06 February, 2025 02:37 PM IST | Mumbai | Jigisha Jain
પ્રતીકાત્મક તસવીર
સામે રિપોર્ટનાં કાગળિયાં પડ્યાં હોય, ડૉક્ટરે કન્ફર્મ કરી દીધું હોય કે વ્યક્તિને આ રોગ છે ત્યારે કેટલાક લોકોમાં આ પ્રકારનું રીઍક્શન જોવા મળતું હોય છે. તેઓ માનવા તૈયાર જ નથી હોતા
કે તેમને કોઈ રોગ છે. એટલે ઇલાજ કરાવવામાં પણ વાર લગાડે છે કે વ્યવસ્થિત રીતે ઇલાજ પર ધ્યાન આપતા નથી. આ અસ્વીકારનો જે તબક્કો વ્યક્તિના જીવનમાં આવે છે એને આજે મનોવૈજ્ઞાનિક દૃષ્ટિએ સમજવાની કોશિશ કરીએ કે હોશિયાર વ્યક્તિઓ પણ કેમ અચાનક આવું વર્તન કરતી હોય છે
મળમાં પડતું લોહી જોઈને પહેલાં તો ધીરેનભાઈ ગભરાઈ ગયા હતા. એ પછી અઠવાડિયું નીકળી ગયું. રૂટીનમાં જ ગૂંથાયેલા રહ્યા અને છેલ્લે ફૅમિલી ડૉક્ટર પાસે ગયા. તેમને કહ્યું કે ઍડ્વાન્સ ટેસ્ટ કરાવવી પડશે. એકાદ ટેસ્ટ કરાવી જેમાં કંઈ નીકળ્યું નહીં. એ પછી બીજી પાંચ ટેસ્ટ બોલ્યા હતા એ તેમણે કરાવી જ નહીં. અરે! મને ખબર છેને કે મને કંઈ થયું નથી. હું એકદમ નૉર્મલ છું. આ ડૉક્ટરો તો ખોટી ટેસ્ટ કરાવ-કરાવ કરે. મૂળમાં એ હતું કે તે માનવા જ તૈયાર નહોતા કે તેમને કોઈ તકલીફ હોઈ શકે. ૬ મહિના આમ જ કાઢી નાખ્યા અને પછી ટેસ્ટ કરાવવી જ પડી, જેમાં ખબર પડી કે તેમને કોલોન કૅન્સર છે.
ઘૂંટણ વળતું નથી. ઊભા રહીએ તો પગે સોજા આવી જાય છે. ચાલતી વખતે મમ્મીને ખૂબ જ તકલીફ થઈ રહી છે. નીચે બેસી શકતી જ નથી. રસોડામાં વધુ સમય ઊભાં-ઊભાં કામ કરી નથી શકતી. છોકરાઓ એ જોઈ રહ્યા છે. તેમને સમજાઈ રહ્યું છે પણ મમ્મી ડૉક્ટર પાસે જવા તૈયાર જ નથી. ફરજિયાત લઈ ગયા તો ડૉક્ટરે કહ્યું કે ઘૂંટણ સાવ ઘસાઈ ગયાં છે. હાલત વધુ ખરાબ થાય એ પહેલાં સર્જરી કરાવી લો, પણ મમ્મી માનતી જ નથી. ડૉક્ટર તો કીધા કરે, મને કશું જ થયું નથી. મને કોઈ દુખાવો નથી. થોડોક થાય ત્યારે જો આ તેલ ઘસી લઉં છું એટલે સારું લાગે છે. આખી જિંદગી કામ કર્યું છે મેં, એટલે હવે થાક તો લાગેને! બસ, એટલું જ છે.
સુધાને ૩૫ વર્ષે ડાયાબિટીઝ આવ્યો. ઇન્ટરનેટ પર દુનિયાભરનાં રિસર્ચ કાઢીને તે કોઈ પણ રીતે સાબિત કરવા બેસી ગઈ છે કે ભારતમાં જેને ડાયાબિટીઝ કહે છે એ વિદેશમાં છે જ નહીં કારણ કે બન્નેનાં પરિમાણો અલગ છે. સુધાએ તેના પિતાને ખૂબ જ યુવાન વયે હાર્ટ-અટૅકમાં ગુમાવેલા જેમને અનકન્ટ્રોલ્ડ ડાયાબિટીઝ હતો. પણ જ્યારે તેને ડાયાબિટીઝ આવ્યો ત્યારે એ માનવા તૈયાર જ નથી, જેને લીધે ડૉક્ટરે આપેલી દવાઓ પણ તે લેતી નથી.
આવા કિસ્સાઓ તમે તમારા ઘરમાં જ જોયા હશે. કોઈ પણ પ્રકારની બીમારી આવે ત્યારે એ સ્વીકારવું કે હા, મને આ પ્રકારનો રોગ થયો છે એ લગભગ બધા લોકો માટે કઠિન તો હોય જ છે. પણ એક વર્ગ એવો છે જે થોડા સમયમાં આ સત્યને પચાવી જાણે છે અને પછી એના ઇલાજ માટે અને એ રોગ સામે લડવા તૈયાર થાય છે, પરંતુ એક વર્ગ એવો છે જેનો આ ડિનાયલ મોડ એટલે કે અસ્વીકારનો તબક્કો લાંબો ચાલે છે. તો ઘણા એમાંના એવા પણ હોય છે જે કોઈ રોગ આવે એટલે તેમને લાગે કે મને આવો કોઈ રોગ નથી, ધીમે-ધીમે માંડ તર્કબદ્ધ વિચારો શરૂ થાય અને થોડા દિવસમાં માંડ એ સ્વીકાર આવે કે હા, મને રોગ તો થયો છે અને મારે એની સામે લડવાનું છે, પરંતુ ફરીથી અચાનક એવું લાગે કે આ કોઈ કૉન્સ્પિરસી તો નથી? આ ડૉક્ટરે આપણને ચાહીને ખોટા રવાડે તો નથી ચડાવી દીધા? આજે સમજીએ અસ્વીકારની આ અવસ્થાને.
અસ્વીકાર છે શું?
બીમારી જાહેર થાય કે મનમાં ખબર પડે પછી આવતો અસ્વીકાર છે શું એ સમજાવતાં બોરીવલીના ક્લિનિકલ સાઇકોલૉજિસ્ટ ચિંતન નાયક કહે છે, ‘બીમારીથી ડર લાગવો સહજ છે. જ્યારે વ્યક્તિને ડર લાગે ત્યારે તે લડે કે ત્યાંથી ભાગી જાય અથવા ત્યાં ને ત્યાં ફ્રીઝ થઈ જાય. આ સિવાય બીજું કંઈ ન થાય. એમાં લડવું કે ભાગી જવું બન્નેને એક જ પ્રકારના રિસ્પૉન્સ ગણવામાં આવે છે અને બીજું છે, ત્યાં ખોડાઈ રહેવું કે એકદમ આઘાત લાગી જવો. જ્યારે બીમારી વિશે જાણ થાય એટલે માણસ ડરી જાય છે. ઘણી વાર નિદાન પછી દરદી એકદમ જ ચૂપ થઈ જાય છે. કશું બોલતા જ નથી, કારણકે તેમને આઘાત લાગે છે. કેટલાક બહુ બધું રિસર્ચ કરવા લાગે છે કે અલગ-અલગ ડૉક્ટર્સ પાસે જાય છે કે આવું મને કેમ થયું? એ એક પ્રકારની તેમની લડત છે અને અમુક લોકો ભાગી છૂટવા મથતા હોય છે. આવનારા કપરા સમયથી, ઇલાજથી, તકલીફોથી ભાગવા માટે તેમનું મન તેમને કહે છે કે તને કંઈ નથી. ચિંતા ન કર. આમ પરિસ્થિતિનો અસ્વીકાર એ મનનું એક પ્રકારનું કોપિંગ મેકૅનિઝમ છે. જાણે કે મન તમને કહેતું હોય કે ચિંતા ન કર, ઑલ ઇઝ વેલ.’
મગજની રચના
ઘણી વાર આખી જિંદગી સ્મોકિંગ કરનારી વ્યક્તિને કૅન્સર આવે એ પછી તેમના મોઢે પણ સાંભળવા મળે છે કે મને આ રોગ કેવી રીતે આવી શકે? મેં તો કશું કર્યું જ નથી. આ વાત સાંભળીને તેમના ઇન્ટેલિજન્સ વિશે શંકા થાય એ વાત સાચી પણ જે લોકો માનવા જ તૈયાર નથી હોતા કે તેમને કોઈ ગંભીર બીમારી આવી છે એ લોકો મૂર્ખ નથી. તેમનામાં ઘણી બુદ્ધિ છે. તેઓ ભણેલા-ગણેલા, જીવનનો અનુભવ મેળવી ચૂકેલા અને હોશિયાર લોકો હોય છે. છતાં આવાં વિધાનો કેમ? એનો જવાબ આપતાં ચિંતન નાયક કહે છે, ‘એના માટે મગજની રચના સમજવી જરૂરી છે. આપણા મગજમાં પ્રી-ફ્રન્ટલ કૉર્ટેક્સ રહેલું છે જેમાં તર્કસંબંધ વિચારો જન્મે છે. કોઈ પણ વિચાર ઉદ્ભવે પછી એ આ કૉર્ટેક્સમાંથી પસાર થાય એટલે મગજ સમજે કે આ તર્કબદ્ધ છે કે નહીં તો એને માનવું કે નહીં. પરંતુ જ્યારે ડર વાગે ત્યારે શરીરને તર્કની નહીં, ઍક્શનની જરૂર રહે છે જેના માટે અમુક પ્રકારની એનર્જી જોઈએ જેના થકી વ્યક્તિ લડી શકે અથવા તો ત્યાંથી ભાગી શકે અને સ્વબચાવ કરી શકે. આ પ્રક્રિયા જલદી કરવી જરૂરી છે એટલે વિચારોના આ માર્ગને ટૂંકો કરીને વિચારોને તર્કથી દૂર કરે છે. વિચારોનો એ કૉર્ટેક્સ સુધી જવાનો રસ્તો જ બંધ થઈ જાય છે એટલે વિચાર સીધો જ ઇમોશનલ રીઍક્શન રૂપે બહાર આવી જાય છે. આ રીતે જ મગજની રચના થઈ છે. સતત આપણી સ્વસ્થતા, સુરક્ષા માટે કાર્યરત ઑટોનૉમિક નર્વસ સિસ્ટમ એના માટે જવાબદાર છે. આમ વ્યક્તિ જો આવું વર્તન કરે તો એમાં તેનો ખરેખર કોઈ વાંક નથી. ઊલટું આપણે તેમની અંદર રહેલા ડરને ઍડ્રેસ કરવું જરૂરી છે.’
ફાયદો પણ થાય અને નુકસાન પણ
અસ્વીકાર જ્યારે થોડા સમય માટે આવે ત્યારે ફાયદાકારક હોય છે એમ સમજાવતાં ચિંતન નાયક કહે છે, ‘અસ્વીકાર તમને થોડો સમય આપે છે, ખુદને સંભાળવાનો અને આવનારી પરિસ્થિતિને સમજવાનો. એ એક આશા કાયમ રાખે છે કે તમે સ્વસ્થ રહેશો. મોટા ભાગના લોકોને થોડા સમય માટે એમ થાય કે આ બધું ખોટું છે, હું ઠીક છું. એ આશા તેને ધીમે-ધીમે એ અસ્વીકારમાંથી બહાર લાવે છે અને સ્વીકાર તરફ લઈ જાય છે. એ વ્યક્તિને આંચકાથી બચાવે છે.’ પરંતુ એનું નુકસાન ક્યારે થાય એ સમજાવતાં સાઇકોલૉજિસ્ટ કિંજલ પંડ્યા કહે છે, ‘જ્યારે વ્યક્તિ એ અસ્વીકારમાંથી બહાર આવવા નથી માગતી કે બહાર આવતાં તેને સમય લાગે છે તો તે ઇલાજ માટે તૈયાર થતી નથી. સામે એક આખું યુદ્ધક્ષેત્ર તૈયાર થઈ ગયું છે ત્યારે એકદમ સજ્જ થવાને બદલે તમે હથિયાર જ નીચે મૂકી દો એમ કહીને કે કોઈ યુદ્ધ છે જ નહીં તો એ યુદ્ધ જીતવાની તો વાત બાજુ પર રહી, ઊલટા તમે ઘાયલ થશો અને તો પણ હથિયાર ન ઉપાડ્યાં તો જીવ ગુમાવશો. આમ આ પરિસ્થિતિમાં ઘરના લોકોએ તેમની સજ્જતાની રાહ જોયા વગર તેમનો ઇલાજ શરૂ કરાવી જ દેવો. તેમને પ્રેમથી ઇલાજ તરફ વાળવા જરૂરી છે નહીંતર મોડું થાય એ પોસાય નહીં. એ પછી તેમની સાથે વાત કરવી જરૂરી છે. તેમના ડરને સાંભળવો જરૂરી છે. એની સામે ડૉક્ટર્સની લૉજિકલ વાતો મૂકી શકાય. એક નહીં, ત્રણ ડૉક્ટર જો આ વાત કહે છે તો એનો અર્થ એમ કે ખરેખર આ તકલીફ જીવનમાં આવી છે એ માનવું તો પડશે એવી વાત ધીમે-ધીમે તેમના મનમાં નાખી શકાય.’