ઇમોશનલ અને મેન્ટલ હેલ્થ ગડબડાઈ રહી છે

02 May, 2023 05:48 PM IST  |  Mumbai | Dr. Suruchi Desai

૪૦-૫૦ વર્ષની અંદર આ હૉર્મોન્સનું પ્રમાણ ઘટવા લાગે છે અને મેનોપૉઝ આવી જાય છે.

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

મારી પત્ની ૪૮ વર્ષની છે. એના પિરિયડ્સ અનિયમિત છે. આજકાલ તે ખૂબ બદલાઈ ગઈ છે. તે વગર કારણે ઇમોશનલ બની જવા લાગી છે. એકદમ જ નાની અમથી વાતમાં આંસુ સારવા લાગી છે. ક્યારેક એકદમ જ ગુસ્સે થઈ જાય તો ક્યારેક સાવ શાંત બની જાય. રાત્રે ઊંઘ બરાબર નથી આવતી. ગમે એ વાતમાં ચીડાઈ જાય છે. સેક્સ પ્રત્યે અણગમો આવી ગયો છે. શું તેને ડિપ્રેશન હશે કે કઈ બીજી તકલીફ? 
 
 તમારી પત્નીને ડિપ્રેશન નથી, પરંતુ મેનોપૉઝના આરે આવીને ઊભાં છે એટલે આ લક્ષણો સામાન્ય છે. એસ્ટ્રોજન, પ્રોજેસ્ટેરોન અને એન્ડ્રોજન આ ત્રણ મુખ્યત્વે સ્ત્રી હૉર્મોન્સ ગણાય છે, જે સ્ત્રીની ઓવરીમાંથી ઉદ્ભવે છે. આ હૉર્મોન્સ સ્ત્રીના સંપૂર્ણ શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે જવાબદાર છે. ૪૦-૫૦ વર્ષની અંદર આ હૉર્મોન્સનું પ્રમાણ ઘટવા લાગે છે અને મેનોપૉઝ આવી જાય છે. આ હૉર્મોન્સનું લેવલ નિશ્ચિત હોય છે. નિશ્ચિત લેવલથી ઉપર-નીચે થાય ત્યારે ઇમ્બૅલૅન્સ સર્જાય છે. આ હૉર્મોન્સને રિલીઝ કરવાનું કામ મગજનો એક ભાગ હાઇપોથેલૅમિક પીચ્યુટરી ઍક્સિસ કરે છે. મગજના આ ભાગમાં કે ઓવરીમાં કોઈ તકલીફ ઉદ્ભવે તો ઇમ્બૅલૅન્સ સર્જાઈ શકે છે. એને કારણે મૂડ સ્વિંગ્સ પ્રબળ બને છે, ઇમોશનલ સ્ટ્રેસ વધે છે, હૉટ ફ્લશ, વધુ પડતો પરસેવો, ધબકારા વધી જવા, ઊંઘ અનિયમિત બની જવી, સેક્સ પ્રત્યે અણગમો, સ્તનમાં દુખાવો થવો, અનિયમિત માસિક, હેવી બ્લીડિંગ જેવી તકલીફ થઈ શકે છે. આ સમય સ્ત્રીઓ માટે અત્યંત સંવેદનશીલ હોય છે, જેમાં તેમને એક્સ્ટ્રા કૅરની જરૂર રહે છે. હૉર્મોનલ બૅલૅન્સ શારીરિક અને માનસિક હેલ્થ માટે અત્યંત જરૂરી છે. એ  સુધારવા માટેના ઇલાજનો મહત્ત્વનો ભાગ લાઇફસ્ટાઇલ મોડિફિકેશન છે. આ માટે હેલ્ધી ખોરાક, દરરોજની એક કલાકની એક્સરસાઇઝ દ્વારા હેલ્ધી બોડી વેઇટ મેઇન્ટેન કરવાથી અને પ્રાણાયામ, ધ્યાન અને બીજી ટેક્નિક્સ દ્વારા સ્ટ્રેસને વ્યવસ્થિત મૅનેજ કરવાથી રાહત મળે છે. બીજું, ઘરના દરેક મેમ્બરે તેમને ઇમોશનલ અને મેન્ટલ સપોર્ટ આપવો જરૂરી છે. આ એ સમય છે જ્યારે તેમને ઘરના લોકોની સમજણ અને સાથની જરૂર રહે છે. એની સાથે તેમને પણ એ વાતનો અહેસાસ દેવડાવવો જરૂરી છે કે આ બધું એક સમય પૂરતું મર્યાદિત છે, પછી ધીમે-ધીમે બધું ઠીક થઈ જશે.

columnists health tips