પાલક-પનીર તમે માનો છો એટલી હેલ્ધી ડિશ નથી

21 December, 2022 05:45 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બે ચીજો હેલ્ધી હોય એ એકસાથે મળે ત્યારે પણ હેલ્ધી જ રહે એવું જરૂરી નથી. આ વાતનો પુરાવો છે ફેવરિટ ડિશ પાલક-પનીર. તો હવે પછી જો તમે આ વાનગી ખાતા હો તો એક વાર થોભજો

પાલક-પનીર તમે માનો છો એટલી હેલ્ધી ડિશ નથી

જન્ક ફૂડ હોય કે પ્રિઝર્વેટિવ્ઝવાળી પૅકેજ્ડ ચીજો, એ અનહેલ્ધી જ છે એ વાતમાં કોઈ બેમત નથી. એમ છતાં જીભના ચટાકાને કારણે લોકો એ ખોબલે-ખોબલે ખાય છે. જોકે કેટલીક વાર એવું બને છે કે આપણે કોઈક ચીજને બહુ હેલ્ધી માનીને એનો અતિરેક આપણી રોજિંદી જિંદગીમાં કરતા હોઈએ છીએ. આ ચીજો પણ એટલી જ જોખમી બની શકે છે એ વાત સમજવી જોઈએ. રૉન્ગ ફૂડ કૉમ્બિનેશનના જ વિષયમાં આજે આપણે વધુ એક સંયોજનની વાત કરવાના છીએ અને એ છે પાલક-પનીર. 

આ વાત મને યાદ એટલા માટે આવી કેમ કે હમણાં-હમણાંથી કિડની સ્ટોનના કેટલાક પેશન્ટ્સ બહુ સામે આવ્યા. એમાંના લગભગ અડધોઅડધ પેશન્ટ આ ‘હેલ્ધી’ ગણાતા પાલક-પનીરના શોખીન હતા. મોટા ભાગના લોકોને પહેલી જ વાર પથરીની સમસ્યા થઈ હતી. બાકી એક વાર પથરી થઈ ચૂકી હોય એવા દરદીઓને તો ખબર જ હોય છે કે તેમણે પાલક તેમ જ બીજી ઘણી ચીજો સમજીવિચારીને ખાવાની છે. પનીર તો વેજિટેરિયન્સ માટે પ્રોટીન અને કૅલ્શિયમનો ઉત્તમ સ્રોત છે, જ્યારે ગ્રીન લીફી વેજિટેબલ પાલકમાં આયર્નનું પ્રમાણ ખૂબ વધારે હોય છે. એનીમિયાના દરદીઓને એ ખાવાનું કહેવામાં આવે છે. 

આ પણ વાંચો :  ગુડવાલી ચાય ખરેખર ગુડ છે?

કેમ આ કૉમ્બિનેશન ખરાબ? | જેને હીમોગ્લોબિનની કમી હોય અને આયર્ન સપ્લિમેન્ટ્સ લેવાનું કહેવામાં આવ્યું હોય તો તેમને ખાસ કહેવામાં આવતું હશે કે ચા-કૉફી સાથે કે દૂધ સાથે એ નથી લેવાનું. કેમ? કારણ કે દૂધ અને દૂધમાં રહેલું કૅલ્શિયમ આયર્નનું શોષણ થતું અટકાવે છે. એના કારણે આયર્ન લોહીમાં પૂરેપૂરું શોષાતું નથી અને સપ્લિમેન્ટની અસર નથી થતી. આ કેમિકલ પ્રોસેસ છે જે મૉડર્ન સાયન્સની વાત છે. જ્યારે આયુર્વેદમાં લીલી ભાજીઓ અને દૂધ કે દૂધની વાનગીઓને વિરુદ્ધ આહાર ગણાવીને એ સંયોજન લેવાની ના પાડી છે. હવે વાત કરીએ પાલક-પનીરની. પાલકમાંનું આયર્ન અને પનીરમાંનું કૅલ્શિયમ એ બન્ને એકબીજા માટે અવરોધરૂપ કામગીરી કરતાં હોવાથી નથી તમારા બૉડીમાં કૅલ્શિયમ પૂરતું શોષાતું, ન આયર્ન. આમ બાવાનાં બેય બગડે છે. આટલું હજી નથી. આ ન શોષાયેલાં આ તત્ત્વો એકબીજા સાથે મળીને કૅલ્શિયમ ઑક્ઝેલેટ બનાવે છે જે ધીમે-ધીમે પથરી રૂપે જમા થવાની સંભાવના વધી જાય છે. 

તો હવે તમને સમજાયું હશે કે પથરીના દરદીઓની મનભાવતી પાલક-પનીરની વાનગીએ કઈ રીતે તેમના આ રોગમાં ભાગ ભજવ્યો હશે. હવે વાત પથરીની નીકળી જ છે તો બીજી એવી વર્જ્ય શાકભાજીની વાત કરી લઈએ જે પથરીના દરદીઓએ ન ખાવી જોઈએ. પથરી થઈ હોય તો કે થવાની પ્રકૃતિ હોય તો રીંગણ, ટમેટાં, કાકડી જેવી બહુબીજ ગણાતી શાકભાજી ન લેવી. ખાલી પેટે સવારે ઊઠીને તરત જ ચા પીવાની આદત પણ પથરીની સાઇઝ વધારી શકે છે. 

આ પણ વાંચો : શુગર-ફ્રી ચ્યવનપ્રાશ વધુ સારો?

આટલું યાદ રાખજો
ચૉકલેટ, બીટ, કોલ્ડ ડ્રિન્ક્સ, ચા-કૉફી, સી-ફૂડ, માંસ જેવી ચીજોમાં ઑક્ઝેલેટ વધુ હોય છે એટલે પથરી થઈ શકે છે. 

columnists life and style health tips dr ravi kothari