11 June, 2025 06:59 AM IST | Mumbai | Heena Patel
પ્રતીકાત્મક તસવીર
જાંબુ ખાવામાં તો સ્વાદિષ્ટ લાગે જ છે, પણ સ્વાસ્થ્યની દૃષ્ટિએ પણ ખૂબ ગુણકારી છે. જાંબુમાં રહેલા ગુણોને કારણે એની સરખામણીમાં બ્લુબેરી સાથે પણ કરવામાં આવે છે, જે ખૂબ પૌષ્ટિક મનાય છે. આપણા આયુર્વેદમાં પણ વર્ષોથી જાંબુના ઠળિયાનો ઉપયોગ ઔષધિ તરીકે થતો આવ્યો છે. હાલમાં જાંબુની સીઝન ચાલી રહી છે ત્યારે આપણે જાંબુના ફાયદાઓ વિશે ૨૦ વર્ષનો અનુભવ ધરાવતાં ન્યુટ્રિશનિસ્ટ ભાવિ મોદી પાસેથી જાણી લઈએ. એટલે તમે પણ જાંબુ ન ખાતા હો તો ખાવાનું શરૂ કરી દો.
જાંબુને ઇન્ડિયન બ્લુબેરી કેમ કહેવાય?
બ્લુબેરી એનાં ઍન્ટિ-ઑક્સિડન્ટ ગુણો માટે વખણાય છે. જોકે એ વિદેશી ફળ છે અને પ્રમાણમાં એ મોંઘું પણ હોય છે. એની સરખામણીમાં જાંબુ આપણું દેશી ફળ છે. બ્લુબેરી કરતાં એ સસ્તું હોય છે અને માર્કેટમાં સરળતાથી ઉપલબ્ધ પણ હોય છે. બ્લુબેરીની જેમ જાંબુમાં પણ ઍન્ટિ-ઑક્સિડન્ટ્સનું પ્રમાણ સારા પ્રમાણમાં હોય છે. જાંબુ અને બ્લુબેરી દેખાવમાં એકબીજાને ઘણાં મળતાં આવે છે. એમનો કલર પણ એક જેવો જ હોય છે. બ્લુબેરી અને જાંબુ બન્નેમાં એન્થોસાયનિન હોય છે, જેને કારણે જ એમને બ્લુ-પર્પલ જેવો કલર મળે છે. એન્થોસાયનિન એક પાવરફુલ ઍન્ટિ-ઑક્સિડન્ટ છે જે આપણાં દેશી જાંબુમાં પણ હોય છે. એટલે જ જાંબુની સરખામણી બ્લુબેરી સાથે કરવામાં આવે છે.
ઍન્ટિ-ઑક્સિડન્ટ્સ કેમ જરૂરી?
ઍન્ટિ-ઑક્સિડન્ટ્સ એક એવું સબ્સ્ટન્સ છે જે આપણા શરીરમાં ઑક્સિકરણથી થતાં નુકસાનોને નિષ્ક્રિય કરી શકે છે. ઑક્સિકરણ એક સામાન્ય અને જરૂરી રાસાયણિક પ્રક્રિયા છે જેમાં ઑક્સિજનનો ઉપયોગ કરીને કોષો ઊર્જા ઉત્પન્ન કરે છે. આ પ્રક્રિયા દરમિયાન ફ્રી રૅડિકલ્સ ઉત્પન્ન થાય છે. ફ્રી રૅડિકલ્સ આપણા શરીરના કોષોને નુકસાન પહોંચાડી શકે તેમ જ હૃદય સંબંધિત બીમારીઓ, કૅન્સર, અકાળ વૃદ્ધત્વ, મગજના રોગો વગેરેનું જોખમ વધારી શકે છે. ઍન્ટિ-ઑક્સિડન્ટ્સ શરીરમાં ફ્રી રૅડિકલ્સને નિયંત્રિત કરવાનું કામ કરે છે. શરીરમાં ઍન્ટિ-ઑક્સિડન્ટ્સ કરતાં ફ્રી રૅડિકલ્સનું પ્રમાણ વધી જાય ત્યારે ઑક્સિડેટિવ સ્ટ્રેસ થાય છે. પ્રદૂષણ, કેમિકલ્સ, અયોગ્ય ખાનપાન અને જીવનશૈલી પણ શરીરમાં ઑક્સિડેટિવ સ્ટ્રેસ વધારવાનું કામ કરે છે. એટલે આપણે ઍન્ટિ-ઑક્સિડન્ટ્સથી ભરપૂર ફળો, શાકભાજી ખાવાં જોઈએ.
જાંબુના અઢળક ફાયદા
જાંબુ ડાયાબિટીઝના દરદીઓ માટે એક સારું ફળ છે. એ બ્લડ-શુગર લેવલને નિયંત્રણમાં લાવવામાં મદદ કરે છે. બ્લડ-શુગર મૅનેજ કરવામાં જાંબુ બ્લુબેરી કરતાં પણ સારાં હોય છે. જાંબુનો ગ્લાઇસીમિક ઇન્ડેક્સ પણ ઓછો હોય છે. એટલે એને ખાધા પછી લોહીમાં ઝડપથી શર્કરાનું પ્રમાણ વધતું નથી. જાંબુમાં ફાઇબરનું પ્રમાણ પણ સારું હોય છે જે લોહીમાં શુગરના ઍબ્સૉર્પ્શનને ધીમું પાડે છે. જાંબુમાં એવાં કમ્પાઉન્ડ્સ હોય છે જે બ્લડ-શુગરને રેગ્યુલેટ કરીને ઇન્સ્યુલિન સેન્સિટિવિટી વધારે છે. વજન ઘટાડવાનો પ્રયત્ન કરી રહ્યા હોય એ લોકો પણ તેમની વેઇટલૉસ ડાયટમાં જાંબુનો સમાવેશ કરી શકે. એક તો એમાં કૅલરી ઓછી હોય છે. બીજું, એમાં ફાઇબરનું પ્રમાણ વધુ હોવાથી લાંબા કલાકો સુધી પેટ ભરેલું રાખે અને ખાવાનું ક્રેવિંગ ઓછું કરે છે. જાંબુ ગટ-હેલ્થ એટલે કે આંતરડાઓના સ્વાસ્થ્ય માટે પણ સારું છે. એમાં રહેલું ફાઇબર ગટમાં ગુડ બૅક્ટેરિયાનું પ્રમાણ વધારવામાં મદદ કરે છે જે પાચન સુધારવાનું કામ કરે છે. જાંબુમાં રહેલું ફાઇબર બૅડ કૉલેસ્ટરોલને ઓછું કરવામાં પણ મદદરૂપ બને છે. એમાં પોટૅશિયમનું પ્રમાણ પણ સારું હોય છે જે બ્લડપ્રેશરને રેગ્યુલેટ કરવામાં મદદ કરે છે. બ્લડપ્રેશર, બ્લડ-શુગર અને કૉલેસ્ટરોલ બધામાં જ જાંબુ ફાયદો પહોંચાડતાં હોવાથી એને હાર્ટ-ફ્રેન્ડ્લી માનવામાં આવે છે. જાંબુ આપણી રોગપ્રતિકારક શક્તિને પણ વધારવાનું કામ કરે છે, કારણ કે એમાં વિટામિન Cનું પ્રમાણ સારું હોય છે. એવી જ રીતે એમાં રહેલાં ઍન્ટિ-ઑક્સિડન્ટ્સ શરીરમાંથી ઑક્સિડેટિવ સ્ટ્રેસ ઓછું કરીને પણ ઇમ્યુન-સિસ્ટમને મજબૂત બનાવવાનું કામ કરે છે. જાંબુમાં રહેલાં વિટામિન C અને ઍન્ટિ-ઑક્સિડન્ટ્સને કારણે સ્કિન-હેલ્થ પણ સારી રહે છે. જાંબુમાં આયર્નનું પ્રમાણ પણ સારું હોય છે. શરીરમાં લોહીની કમીની કારણે થાક, નબળાઈ જેવું લાગતું હોય ખાસ કરીને મહિલાઓને, તો તેમણે જાંબુ ખાવાં જોઈએ. એવી જ રીતે એમાં એવી પ્રૉપર્ટીઝ હોય છે જે દાંત, પેઢાંના સ્વાસ્થ્યને સારું રાખવાનું કામ કરે છે.
આયુર્વેદ શું કહે છે?
જાંબુના ગુણો અને આયુર્વેદમાં એનો ઉપયોગ કઈ રીતે થાય એ વિશે માહિતી આપતાં ૩૭ વર્ષનો અનુભવ ધરાવતા આયુર્વેદાચાર્ય અને દાદરમાં ચૈતન્ય આયુર્વેદિક ચિકિત્સાલય ધરાવતાં નિયતિ ચિતલિયા કહે છે, ‘‘જાંબુમાં તૂરો રસ હોય છે જે સામાન્ય રીતે આપણને આહારમાંથી બહુ ઓછો મળે છે. તૂરો રસ એટલે એવો રસ જેને ખાધા પછી મોઢું સુકાઈ જાય છે. તૂરો રસ આપણા શરીર માટે ખૂબ આવશ્યક છે, પણ ખૂબ ઓછા પ્રમાણમાં. એટલે જાંબુની સીઝન આવે ત્યારે એને ખાઈ લેવાં જોઈએ. સાથે જ એનું વધુ સેવન પણ ન કરવું જોઈએ, કારણ કે એ શરીરને સૂકવી નાખે છે. જોકે જાંબુના આ ગુણને લઈને જ એનો ઉપયોગ પ્રમેહ એટલે કે ડાયાબિટીઝમાં કરવામાં આવે છે. ડાયાબિટીઝ રોગ એવો છે કે આપણા શરીરમાં પાણીનું એટલે કે દ્રવના પચન માટે બરાબર થતું નથી. દ્રવનું પચન એટલે કે એને સૂકવવા માટે અમે જાંબુનો ઉપયોગ કરીએ છીએ. ડાયાબિટીઝ માટે જ્યારે અમે જાંબુનાં બીજનો ઉપયોગ કરીએ છીએ ત્યારે એને સપ્તપર્ણી, ગુડમાર જેવી ઔષધીના મિશ્રણ સાથે આપવામાં આવે છે. ખાલી જાંબુનાં બીજનો ઉપયોગ કરીએ તો ડીહાઇડ્રેશન, પેટમાં દુખાવો, કબજિયાત જેવી સમસ્યા થઈ શકે. એટલે તમે જાંબુ ખાઓ તો પણ આઠ-દસથી વધારે ન ખાવાં જોઈએ. પ્રી-ડાયાબેટિકમાં પણ જાંબુના ઠળિયાના પાઉડરનો ઉપયોગ થાય છે. આ એવી કન્ડિશન છે જેમાં વજન વધે, PCODની તકલીફ થાય, વાળ ખરવા લાગે. આ બધાં લક્ષણો ન હોય તો પણ એક એવું લક્ષણ હોય જેમાં રાત્રે બાથરૂમ જવા ઊઠવું જ પડે. તમારા દાંત કારણ વગર ખરાબ થવા લાગે, પગમાં સખત દુખાવો હોય. એટલે સમજવાનું કે દસેક વર્ષમાં તમને ડાયાબિટીઝ થવાનો છે. એટલે એને પ્રિવેન્ટ કરવા માટે સીઝનમાં તમે જ્યારે જાંબુ લાવો ત્યારે એકાદ બીજને ખાઓ તો પણ ફાયદો મળે. તમને જો વારંવાર ડાયેરિયાની સમસ્યા થતી હોય તો તમે જાંબુના ઠળિયાનો બે ચપટી પાઉડર લો તો ફાયદો મળે. એવી જ રીતે તમે જે દિવસે વધારે જાંબુ ખાધાં હોય એ દિવસે લિક્વિડ વધારે પીઓ, કારણ કે એનો રસ આંતરડાને સૂકવી નાખે છે.’
જાંબુનો જૂસ
જાંબુનો જૂસ બનાવવા માટે સૌથી પહેલાં તો જાંબુમાંથી ઠળિયા કાઢીને એનો પલ્પ અલગ કરી લો. એક મિક્સર-ગ્રાઇન્ડરમાં આ પલ્પ નાખો. એમાં થોડાં ફુદીનાનાં પાન, કાળું મીઠું અને બરફના થોડા ટુકડા નાખીને બધી વસ્તુને સરખી રીતે પીસી નાખો. આ રીતે તમારો જાંબુનો જૂસ બનીને તૈયાર છે. ઘણા લોકો જાંબુનો ખાટો અને તૂરો સ્વાદ બૅલૅન્સ કરવા માટે એમાં સાકર નાખતા હોય છે. જોકે તમારે એ અવૉઇડ કરવી જોઈએ.