વજન ઘટાડવા માટે મખાના કે સિંગદાણા બન્નેમાંથી શું સારું?

09 September, 2025 01:07 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આમ તો નાસ્તામાં આ બન્ને હેલ્ધી ઑપ્શન છે, પણ કોઈ એક ચીજ ખાવા કરતાં બન્નેને બૅલૅન્સમાં લેવી વધુ યોગ્ય રહેશે

પ્રતીકાત્મક તસવીર

સાંજના ૪ વાગ્યાની ભૂખ હોય કે મૂવી જોતી વખતે કંઈક હલકુંફૂલકું ખાવાની ઇચ્છા હોય તો કંઈક ચટપટું ખાવાનું મન જ થાય. ચિપ્સનો સ્વાદ ભલે સારો લાગે, પણ એ આરોગ્ય માટે સારી નથી એની જાણ હોવા છતાં આપણે ખાઈએ છીએ. એને બદલે એક મુઠ્ઠી સિંગ કે મખાના જેવો હેલ્ધી નાસ્તો ખાઈ શકાય. એ ખાવામાં સરળ અને પૌષ્ટિક હોય છે. જે લોકો વજન ઘટાડવા માગતા હોય તેઓ મખાના ખાઈ શકે છે. એ ફાઇબરથી ભરપૂર હોવાથી ખાવામાં હલકા હોય છે. એ ખાવાથી લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી અને સાથે પાચન સુધારવામાં પણ મદદ કરે છે. સિંગદાણામાં પ્રોટીન અને કૅલરી વધુ હોય છે અને સાથે એમાંથી ફૅટ પણ મળે છે. વેઇટલૉસ જર્નીમાં એકલા સિંગદાણા તમને હેલ્પ નહીં કરે, પણ મખાના કરી શકશે. બન્નેને સાથે એટલે કે પ૦ ગ્રામમાં ૩૦ ગ્રામ મખાના અને ૨૦ ગ્રામ જેટલા સિંગદાણા ખાવાથી પ્રોટીન અને ફાઇબર બન્ને મળી જાય છે અને વજન નિયંત્રણમાં રહે છે. આ નાસ્તો ખાવાની સાથે પૂરતું પાણી પીવું જરૂરી છે, નહીં તો ફાઇબરના અતિસેવનથી પાચનતંત્ર પર આડઅસર થઈ શકે છે.

કઈ રીતે ખાવા?
વેઇટલૉસ જર્નીમાં મખાના સૌથી બેસ્ટ માનવામાં આવે છે, પણ સ્વાદમાં એ ન ભાવતા હોય તો ઘીમાં રોસ્ટ કરીને અથવા ડ્રાય રોસ્ટ કરીને ખાઈ શકાય. સાંજના નાસ્તામાં મખાના ખાવાનો નિયમ બનાવવાથી કૅલરી મૅનેજ થશે જે વજનને નિયંત્રણમાં રાખવામાં મદદરૂપ થશે. મખાના કે સિંગદાણા તળીને ખાવાનું ટાળવું જોઈએ. એમાં વધારે મીઠું કે મસાલા ભભરાવવાથી ઍસિડિટીની સમસ્યા વકરી શકે છે. જો સિંગદાણા વધુ ભાવતા હોય તો એને ઓછા પ્રમાણમાં ડ્રાય રોસ્ટ કરીને ખાવા વધુ ફાયદાકારક સાબિત થશે. વજન ઘટાડવા માટે ફક્ત મખાના જ નહીં પણ સંતુલિત આહાર, નિયમિત કસરત અને સારી ઊંઘ પણ એટલાં જ જરૂરી છે.

health tips food news life and style diet columnists gujarati mid day mumbai