હાર્ટ-અટૅક આવ્યા પછી ગુસ્સાવાળો સ્વભાવ છોડવો જરૂરી છે?

05 January, 2022 02:03 PM IST  |  Mumbai | Dr. Bipeenchandra Bhamre

બ્લડ-પ્રેશર અને ડાયાબિટીઝ બન્ને છેે. શું તેમના આ ગરમ સ્વભાવની શું તેમના હૃદય પર અસર થતી હશે? અને જો થતી હોય તો કઈ રીતે તેમનો સ્વભાવ બદલું?

પ્રતીકાત્મક તસવીર

મારા પતિ ૬૨ વર્ષના છે અને તેમની ટાઇપ-વન પર્સનાલિટી છે એટલે કે તેમનો ગુસ્સો હંમેશાં આસમાને જ હોય છે. નાની-નાની વાતે તે ભડકે અને રાડા-રાડી કરવા લાગે. વર્ષોથી આવા જ સ્વભાવના છે તે. બે મહિના પહેલાં તેમને એક માઇલ્ડ અટૅક આવ્યો હતો. એ પછી તેમનામાં જરૂરી લાઇફસ્ટાઇલ ચેન્જ અમે લાવી રહ્યા છીએ. બ્લડ-પ્રેશર અને ડાયાબિટીઝ બન્ને છેે. શું તેમના આ ગરમ સ્વભાવની શું તેમના હૃદય પર અસર થતી હશે? અને જો થતી હોય તો કઈ રીતે તેમનો સ્વભાવ બદલું?
   
જેમનો આ પ્રકારનો સ્વભાવ છે એ મોટા ભાગે વર્ષોથી જ હોય છે. લાંબા ગાળે આ પ્રકારનો સ્વભાવ હાર્ટને અસર કરે જ છે. એની અસર તાત્કાલિક નથી હોતી, લાંબા ગાળાની હોય છે. જેમ તમે કહો છો કે તમારા પતિ વર્ષોથી આવા જ છે તો તેમનો આ સ્વભાવ તેમના હાર્ટને નબળું બનાવી રહ્યો છે. એમાં પણ તેમને એક માઇલ્ડ હાર્ટ-અટૅક આવી ગયો છે એટલે જેમ શારીરિક બદલાવ જરૂરી છે એમ માનસિક બદલાવ પણ એટલો જ જરૂરી છે. જો તેમનો સ્વભાવ નહીં બદલાય તો તેમના સ્વભાવને કારણે પણ હાર્ટ પર અસર થવાની જ છે અને ભવિષ્યમાં હાર્ટ-અટૅક ફરી આવવાની શક્યતામાં વધારો થઈ શકે છે, કારણ કે તેમના આ સ્વભાવની અસર લોહીની નળીઓ પર થાય છે જેને લીધે બ્લૉકેજ વધી શકે છે. 
મોટા ભાગે જોવા મળે છે એ આ પ્રકારની પર્સનાલિટી જન્મથી જ આવી હોય છે. ખાસ કરીને ૩૦-૪૦ વર્ષની ઉંમર પછી આ પ્રકારની તકલીફોમાં વધારો થાય છે. નાની બાબતો પર ચિડાઈ જવું, ગુસ્સે થઈ જવું, એકદમ હાઇપર મોડમાં રાડો પાડવી અને પછી થોડી વારમાં શાંત થઈ જવું. જેમ પ્રાણ અને પ્રકૃતિ સાથે જ જાય એમ આ સ્વભાવ છોડવો તેમના માટે અઘરો પડે છે, પણ જો લાંબું અને સારું જીવન જોઈતું હોય તો એ સ્વભાવમાં બદલાવ અત્યંત જરૂરી છે. આ વાત તેમને ગળે ઉતારવી પડશે. બીજી બાબત એ છે કે ઘરના લોકોએ ખાસ કરીને તમારે, થોડી સમતા રાખવી પડશે, કારણ કે તમે ઇચ્છો છો કે તે સ્વભાવ બદલે પણ એ તેમના માટે પણ સરળ નથી. યોગ અને મેડિટેશનનો સહારો લો તેમના માટે. મૉડર્ન મેડિસિન પણ એવી આવે છે જે મદદરૂપ થઈ શકે.

columnists health tips