મેડિક્લેમ ઇઝ મસ્ટ

24 March, 2021 11:17 AM IST  |  Mumbai | Pallavi Acharya

આજે હૉસ્પિટલાઇઝ થવું પડે તો કેવા ભારીભરખમ ખર્ચા થાય છે એની સૌને ખબર છે. આ સંજોગોમાં વડીલ પાસે જો હેલ્થ ઇન્શ્યૉરન્સ ન હોય તો હાલત કફોડી થઈ જાય છે.

મેડિક્લેમ ઇઝ મસ્ટ

મુંબઈ જેવાં શહેરોમાં ૯૦ ટકા લોકો એવા છે જે પરિવારનું ભરણપોષણ જ માંડ કરી શકે છે ત્યાં ભવિષ્યનું પ્લાનિંગ ક્યાંથી કરે? વડીલો પાસે બચતના નામે ખાસ કશું હોતું નથી. ભારતમાં હાલ સિનિયર સિટિઝનની આબાદી ૧૧.૩૦ કરોડ છે જેમાં ૯૦ ટકા લોકોને નિવૃત્તિ પછી કોઈ જ પેન્શન પણ નથી મળતું એટલું જ નહીં, આ સાથે બીમારીઓના કારણે થતા ખર્ચા તો આવી જ પડે છે. વિદેશોમાં તમે સિનિયર સિટિઝન થઈ જાઓ ત્યારે તમને સંભાળવાની જવાબદારી સરકારની છે, પણ ભારતમાં એવું નથી. આજે હૉસ્પિટલાઇઝ થવું પડે તો કેવા ભારીભરખમ ખર્ચા થાય છે એની સૌને ખબર છે. આ સંજોગોમાં વડીલ પાસે જો હેલ્થ ઇન્શ્યૉરન્સ ન હોય તો હાલત કફોડી થઈ જાય છે. 
હેલ્થ ઇન્શ્યૉરન્સ જરૂરી છે?
વડીલો માટે હેલ્થ ઇન્શ્યૉરન્સ લેવો જરૂરી છે. આજે સમય એવો છે કે હૉસ્પિટલનો ભારે ખર્ચ આવી પડ્યો ને ઉધાર પૈસા જોઈતા હશે તો પણ કોઈ તો જ તમને આપશે જો તમારી પાસે મેડિક્લેમ હશે. આવા સમયે પૈસા ઉધાર આપનારને ધરપત હશે કે ક્લેમના પૈસા આવશે ત્યારે મોડા-વહેલા પણ પૈસા પાછા મળશે, ડૂબી નહીં જાય. બીજું, મેડિક્લેમ હશે તો હૉસ્પિટલનો ખર્ચ થોડોઘણો કપાઈને પણ તમને પાછો મળી જશે.
મહામારી આવ્યા પછી ઇન્શ્યૉરન્સ રેગ્યુલેટરી ઍન્ડ ડેવલપમેન્ટ ઑથોરિટી (IRDA)એ દરેક વીમા કંપનીને કોવિડને ક્લેમમાં આવરી લેવાનો ઑર્ડર કર્યો હોવાથી બધી કંપનીઓ આ ક્લેમ આપે છે એમ જણાવતાં ધનકુબેર ઇન્શ્યૉરન્સ ઍન્ડ ફાઇનૅન્શ્યિલ ડિસ્ટ્રિબ્યુટર્સના જીગીશ શાહ કહે છે, ‘કોવિડના પીક દરમ્યાન રોજ બેથી ત્રણ ક્લેમ કોવિડના પાસ થતા હતા. કેટલીક કંપનીએ પૂરેપૂરો ખર્ચ આપ્યો હતો, કૅશલેસ સારવાર કરી હતી અને વીમાધારકનાં પેપર્સ પણ ડિજિટલી અપ્રૂવ કર્યાં હતાં. કેટલીક વીમા કંપનીઓએ કોરોનાને ક્લેમમાં સમાવિષ્ટ કર્યો હતો પણ ગ્લવ્ઝ, કિટ, માસ્ક, સિરિન્જ વગેરેને કન્ઝ્યુમેબલ ચાર્જ ગણી એ ખર્ચ કવર નહોતો કર્યો.’
વડીલોને માટે કઈ પૉલિસી છે?
૬૦ વર્ષ પછી બહુ ઓછી કંપનીઓ વડીલોને આરોગ્ય વીમો આપે છે અને જે આપે છે એ પ્રીમિયમ બહુ ઊંચાં રાખે છે, જે વડીલો માટે ભરવાં મુશ્કેલ હોય છે. સરકારી વીમા યોજનાઓમાં પણ એક લાખની પૉલિસી માટે વર્ષે ૧૫ હજાર જેટલું પ્રીમિયમ આવે એમ જણાવતાં ૬૦ વર્ષથી ઇન્શ્યૉરન્સનું કામ કરતા પ્રશાંત શાહ કહે છે, ‘મોટા ભાગના વડીલોનો આરોગ્ય વીમો સરકારે ઑફર કરેલી ચાર વીમા કંપનીઓ ન્યુ ઇન્ડિયા ઇન્શ્યૉરન્સ કંપની, નૅશનલ ઇન્શ્યૉરન્સ કંપની, યુનાઇટેડ ઇન્ડિયા અને ઓરિએન્ટલ કંપનીના હોય છે. સરકારી નિયમ મુજબ તમે જો હૉસ્પિટલમાં દાખલ થાઓ તો ૧ હજાર રૂપિયાના ભાડાની જ રૂમ લઈ શકો. હવે આજે હૉસ્પિટલમાં એટલા ભાડાની રૂમ ક્યાં મળે? તમે વધુ ખર્ચ કરો તો ક્લેમ ન મળે. આમ લાખની પૉલિસી સામે તમને ખર્ચના માત્ર ૨૫ હજાર જેવા મળે તો એનો શો અર્થ?
તેથી જ વડીલો માટે હેલ્થ ઇન્શ્યૉરન્સ હોય કે ન હોય તો બહુ ફરક નથી પડતો. હા, જે લોકો પાસે ૧૦ લાખ જેવી મોટી પૉલિસી હોય તેમને ફરક પડે. પૉલિસી હોય તો કૅશલેસ સારવાર થઈ શકે.’
૬૦ વર્ષ પછી નવો વીમો લેવાય?
જો તમે પહેલેથી એ વીમો લીધો હોય તો ઠીક પણ ૬૦ વર્ષ પછી નવો વીમો લેવામાં કોઈ લાભ નથી, કારણ કે વીમો મળશે ખરો પણ બહુ મોટું પ્રીમિયમ ભરવું પડે. એ બધા માટે શક્ય નહીં થાય એમ જણાવતાં જીગીશ શાહ કહે છે, ‘યોગ્ય તો એ જ છે કે વડીલો
થોડું સેવિંગ કરે અને ઇમર્જન્સીમાં કામ આવે એ માટે થોડું લિક્વિડ ફન્ડ રાખે. સરકારની જીવન આરોગ્ય નામની હેલ્થ બેનિફિટ પૉલિસી છે, જેમાં પ્રીમિયમ ઓછું છે અને હૉસ્પિટલમાંથી રજા મળે એ પેપર પર ચોક્કસ રકમ મળે છે પછી તમારો ખર્ચ વધુ હોય કે ઓછો.’

સ્પેશયલ ફૉર કોરોના

કોરોના-કવચ અને કોરોના-રક્ષક નામની બે પૉલિસી સરકારે મહામારી દરમિયાન બહાર પાડી છે જેમાંની કોરોના-રક્ષક બે લાખના કવરની હેલ્થ બેનિફિટ પૉલિસી છે જેમાં રકમ તમને લમ્પસમ મળે છે અને એનો લાભ પૉલિસી શરૂ કર્યાના ૧૫ દિવસ પછી શરૂ થાય. કોરોના કવચ ૩, ૬ અને ૯ મહિનાની પૉલિસી છે જેનું કવર વધુમાં વધુ પાંચ લાખનું છે અને પ્રીમિયમ એકથી ત્રણ હજાર સુધીનું છે.

ફરિયાદ ક્યાં કરશો?

ભારતમાં વીમા સંબંધી કોઈ પણ ફરિયાદ કરવા માટે વિશ્વસનીય પ્લૅટફૉર્મ છે ઇન્શ્યૉરન્સ ઑમ્બડ્ઝમૅન. અહીં ઇન્શ્યૉરન્સ બાબતે કોઈ પણ અન્યાય થયો હોય તો તમે ફરિયાદ કરી શકો. એક ચિઠ્ઠી લખો તો પણ તમારી ફરિયાદ રજિસ્ટર થાય અને એમાં સો ટકા ન્યાય મળે છે. મોટી વીમા કંપનીઓ આ બૉડીથી ડરે છે. અહીં ન્યાય મેળવવા તમને એજન્ટ કે વકીલ કોઈની જરૂર નથી. 

હૉસ્પિટલોના ચાર્જ તમારી જિંદગીભરની સેવિંગ ખંખેરી લે છે તેથી સિનિયર હોય કે યંગ વ્યક્તિ, હેલ્થ ઇન્શ્યૉરન્સ હોવો જરૂરી છે અને એ માટે વડીલ થવા પહેલાં જ એ લેવાની જરૂર છે - જિગીશ શાહ

columnists health tips pallavi aacharya