મારા દીકરાનું એક વૃષણ એની જગ્યા પર નથી

24 June, 2022 02:52 PM IST  |  Mumbai | Dr. Vivek Rege

શું આ કોઈ પ્રૉબ્લેમ છે કે પછી તે મોટો થશે તો એની મેળે ઠીક થઈ જશે? આ બાબતે અમારે કશી ચિંતા કરવાની જરૂર છે કે નહીં? 

પ્રતીકાત્મક તસવીર સૌજન્ય આઇસ્ટૉક

મારો દીકરો દોઢ વર્ષનો છે. તેનો જન્મ ગર્ભમાં તે સાત મહિનાનો હતો ત્યારે થઈ ગયો હતો. તેનો જન્મ થયો ત્યારે અમને ખાસ ધ્યાન ન ગયું, પરંતુ એના થોડા મહિના પછી અમને લાગ્યું કે તેના શિશ્નની આજુબાજુમાં આવેલાં બે વૃષણમાંથી એક વૃષણની કોથળી ખાલી લાગે છે એટલે કે એક વૃષણ તો બરાબર છે, પરંતુ બીજું નથી. શું આ કોઈ પ્રૉબ્લેમ છે કે પછી તે મોટો થશે તો એની મેળે ઠીક થઈ જશે? આ બાબતે અમારે કશી ચિંતા કરવાની જરૂર છે કે નહીં? 
   
પ્રીમૅચ્યોર બેબીઝમાં આવું જોવા મળે છે. તમારા બાળકને એક વૃષણ એની જગ્યા પર છે નહીં. સાદી ભાષામાં સમજીએ તો વૃષણ જેમાં હોય એ બન્ને કોથળીમાંની એક કોથળી ખાલી હતી એટલે કે તમારા બાળકનું એક વૃષણ એના સ્થાને નથી. આ પ્રૉબ્લેમને અંગ્રેજીમાં ક્રિપ્ટઓર્કિડિઝમ કહે છે, જેના માટે સર્જરી જરૂરી છે. સામાન્ય રીતે જ્યારે છોકરો માતાના પેટમાં હોય છે ત્યારે કિડની અને વૃષણ બન્ને સાતમા મહિનામાં એકસાથે એકબીજાની નજીક જ બનીને તૈયાર થાય છે. એ આખા બનીને તૈયાર થઈ જાય પછી પ્રેગ્નન્સીના નવમા મહિનામાં કિડની એની જગ્યાએથી ઉપર તરફ અને વૃષણ એની જગ્યાએથી નીચેની તરફ ખસે છે. હવે જે બાળકો નવમા મહિના સુધી માના પેટમાં રહેતાં જ નથી અને ૬, ૭ કે ૮મા મહિને જન્મી જતાં હોય છે તેમના શરીરમાં આ પ્રોસેસ ક્યારેક અધૂરી રહી જાય છે, કારણ કે આદર્શ રીતે આ પ્રોસેસ માના પેટમાં જ રહીને નવમા મહિને થતી પ્રોસેસ છે. જોકે એનો અર્થ એ નથી કે જે બાળકો નવમો મહિનો પૂરો કરીને જન્મે છે તેમને આ તકલીફ થતી નથી. 
તત્કાલીન થિયરી મુજબ રિસર્ચ કહે છે કે બાળક આ પ્રૉબ્લેમ સાથે જન્મે પછી મોટા ભાગના કેસમાં મોડામાં મોડો ૬ મહિનાની ઉંમર સુધીમાં આ પ્રૉબ્લેમ સૉલ્વ થઈ જાય છે, પરંતુ જો એ ન થાય તો એક વર્ષની ઉંમર સુધીમાં સર્જરી કરાવવી અત્યંત જરૂરી છે. એનાથી મોડું ન કરવું જોઈએ. જો મોડું થઈ જાય તો પણ સર્જરી કરાવવી ખૂબ જ જરૂરી છે. જો સર્જરી નહીં કરાવો તો આ પરિસ્થિતિ ભવિષ્યમાં ઇન્ફર્ટિલિટીનું કારણ બની શકે છે. આ સિવાય હર્નિયા અને ઘાતક કૅન્સર જેવા રોગનું પણ કારક સાબિત થઈ શકે છે. 

health tips columnists