આધુનિક કૅન્સરના ઇલાજમાં આવેલા આધુનિક બદલાવોને સમજીએ

24 June, 2026 04:06 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કૅન્સરની સારવારની જટિલતાને જોતાં દરદીની વ્યક્તિગત જરૂરિયાત મુજબ સંભાળ પૂરી પાડવા માટે જુદાં-જુદાં ક્ષેત્રોના ઘણા નિષ્ણાતોએ સાથે મળીને કામ કરવું પડે છે

પ્રતીકાત્મક તસવીર

કૅન્સરની સારવારમાં આજે ખૂબ જ મોટો બદલાવ આવી રહ્યો છે. તબીબી વિજ્ઞાન, ચોક્કસ દવાઓ, નવી ટેક્નૉલૉજી અને જુદા-જુદા વિષયોના નિષ્ણાતોની સાથે મળીને સારવાર કરવાની પદ્ધતિમાં થયેલી પ્રગતિએ કૅન્સરનું નિદાન, સારવાર અને એની સંભાળ રાખવાની રીત આખી બદલી નાખી છે. અગાઉનાં વર્ષોમાં સારવારના વિકલ્પો મર્યાદિત હતા અને સામાન્ય રીતે બધા માટે એકસરખા પ્રકારના હતા. જોકે આધુનિક સમયમાં કૅન્સરની સંભાળ હવે અત્યંત વિશિષ્ટ અને ચોક્કસ બની ગઈ છે, જેને કારણે સારવાર કરનારી ડૉક્ટરોની ટીમની કુશળતા અને તેમનો અભિગમ પહેલાં કરતાં ઘણાં વધારે મહત્ત્વનાં બની ગયાં છે.

કૅન્સરની સારવારની જટિલતાને જોતાં દરદીની વ્યક્તિગત જરૂરિયાત મુજબ સંભાળ પૂરી પાડવા માટે જુદાં-જુદાં ક્ષેત્રોના ઘણા નિષ્ણાતોએ સાથે મળીને કામ કરવું પડે છે. કૅન્સરના નિષ્ણાત ડૉક્ટરો, કૅન્સરની સર્જરીના નિષ્ણાતો, રેડિયેશન આપતા ડૉક્ટરો, પોષણના નિષ્ણાતો, દરદીને સામાન્ય સ્થિતિમાં લાવવામાં મદદ કરતા નિષ્ણાતો અને માનસિક સ્વાસ્થ્યના વ્યાવસાયિકો હવે દરદીઓને સંપૂર્ણ અને વૈજ્ઞાનિક પુરાવા આધારિત સારવાર મળે એ સુનિશ્ચિત કરવા માટે સાથે મળીને કામ કરે છે. આ રીતે એકબીજા સાથે જોડાઈને કામ કરવાનો અભિગમ માત્ર તબીબી પરિણામોમાં જ સુધારો નથી કરતો, સારવાર દરમ્યાન અને એ પછી પણ દરદીઓના એકંદર જીવનની ગુણવત્તાને ઘણી સારી બનાવે છે.

યોગ્ય સારવાર-ટીમ પસંદ કરવાનું મહત્ત્વ એ વાત પરથી સમજી શકાય કે કૅન્સરનો દરેક કેસ એકબીજાથી અલગ હોય છે. એકસરખા પ્રકારના કૅન્સરનું નિદાન થયું હોય એવા બે અલગ-અલગ દરદીઓને પણ તેમના કૅન્સરના સ્ટેજ, શરીરની આનુવંશિકતા, અગાઉની તબીબી સ્થિતિ, ઉંમર અને એકંદર સ્વાસ્થ્ય જેવાં પરિબળોના આધારે તદ્દન અલગ સારવાર-યોજનાની જરૂર પડી શકે છે. અનુભવી નિષ્ણાતો બિનજરૂરી જટિલતાઓ અને આડઅસરોને ઓછી કરીને દરદી માટે સૌથી યોગ્ય સારવાર કઈ છે એ ઓળખવા માટે વધુ સારી રીતે સક્ષમ હોય છે. આ આધુનિક બદલાવ કૅન્સર કૅરમાં ઘણાં સારાં પરિણામો લાવી રહ્યો છે.

આ ઉપરાંત કૅન્સરની સારવાર આજે માત્ર દવાઓ લેવા અને સર્જરી કરાવવા પૂરતી મર્યાદિત નથી રહી. માનસિક અને ભાવનાત્મક સુખાકારી, યોગ્ય પોષણ માટેની મદદ, દરદીને શારીરિક રીતે મજબૂત બનાવવાની પ્રક્રિયા અને લાંબા ગાળાની દેખરેખ હવે દરદીની સંભાળના અનિવાર્ય ભાગ બની ગયાં છે. કૅન્સરની સંભાળ હવે માત્ર રોગની સામે લડવા પૂરતી સીમિત નથી રહી. તે દરદીને દરેક તબક્કે મદદ મળી રહે એ જરૂરી છે. જેમ-જેમ તબીબી વિજ્ઞાન વધુ આગળ વધી રહ્યું છે એમ-એમ દરદીની સારવાર કોણ કરી રહ્યું છે એ બાબત જ વધુ સારાં પરિણામો મેળવવા અને સારવારના એકંદર અનુભવને સુધારવા માટે સૌથી મુખ્ય કેન્દ્રબિંદુ બની રહેશે.

cancer health tips healthy living life and style lifestyle news columnists