વૅરિકોઝ વેઇન્સમાં ઑપરેશન જરૂરી છે?

10 May, 2022 12:21 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઘરગથ્થુ ઉપચારથી મને થોડી રાહત છે. હું સર્જરી ન કરાવું તો એ સિવાય કોઈ ઉપાય છે. શું હું એકાદ મહિનો આરામ કરું તો ફરક પડશે ખરો? 

પ્રતીકાત્મક તસવીર

હું ૪૫ વર્ષની છું અને મારું બુટિક ચાલવું છું. બુટિકમાં અને ઘરે કિચનમાં લાંબા કલાક ઊભા રહીને જ કામ કરવાનું રહે છે. છેલ્લાં ૩ વર્ષથી વૅરિકોઝ વેઇન્સની તકલીફ શરૂ થઈ છે. પગની સ્કિન આખી કાળી પડી ગઈ છે અને નસો એકદમ ઊપસીને બહાર આવી ગઈ છે. શરૂઆતમાં તો ક્રૅમ્પ્સ આવતાં, પગ ખૂબ દુખતા અને સોજો આવી જતો, પરંતુ ધીમે-ધીમે હાલત બગડતી ગઈ. ડૉક્ટર મને લેઝર સર્જરી કરાવવાનું કહી રહ્યા છે, પરંતુ મારે કરાવવી નથી. ઘરગથ્થુ ઉપચારથી મને થોડી રાહત છે. હું સર્જરી ન કરાવું તો એ સિવાય કોઈ ઉપાય છે. શું હું એકાદ મહિનો આરામ કરું તો ફરક પડશે ખરો? 
 
દરેક વ્યક્તિમાં વૅરિકોઝ વેઇન્સ પ્રૉબ્લેમ ઊભા નથી કરતી. ઘણા લોકોમાં એ ફક્ત દેખાવ બગાડે છે. એટલે કે એ દેખાવમાં અટપટી લાગે છે, પરંતુ એને કારણે કોઈ પ્રકારની તકલીફ દરદીને થતી નથી તો ઘણા લોકો માટે એ અસહ્ય પેઇન લઈને આવે છે. વૅરિકોઝ વેઇન્સમાં દરેક કેસ જુદો હોય છે માટે દરેક કેસમાં ઇલાજ પણ જુદો જ હોવાનો. અમુક દરદીઓ ઊભા રહેવાનું ઓછું કરે તો પણ તેને ઘણો ફાયદો થાય છે. એવા સ્ટોકિંગ્સ પણ બજારમાં મળે છે જે પહેરવાથી રાહત મળી શકે છે. તો અમુક લોકોને સર્જરીની પણ જરૂર પડે છે. પરંતુ કયા દરદીને કયા પ્રકારના ઇલાજથી ફાયદો થશે એ ડૉક્ટર જ જણાવી શકે. 
ઘણા પેશન્ય્સ એવા છે જે વિચારે છે કે એકાદ મહિનો આરામ કરીને જોઈએ, પરંતુ થાય છે એવું કે પરિસ્થિતિ વધુ ગંભીર બની શકે છે. જેમ કે ઘૂંટી પાસે એક ઘા થઈ જાય જેને મેડિકલ ટર્મમાં અલ્સર કહે છે. વૅરિકોઝ વેઇનનો પ્રૉબ્લેમ ધરાવતી વ્યક્તિને આવા અલ્સર થઈ જાય છે. જે એક ગંભીર સમસ્યા છે. એમાં તાત્કાલિક ઑપરેશનની જરૂર પડે છે. ઘણા લોકો વૅરિકોઝ વેઇન્સમાં શરૂઆતમાં કૉમ્પ્લીકેશન ન હોવાને કારણે લેસર ઑપરેશન માટે તૈયાર થતા નથી. પરંતુ હકીકત એ છે કે સમયપર ઑપરેશન કરાવી લેવાથી ઘણી મોટી રાહત થાય છે.
જો તમારી ક્લિનિકલ વેઇન્સ મોટી થઈ ગઈ હોય, સ્પાઇડર વેઇન્સ દેખાતી હોય, ડિસકલરેશન થયું હોય, ઘા થઈ ગયો હોય તો આવા સંજોગોમાં તમારે ડોપ્લર રિપોર્ટ કઢાવવો જોઈએ. જો એમાં સિવિયર લાગે તો તમારે લેસર સર્જરી કરાવવી. કેમિકલ કે ગ્લુ ટેક્નિક વાપરવી નહીં. લેઝર સર્જરીનાં રિઝલ્ટ વધુ સારાં છે અને એ સેફ પણ છે. 

columnists health tips