ્ટમાં યાદ રાખવું જરૂરી છે. એનાથી ભોજન પચે છે અને પચ્યા પછી આંતરડાંમાં એ ઝડપથી આગળ ધપીને પેટ સાફ કરવામાં મદદરૂપ થાય છે.’

મસ્ટ ડુ

ઍપલ સાઇડર વિનેગર જો ઑર્ગેનિક મળે તો બેસ્ટ. ભલે થોડું ખાટું લાગે, પણ એ આર્થ્રાઇટિસમાં બહુ ઉપયોગી છે. એ ટૉક્સિન્સને ફ્લશઆઉટ કરી નાખે છે.

ઍસિડિટી અને કબજિયાત ન થાય એ માટે પંદરેક દિવસે એકાદ વાર ઇસબગુલ પણ લઈ લેવું જોઈઅ. વર્ષોજૂનું એ સ્ટાન્ડર્ડ છે.
એક-એક ચમચી મોરિન્ગા અને સ્પિ‌રુલિના પાઉડર પાણીમાં નાખીને લઈ લો તો ઇમ્યુનિટી વધે. એમાં પાણીમાં નાખીને સહેજ લીંબુ અને સંચળ નાખી શકાય. વહેલી સવારે નરણા કોઠે લો તો બેસ્ટ.

કાળાં અને સફેદ તલ ચાવીને ખાવાનું રાખવું. ભોજનમાં રોસ્ટેડ જીરા પાઉડરનો ઉપયોગ વધારવો અને દરેક ભોજનમાં હળદર છૂટથી વાપરવી.

દહીં અને યૉગર્ટ બહુ ખાઓ. દહીંમાં શેકેલું જીરું નાખીને લેવાથી સારા બૅક્ટેરિયા વધે. છાશ પણ ચાલે. પનીર પણ લઈ શકાય. દહીં અને પનીરનું પ્રોટીન સુપાચ્ય છે અને પોષણ જ વધારે છે.

આ પણ વાંચો : તમે કેવી રીતે કરશો મચ્છરનો મુકાબલો?

મસ્ટ અવૉઇડ

પ્રોસેસ્ડ, પ્રિઝર્વ્ડ, કૅનમાં પૅક કરેલું કે વાસી ખાવાનું અવૉઇડ કરવાનું. એનું મુખ્ય કારણ છે એમાં રહેલું સૉલ્ટ. તમને લાગતું હોઈ શકે કે તમે દાળ-શાકમાં પણ બહુ ઓછું નમક વાપરો છો, પણ બીજી અનેક રીતે સૉલ્ટ આપણા શરીરમાં જાય છે એની ખબર પણ નથી હોતી. રોસ્ટેડ સ્નૅક્સ, કોલ્ડ ડ્રિન્ક્સ, જૂસ, ફ્રાઇડ નાસ્તા, પાસ્તા, પીત્ઝા, નૂડલ્સ, બેકરી અને ચાઇનીઝ આઇટમો એ બધામાં સિરિયલ્સમાં પ્રિઝર્વેટિવ્સ છે, એ નહીં જ લેવાનાં.

ગૅસ થયો છે તો ઇનો કે સોડા લેવાની આદત પણ ખોટી છે. એને બદલે અજમાવાળો મુખવાસ ચાવી જવો.

શુગર ઍસિડ વધારવાનું કામ કરે છે એટલે ખાંડ કોઈ પણ ફૉર્મમાં અવૉઇડ કરવી. ગોળ પણ આજકાલ નમક અને ખાંડવાળો જ આવે છે એટલે જો એ શુદ્ધ અને રસાયણમુક્ત હોય તો જ લેવો. મધ પણ શુદ્ધતાની ખાતરી હોય તો જ વાપરવું, બાકી બ્રૅન્ડેડ હનીમાં પણ ઘણી ભેળસેળ હોય છે.

health tips