અર્લી મેનોપૉઝની જેમ હાર્ટ-ડિસીઝ પણ વારસાગત આવશે?

13 September, 2022 02:30 PM IST  |  Mumbai | Dr. Bipeenchandra Bhamre

મારી મમ્મીને ૫૮ વર્ષની ઉંમરે હાર્ટ-અટૅક આવેલો અને હાર્ટ-ડિસીઝ સાથે તે ૬૫ વર્ષે મૃત્યુ પામી છે. શું હાર્ટ-ડિસીઝ પણ મને વારસાગત મળશે? જો મારે એનાથી બચવું હોય તો હું શું કરું? 

પ્રતીકાત્મક તસવીર સૌજન્ય : આઇસ્ટૉક

મારી ઉંમર ૪૨ વર્ષ છે અને મને મેનોપૉઝ શરૂ થઈ ગયો છે. પિરિયડ્સ આઠ વર્ષની ઉંમરથી ચાલુ થઈ ગયેલા. મારે બે બાળકો છે. મારાં મમ્મીને પણ ૪૭ વર્ષની ઉંમરે મેનોપૉઝ આવી ગયેલો. એટલે કદાચ વારસાગત રીતે મને પણ આવી ગયો છે એમ ડૉક્ટરો માને છે. જોકે મારી મમ્મીને ૫૮ વર્ષની ઉંમરે હાર્ટ-અટૅક આવેલો અને હાર્ટ-ડિસીઝ સાથે તે ૬૫ વર્ષે મૃત્યુ પામી છે. શું હાર્ટ-ડિસીઝ પણ મને વારસાગત મળશે? જો મારે એનાથી બચવું હોય તો હું શું કરું? 
 
વર્ષો સુધી મેડિકલ સાયન્સ એવું માનતું આવ્યું છે કે પ્રોજેસ્ટેરોન અને એસ્ટ્રોજન એ બંને હૉર્મોન્સ સ્ત્રીના હૃદયના રક્ષક છે. જ્યાં સુધી સ્ત્રીના શરીરમાં આ હૉર્મોન્સની પૂરતી માત્રા છે ત્યાં સુધી તેને હાર્ટ-ડિસીઝ અને ખાસ કરીને કૉરોનરી આર્ટરી ડિસીઝ થવાની શક્યતા ઘટી જાય છે. આમ સામાન્ય ભાષામાં કહીએ તો જ્યાં સુધી પિરિયડ્સ ચાલુ છે ત્યાં સુધી સ્ત્રીઓ પર હાર્ટ-પ્રૉબ્લેમનું રિસ્ક ઓછું રહે છે. પુરુષોમાં આવું કોઈ કવચ જોવા મળતું નથી. જોકે જેવો મેનોપૉઝનો સમય શરૂ થાય એટલે સ્ત્રી અને પુરુષ બંને પર આ રિસ્ક સમાન થઈ જાય છે. પુરુષ પર હાર્ટ-ડિસીઝનું રિસ્ક જેટલું રહે છે એટલું જ મેનોપૉઝ પછી સ્ત્રી પર રહે છે. 

અર્લી મેનોપૉઝને કારણે તમે અત્યારે નાની ઉંમરમાં જ પુરુષોની બરાબર આવી ગયાં છો. એટલે કે હવે તમારે વધુ સતર્ક રહેવાની જરૂર રહે છે. હાર્ટ-ડિસીઝ વારસાગત આવી શકે છે એમાં બે મત નથી; પરંતુ એને આવતાં રોકવો એ પણ આપણા જ હાથમાં છે, કારણ કે એ ટ્રિગર એમ ને એમ નથી થતું. લાઇફસ્ટાઇલ બાબતે કાળજી રાખવાથી એનાથી બચી શકાય છે. મમ્મીની જેમ તમને અર્લી મેનોપૉઝ થયો એટલે હાર્ટ-ડિસીઝ પણ આવશે જ એમ માની લેવાની જરૂર નથી. ઊલટું એ ન આવે એ માટે મેટાબૉલિક ડિસઑર્ડરથી દૂર રહેવાનું છે. વજન એકદમ માફકસર રાખવું. એ માટે ખાનપાન, રહેણીકરણી અને એક્સરસાઇઝ પર ફોકસ કરો. સ્ટ્રેસથી દૂર રહો અને સાત-આઠ કલાકની પૂરતી ઊંઘ લો. સમયાંતરે ફુલ બૉડી ચેક-અપ કરાવતા રહેવું. ખાસ કરીને લાઇફસ્ટાઇલ એવી રાખવી કે હાઈ બ્લડ-પ્રેશર કે કૉલેસ્ટરોલ કે ડાયાબિટીઝ જેવી તકલીફો તમને નડે નહીં. આ રોગને કારણે હાર્ટ-ડિસીઝનું રિસ્ક બેવડાય છે. સતર્કતા રાખશો તો હાર્ટ-ડિસીઝથી ચોક્કસ બચી શકશો. 

health tips columnists