ડાયાબિટીઝને કારણે પ્રોસ્ટેટ કૅન્સરમાં કૉમ્પ્લિકેશન આવે?

03 August, 2022 01:29 PM IST  |  Mumbai | Dr. Meeta Shah

ડાયાબિટીઝ સાથે કૅન્સરનો ઇલાજ કરાવવામાં શું તકલીફ નડી શકે એ મારે જાણવું છે અને એ તકલીફ બાબતે પહેલેથી મારે સજ્જ રહેવું છે. મારી મદદ કરશો, પ્લીઝ. 

પ્રતીકાત્મક તસવીર સૌજન્ય આઇસ્ટૉક

હું ૬૭ વર્ષનો છું અને મને પ્રોસ્ટેટ કૅન્સરનું નિદાન થયું છે. એ માટે સર્જરી પછી કીમોથેરપીનાં સેશન્સ લેવાનાં છે. આમ તો હું માનસિક રીતે સજ્જ છું, પણ મને છેલ્લાં ૧૨ વર્ષથી ડાયાબિટીઝ છે. એક કટ પણ લાગે તો રુઝ આવતાં ૧૦ દિવસ થાય છે. આવામાં સર્જરી કરાવવાથી પછી રિકવરીમાં તકલીફ નહીં થાય? મેં મારા ડૉક્ટરને કહ્યું તો તેમણે મને એટલું જ કહ્યું કે તમે ચિંતા ન કરો, થઈ જશે. પણ કઈ રીતે થઈ જશે? ડાયાબિટીઝ સાથે કૅન્સરનો ઇલાજ કરાવવામાં શું તકલીફ નડી શકે એ મારે જાણવું છે અને એ તકલીફ બાબતે પહેલેથી મારે સજ્જ રહેવું છે. મારી મદદ કરશો, પ્લીઝ. 

તમને દરદી તરીકે ચિંતા થાય એ સહજ છે. ડાયાબિટીઝ એક એવો રોગ છે જેમાં કોઈ પણ ઘા થાય શરીરમાં તો એ ઘામાં રુઝ જલદી નથી આવતી. સર્જરી કરતી વખતે આ બાબતનો ખતરો ખૂબ રહે છે કે જખમનું ધ્યાન કઈ રીતે રાખવું અને જો ધ્યાન ન રહે તો જખમમાં પસ પણ થઈ શકે છે. કૅન્સરની જ નહીં, પરંતુ એક ડાયાબિટીઝના દરદીની કોઈ પણ સર્જરી હંમેશાં રિસ્કી રહે છે, પરંતુ આજે મેડિકલ સાયન્સ એટલું ઍડ્વાન્સ બની ગયું છે કે શુગર કન્ટ્રોલમાં રાખવું ખાસ તકલીફભર્યું કામ નથી. મહત્ત્વનું એ જ છે કે સર્જરી દરમ્યાન અને સર્જરીના ઘા ભરાઈ ન જાય ત્યાં સુધી દરદીનું શુગર-લેવલ એકદમ કન્ટ્રોલમાં જ રહેવું જોઈએ. એ માટે સજ્જતા અનિવાર્ય છે. 

જો ડાયાબિટીઝના દરદીને કીમો થેરપી આપવામાં આવે તો ઘણા પ્રૉબ્લેમ્સ આવી શકે છે. ખાસ કરીને તેનું શુગર-લેવલ ઉપર-નીચે થાય તો કીમો થેરપી દરમ્યાન જ એને શ્વાસની તકલીફ શરૂ થઈ જાય, એનું બ્લડપ્રેશર એકદમ વધી જાય અને બીજો સૌથી મોટો ખતરો છે શરીરમાં ક્લૉટ બનવાનો. જોકે આવું કાંઈ જ ન થાય એ માટે શુગર એકદમ કન્ટ્રોલમાં રહે એ જરૂરી છે. એને કન્ટ્રોલમાં રાખવાનું કામ જ્યારે તમે હૉસ્પિટલમાં હો ત્યારે સરળ જ છે. ઇન્સ્યુલિન અત્યારે જુદા-જુદા પ્રકારની અને ખૂબ સારી આવે છે જેનાથી સૉલિડ કન્ટ્રોલ રહે છે. ઘરે તમે હો ત્યારે એ તમારી જવાબદારી બની રહેશે કે તમે સતત શુગર ચેક કરો અને એને અનુરૂપ એનો ઇલાજ લો. આખા ઇલાજમાં એ ધ્યાન તમારા ડૉક્ટરે અને તમારે સાથે મળીને રાખવાનું છે કે શુગર ટાઇટ કન્ટ્રોલમાં રહે, જેથી કોઈ તકલીફ આવી ન શકે.   

health tips columnists