25 July, 2025 07:01 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પમ્પકિન સીડ્સ
અસંતુલિત લાઇફસ્ટાઇલને લીધે શરીરમાં પોષક તત્ત્વોનું બૅલૅન્સ રહેતું નથી, પરિણામે અનેક સમસ્યાઓ ઊભી થાય છે. આવા સંજોગોમાં ડાયટમાં કેટલાક સુપરફૂડ્સનો ઉમેરો કરવો સારા સ્વાસ્થ્ય માટે જરૂરી છે. એમાંનું એક છે પમ્પકિન સીડ્સ એટલે કે કોળાનાં બીજ. સ્વાસ્થ્ય માટે વરદાન ગણાતાં આ સીડ્સમાંથી મળતાં પોષક તત્ત્વો હાર્ટ-હેલ્થને સારી રાખે છે. એ શરીરમાં ઊર્જાનો સંચાર કરવાની સાથે-સાથે મહિલાઓનાં હૉર્મોન્સને બૅલૅન્સ કરે છે. ખાસ કરીને PCOS અને મેનોપૉઝ દરમિયાન આ સીડ્સ ખાવાની સલાહ મોટા ભાગના ગાયનેકોલૉજિસ્ટ આપતા હોય છે. પમ્પકિન સીડ્સને નિયમિત ખાવાથી અનિદ્રાની સમસ્યાઓ દૂર થાય છે. રોગપ્રતિકારક શક્તિને વધારવાની સાથે એમાં રહેલું ફાઇબર પાચનતંત્રને પણ સુધારવાનું કામ કરે છે. સાંધાનો દુખાવો હોય અથવા સોજા ચડવાની તકલીફ હોય તો એમાં પણ એ રાહત આપે છે.
આરોગવાની યોગ્ય રીત
દરરોક આશરે એકથી બે ચમચી એટલે કે ૧૫થી ૩૦ ગ્રામ જેટલાં પમ્પકિન સીડ્સ ખાવાં જોઈએ. જો વધુ ખાશો તો ઍસિડિટી અને ઓબેસિટીની સમસ્યાઓ થઈ શકે છે. આ સીડ્સને સવારે ખાલી પેટ ખાવાં જોઈએ. દહીં, સૅલડ, ખીર અથવા સ્મૂધીમાં મિક્સ કરીને પણ ખાઈ શકાય. નાસ્તા તરીકે ખાવાં હોય તો એને ઑલિવ ઑઇલમાં મીઠું, મરી અને ચાટ મસાલો નાખીને રોસ્ટ કરી લેવા. જો કોઈ ઍલર્જી કે કિડની સંબંધિત સમસ્યા હોય તો ડૉક્ટરની સલાહ લીધા વગર ખાવાં ન જોઈએ.