ક્યાંક ગરબાની મજા બની ન જાય તમારા કાન માટે સજા

26 September, 2025 01:17 PM IST  |  Mumbai | Heena Patel

નવરાત્રિમાં ગ્રાઉન્ડ પર કલાકો સુધી લાઉડ મ્યુઝિક વચ્ચે ગરબા રમીને ટેમ્પરરી અથવા તો પર્મનન્ટ્લી તમને સંભળાવાનું બંધ થઈ શકે છે. એવામાં જે લોકો દરરોજ ગરબા રમવા માટે જતા હોય તેમણે કઈ રીતે પોતાના કાનની કાળજી રાખવી જોઈએ એ જાણી લો

પ્રતીકાત્મક તસવીર

ગરબા ગ્રાઉન્ડ પર વાગતા લાઉડ મ્યુઝિક વચ્ચે લોકોને એવી તાન ચડતી હોય છે કે તેઓ ભાન ભૂલીને બે-ત્રણ કલાક સુધી ગ્રાઉન્ડમાં ગરબા રમતા હોય છે, પણ પછી જ્યારે ગરબા રમીને બહાર આ‍વે ત્યારે તેમને ભાન થતું હોય છે કે તેમને સરખું સંભળાતું નથી. એટલે મન ભરીને ગરબા રમો એમાં કોઈ વાંધો નથી પણ સાથે-સાથે આપણા શરીરનું પણ ધ્યાન રાખવું જરૂરી છે. આજે આપણે ENT એક્સપર્ટ પાસેથી જાણી લઈએ કે ગરબાના ગ્રાઉન્ડ પર લાઉડ મ્યુઝિક વચ્ચે કઈ રીતે કાનની સંભાળ રાખવી, ગ્રાઉન્ડ પર કયાં લક્ષણો અનુભવાય તો ડૉક્ટર પાસે જવું.

નવરાત્રિમાં લાઉડસ્પીકર્સ, ડ્રમ્સ અને ઇન્સ્ટ્રુમેન્ટ્સને કારણે સાઉન્ડ લેવલ ૧૦૦ ડેસિબલથી વધુ નોંધાતા હોય છે. એવામાં આપણા કાન કેટલો અવાજ સહેવાની તાકાત રાખે છે એ વિશે જણાવતાં દસ વર્ષનો અનુભવ ધરાવતા ENT સ્પેશ્યલિસ્ટ ડૉ. સોહિલ ગાલા કહે છે, ‘સામાન્ય રીતે ૮૫ ડેસિબલથી ઉપરનો અવાજ આખા દિવસમાં આઠ કલાકથી વધુ સમય સુધી કાનમાં જાય તો એનાથી સાંભળવાની ક્ષમતાને નુકસાન પહોંચી શકે છે. આપણે જે વાતચીત કરતા હોઈએ એનો અવાજ ૫૦-૬૫ ડેસિબલ જેટલો હોય છે. આપણે ઘરે ટીવી જોતા હોઈએ, રેગ્યુલરલી મ્યુઝિક સાંભળતા હોઈએ તો એનો અવાજ ૮૦-૮૫ ડેસિબલ જેટલો હોય છે. ૮૫ ડેસિબલ અપર લિમિટ કહેવાય છે. એટલે કે દિવસમાં મહત્તમ આઠ કલાક સુધી એટલો અવાજ કાન સહન કરી શકે. જેમ-જેમ અવાજનું લેવલ વધે એમ એમાં રહેવાનો સુર​ક્ષિત સમય અડધો થતો જાય છે. એટલે કે જો અવાજ ૮૮ ડેસિબલનો હોય તો સુર​ક્ષિત સમય ફક્ત ચાર કલાક જ રહે છે. ૯૧ ડેસિબલ પર આ સમય બે કલાકનો થઈ જાય, ૯૪ ડેસિબલ પર માત્ર એક કલાક અને ૯૭ ડેસિબલ પર અડધો કલાક જ સેફ રહે છે. એ હિસાબે ૧૦૦ ડેસિબલનો અવાજ ફક્ત ૧૫ મિનિટ સુધી જ કાન સહન કરી શકે. એટલે ૧૦૩-૧૦૬ ડેસિબલ જેટલો અવાજ તમારા કાનને અમુક મિનિટોમાં જ ડૅમેજ કરી શકે છે.’

ગ્રાઉન્ડ પર ગરબા રમવા જતી વખતે કઈ કાળજી રાખવી જોઈએ જેથી કાનને વધુ નુકસાન પહોંચવાથી બચાવી શકાય એનો જવાબ આપતાં ડૉ. સોહિલ ગાલા કહે છે, ‘શક્ય હોય એટલું સાઉન્ડનો જે સોર્સ છે એટલે કે સ્પીકર્સ, સ્ટેજ વગેરેથી દૂર જઈને રમવું જોઈએ. સાઉન્ડ સોર્સથી જેટલા દૂર જઈને રમશો એટલા ડેસિબલ ઘટશે અને કાન પર એટલું ઓછું પ્રેશર પડશે. એ સિવાય તમે ઇઅર-પ્લગ પહેરી શકો જે અવાજની તીવ્રતા ઓછી કરીને તમારા કાનને ડૅમેજ થતા બચાવે છે. તમે નૉઇસ કૅન્સલિંગ હેડફોન્સનો ઉપયોગ કરી શકો જે આસપાસના ઘોંઘાટને થોડો ઘટાડી દેશે. તમે ઇઅરમફ્સ કે પછી કાનમાં રૂ ભરાવીને જઈ શકો, એનાથી પણ કાનમાં અવાજ થોડો ઓછો જાય. ગરબા રમતી વખતે વચ્ચે-વચ્ચે બ્રેક લેવાનું રાખો. અડધો કલાક ગરબા રમ્યા પછી પાંચ મિનિટ માટે ફૂડ એરિયા અથવા બહારના એરિયામાં જ્યાં અવાજ ઓછો હોય ત્યાં ફરીને આવો. એનાથી તમારા કાનને રેસ્ટ મળશે અને ડૅમેજ થવાનું જોખમ ઘટશે. આ બધી વસ્તુની સાથે ગરબા રમતી વખતે હાઇડ્રેશનનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. એટલે થોડા-થોડા સમયે પાણી પીતા રહેવાનું ભૂલવું ન જોઈએ. શરીર હાઇડ્રેટેડ હશે તો અવાજને કારણે માઇક્રોડૅમેજ થયું હશે તો એને રિપેર કરવાની કૅપેસિટી સારી રહેશે.’ ગરબા ગ્રાઉન્ડ પર રમતી વખતે એવાં કયાં લક્ષણો જનરલી અનુભવાતાં હોય છે જેનાથી જાણી શકાય કે કાનને નુકસાન પહોંચ્યું છે એનો જવાબ આપતાં ડૉ. સોહિલ ગાલા કહે છે, ‘તમને કાનમાં રિન્ગિંગ અવાજ સંભળાતો હોય, કાનમાં ભારે-ભારે લાગવા માંડે, કાન એકદમ સુન્ન પડી ગયો હોય એવું લાગે, ઓછું સંભળાઈ રહ્યું હોય કે અવાજ ફાટી રહ્યો હોય એવું લાગે તો સમજી લેવું કે તમારા કાનને નુકસાન થયું છે. એવા કેસમાં તમારે સૌથી પહેલાં ગ્રાઉન્ડની બહાર એકદમ શાંત જગ્યા પર આવવું જોઈએ. પંદરથી વીસ મિનિટમાં જો બધું નૉર્મલ થઈ જાય તો વાંધો નથી, પણ જો પ્રૉબ્લેમ જેવું લાગતું હોય તો ડૉક્ટર પાસે જઈને ચેકઅપ કરાવવું જોઈએ.’

રોજબરોજ ધ્યાન રાખવા જેવું

નવરાત્રિ વખતે જ નહીં પણ રોજબરોજના જીવનમાં પણ લોકો કેટલીક એવી ભૂલો કરતા હોય છે જેને કારણે તેમના કાનને નુકસાન પહોંચતું હોય છે. એ વિશે વાત કરતાં ડૉ. સોહિલ ગાલા કહે છે, ‘એક તો કલાકો સુધી હાઈ વૉલ્યુમ પર હેડફોન્સ લગાવીને સાંભળવું ન જોઈએ. હેડફોન્સ વાપરતી વખતે ૬૦-૬૦ રૂલનું પાલન કરવું જોઈએ. એટલે કે ફોનનું જે મૅક્સિમમ વૉલ્યુમ છે એને ૬૦ પર્સન્ટ રાખીને ૬૦ મિનિટ સુધી તમે સાંભળી શકો છો. એનાથી વધારે વૉલ્યુમ કે સમય સુધીની લિમિટ ક્રૉસ થાય તો તમારા કાન ડૅમેજ થઈ શકે છે. એટલે કલાકો સુધી હેડફોન્સ કાનમાં પહેરી રાખવા કરતા વચ્ચે શૉર્ટ બ્રેક લેવા ખૂબ જરૂરી છે. જો તમારું કામ જ એવું હોય કે તમારે હેડફોન્સનો ઉપયોગ કરવો જ પડે તો તમે બીજા ઑલ્ટરનેટિવ અપનાવી શકો. જેમ કે વારાફરતી એક-એક હેડફોન કાનમાં વાપરો અથવા તો સાઉન્ડ સાંભળવા સ્પીકરનો ઉપયોગ કરો. એ સિવાય ઘણા લોકોને કાનમાં કૉટન બડ, આંગળીના નખ, ચાવી વગેરે નાખીને કાન સાફ કરવાની આદત હોય છે. ૮૦ ટકા કેસમાં કોઈને કંઈ ન થાય, પણ ૨૦ ટકા લોકો હોય છે જેમને કાનમાં વાગી જાય અને લોહી નીકળે, કાનનો પડદો ડૅમેજ થઈ જાય કે કાનનું જે વૅક્સ હોય એ વધારે પડતું અંદર જતું જાય. કાનનો જે મેલ, વૅક્સ છે એને સાફ કરવાની કોઈ જરૂર ન હોય, એ આપોઆપ બહાર નીકળી જાય. જેમને કાનમાં વધુપડતો વૅક્સ જમા થતો હોય તેમણે ડૉક્ટર પાસે જઈને રેગ્યુલર ક્લીનિંગ કરાવી લેવું જોઈએ એટલું જ નહીં, જે શરદી-ખાંસી થતી હોય એ પણ કાનને અસર પહોંચાડતી હોય છે. એટલે ઘણા દિવસોથી શરદી-ખાંસી હોય અને તમે એની સારવાર ન લો તો એની ઇફેક્ટ કાન પર પડી શકે છે. ફ્લાઇટના ટેક ઑફ અને લૅન્ડિંગ દરમિયાન કેટલાક લોકોને કાનમાં પ્રેશર ફીલ થતું હોય છે. એટલે એવા વખતે ધ્યાન રાખવું કે શરદીને કારણે નાક બ્લૉક થઈ ગયું હોય તો ફ્લાઇટમાં દવા લઈને જવું. નાક બ્લૉક હોય તો કાનનું પ્રેશર ઇક્વલાઇઝ ન થઈ શકે. ઘણા લોકો બંધ નાકને ખોલવા માટે ફ્લાઇટમાં ડિકન્જેસ્ટન્ટ નેઝલ સ્પ્રેનો ઉપયોગ કરતા હોય છે. એવી જ રીતે બગાસું ખાવાથી, કંઈ ચાવવાથી, ગળવાથી યુસ્ટેશિયન ટ્યુબ જે નાક અને કાનને કનેક્ટ કરે એ ઍક્ટિવેટ થઈ જાય જેનાથી પ્રેશર ઇક્વલાઇઝેશન સરળ બને 
અને કાનને નુકસાન પહોંચવાનું જોખમ ઘટી જાય.’

navratri Garba healthy living health tips lifestyle news life and style columnists exclusive gujarati mid day