આજકાલ થોડુંક કામ કરવાથી પણ ખૂબ થાક લાગે છે, શું કરું?

14 September, 2021 06:56 PM IST  |  Mumbai | Dr. Sushil Shah

તમે એક્સરસાઈઝ રેગ્યુલર કરવાની કોશિશ કરો

પ્રતીકાત્મક તસવીર

મારી ઉંમર ૩૨ વર્ષ છે અને હું બે બાળકોની માતા છું. આમ તો હું ખૂબ અૅક્ટિવ છું, પણ છેલ્લા કેટલાક વખતથી મને લાગે છે કે હું થાકતી જાઉં છું. નોર્મલ રૂટિન કરતાં થોડું પણ કામ વધે તો મારી તબિયત બગડે છે. મારા પગ ખૂબ દુખવા લાગે છે અને શરીરમાં કળતર રહે છે. ગોટલા ચડી જાય છે. મારી લાઇફસ્ટાઇલ પર હું પૂરતું ધ્યાન આપું છું. મારો ખોરાક પણ હેલ્ધી છે. એક્સરસાઈઝ હું એકદમ રેગ્યુલર નહીં પરંતુ કરું છું. છતાં આવું કેમ થાય છે એ સમજાતું નથી? મને આ ઉંમરે આટલો થાક લાગે છે તો મોટી ઉંમરે મારું શું થશે એમ વિચારીને મને ચિંતા થાય છે. હું શું કરું?

 

મિડલ એજમાં ઘણી સ્ત્રીઓને આ પરિસ્થિતિ આવી જાય છે. ઘણી વખત તમે સારું ખાતા હો પરંતુ તો પણ વિટામિન અને મિનરલ્સની કે માઇક્રો ન્યુટ્રિયન્ટની ઉણપ આવી જતી હોય છે. મૅગ્નેશિયમની કમીથી પણ આ પરિસ્થિતિ સર્જાઈ શકે છે. આ સિવાય વિટામિન ડી અને બી૧૨ની ઉણપથી પણ આવું થઈ શકે છે. ઘણી વાર બૅઝિક પાણીની કમીથી પણ આવું થઈ શકે છે. ઘણી વખત સ્ત્રીઓમાં હોર્મોનલ ઇમ્બેલેન્સ થતું હોય તો પણ આવું થઈ શકે છે. જો તમારું વજન એકદમ વધી ગયું હોય તો પણ આ શક્યતા રહે છે. ઘણી વખત વ્યક્તિને જેટલા આરામની જરૂરત હોય એટલો એને મળતો ન હોય તો પણ આ પરિસ્થિતિ સર્જાતી હોય છે.

તમે એક્સરસાઈઝ રેગ્યુલર કરવાની કોશિશ કરો. એ ખૂબ જરૂરી છે. એનાથી તમારી સ્ટ્રેન્થ વધશે. એવું ન વિચારો કે આજે થાક લાગ્યો છે તો એક્સરસાઈઝ નથી કરવી. બીજું એ કે જે તમને ગોટલા ચડી જાય છે એ સ્ટીફનેસને કારણે થાય છે. યોગ કરશો તો સ્નાયુઓ સ્થિતિસ્થાપક રહેશે અને આવી તકલીફ નહીં થાય. આ સિવાય ડૉક્ટરને પૂછીને માઇક્રો ન્યુટ્રિયનટ્સનો એક કોર્સ કરી લો જેથી તમને આ તકલીફ ન થાય. ઘટતાં પરિબળો મળી રહે. રોજિંદા જીવનમાં ફ્રેશનેશ અને એનર્જી માટે રાતની ૮ કલાકની ઊંઘ કરો જે ખૂબ જરૂરી છે. આ બધી બાબતોનું ધ્યાન રાખશો તો ચોક્કસ થાક નહીં લાગે. આ પરિસ્થિતિ કાયમી નથી છતાં ધ્યાન નહીં રાખો તો કાયમી બનશે.

columnists health tips