આજે ઘણી સ્ત્રીઓમાં ફેફસાંના કૅન્સરનું પ્રમાણ વધતું જાય છે

07 March, 2025 06:53 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ખાસ કરીને અર્બન સ્ત્રીઓમાં સ્મોકિંગનું પ્રમાણ ચિંતાજનક રીતે વધતું જાય છે. સ્ત્રી હોય કે પુરુષ સ્મોકિંગ બન્નેમાં એકસરખું જ રિસ્કી છે

પ્રતીકાત્મક તસવીર

છેલ્લાં કેટલાંક વર્ષોમાં જે વ્યક્તિને ફેફસાંનું કૅન્સર થાય છે તેવા દરદીઓમાં નૉન-સ્મોકર્સ એટલે કે જેમણે સિગારેટને હાથ પણ ન લગાડ્યો હોય તેવા લોકોની સંખ્યામાં વધારો થતો જોવા મળી રહ્યો છે. આ ગહેરી ચિંતાનું કારણ છે. એક સમય હતો કે ફક્ત પુરુષોને જ ફેફસાંનું કૅન્સર થતું પરંતુ આજે ઘણી સ્ત્રીઓમાં પણ આ રોગ જોવા મળે છે. એનાં આમ તો ઘણાં કારણો છે.

ખાસ કરીને અર્બન સ્ત્રીઓમાં સ્મોકિંગનું પ્રમાણ ચિંતાજનક રીતે વધતું જાય છે. સ્ત્રી હોય કે પુરુષ સ્મોકિંગ બન્નેમાં એકસરખું જ રિસ્કી છે. એ કરવાથી હેલ્થને નુકસાન પહોંચે જ છે અને કૅન્સરનું રિસ્ક વધે છે. ખાસ કરીને ફેફસાંના કૅન્સર સાથે સ્મોકિંગ સીધી રીતે સંકળાયેલું છે. ઘણી સ્ત્રીઓ છે જે સ્મોકિંગ કરતી નથી પરંતુ સ્મોકિંગ સહેતી હોય છે એટલે કે તેની આજુબાજુના લોકો સ્મોકિંગ કરતા હોય છે અને એ ધુમાડો તેના શરીરમાં જાય છે. આ પૅસિવ સ્મોકિંગ પણ એક મોટું રિસ્ક છે. આ નૉન-સ્મોકર્સને કૅન્સર થવા પાછળનાં કારણોમાં પૅસિવ સ્મોકિંગ મુખ્ય છે. પરંતુ આજકાલ તો એવા કેસ પણ સામે આવી રહ્યા છે જેમાં સ્ત્રીના ઘરમાં પણ કોઈ સ્મોકર ન હોય અને છતાં તેને આ રોગનો ભોગ બનવું પડે. આ પ્રકારના કૅન્સર પાછળ નક્કી બીજાં કારણો જવાબદાર છે.

જેમ કે પર્યાવરણમાં વધતું પ્રદૂષણ પણ એક કારણ છે જેને લીધે ફેફસાંનું કૅન્સર વધી રહ્યું છે. આ સિવાય અમુક પ્રકારનાં ઇન્ફેક્શન થાય તો પણ લાંબા ગાળે કૅન્સરનું રિસ્ક વધી જાય છે. ભારત જેવા દેશમાં જ્યાં ટીબી ખૂબ જ સામાન્ય રોગ છે એનો યોગ્ય ઇલાજ ન થાય અને એ લાંબા સમય સુધી વ્યક્તિના શરીરમાં રહે તો એ વ્યક્તિ પર ફેફસાંના કૅન્સરનું રિસ્ક વધી જતું હોય છે. મહત્ત્વની વાત એ છે કે ફેફસાંનું કૅન્સર સ્ત્રી હોય કે પુરુષ, વધુપડતું મોટી ઉંમરે જ જોવા મળે છે કારણ કે ફેફસાંમાં કોઈ તકલીફ સર્જાય તો એ બહાર આવતાં વાર લાગે છે. એને કારણે જ મોટા ભાગના કેસમાં નિદાન મોડું થતું હોય છે. પરંતુ જે લોકો હાઈ રિસ્ક ધરાવે છે એવા લોકો જો સતત રેગ્યુલર ચેકઅપ કરાવતા રહે તો આ કૅન્સરને જલદી પકડી શકાય છે.

અમે અત્યારે એવી સ્ત્રીઓનો ઇલાજ કરી રહ્યા છીએ જેમને ખાસ કોઈ ચિહ્નો નહોતાં અને સીધા ચોથા સ્ટેજ પર ખબર પડી જ્યારે તેમને ૪ અઠવાડિયાંથી વધુ સમયથી કફ હતો અને તેમનું વજન ઓછું થઈ ગયું હતું. એ પછી પેટ સ્કૅન કરાવીએ એટલે યોગ્ય નિદાન મળે છે. આ પ્રકારનું ટ્યુમર આ પરિસ્થિતિમાં થનારા કૅન્સર પર ટાર્ગેટેડ થેરપી ઘણું સારું કામ કરે છે જેને કારણે એક ક્વૉલિટી લાઇફ તેમને મળી શકે છે.  

-ડૉ. જેહાન ધાભર (ડૉ. જેહાન ધાભર અનુભવી ઑન્કોલૉજિસ્ટ છે.)

cancer health tips life and style columnists gujarati mid-day mumbai air pollution