હર્નિયામાં દુખાવો ન થાય તો પણ ઑપરેશન કરાવવું?

01 September, 2021 01:20 PM IST  |  Mumbai | Dr. Chetan Bhatt

આ ઑપરેશન ન કરાવવા પાછળ એક જ કારણ મારા માટે પૂરતું છે કે મને એ જગ્યાએ ફક્ત ઉપસેલો ભાગ લાગે છે, પરંતુ કોઈ દુખાવો થતો નથી. શું મારું આ કારણ સાચું નથી? ઑપરેશન જેવો નિર્ણય વગર દુખાવે લેવો યોગ્ય છે ખરો? 

પ્રતીકાત્મક તસવીર

હું ૬૫ વર્ષનો રિટાયર્ડ ઇન્જિનિયર છું. થોડા સમય પહેલાં ખબર પડી કે મને હર્નિયા એટલે કે સારણગાંઠ છે. જોકે મને એને કારણે કોઈ જ તકલીફ છે નહીં. મેં જે ડૉક્ટરને બતાવ્યું એણે મને ઑપરેશન કરવાની સલાહ આપી છે, પણ મારું મન નથી માનતું. આ ઑપરેશન ન કરાવવા પાછળ એક જ કારણ મારા માટે પૂરતું છે કે મને એ જગ્યાએ ફક્ત ઉપસેલો ભાગ લાગે છે, પરંતુ કોઈ દુખાવો થતો નથી. શું મારું આ કારણ સાચું નથી? ઑપરેશન જેવો નિર્ણય વગર દુખાવે લેવો યોગ્ય છે ખરો? 
 
 આંતરડા પેટની દીવાલની નાજુક બાજુએથી કે નબળી પડી ગયેલી બાજુએથી બહાર નીકળે એ અવસ્થા એટલે હર્નિયા. સામાન્ય ભાષામાં સમજો તો પ્લાસ્ટિકની પાતળી થેલીમાં આંગળી ભરાવીને એને ખેંચીએ તો એ એકદમ પાટલી થઈને થોડીક બહારની બાજુએ ઉપસી આવે અને એમાં ધારો કે કોઈ વસ્તુ કે પાણી ભરાય જાય. અહીં પ્લાસ્ટિકની કોથળી એટલે સ્નાયુ, ટિશ્યુ કે પછી પેટની દીવાલ સમજો અને એમાં ભરાય જતી વસ્તુને અંગ કે આંતરડું સમજો તો સમજી શકાશે કે હર્નિયામાં શું તકલીફ થતી હોય છે. પેટના ઉપરના ભાગમાં અને નીચેના ભાગમાં થતા હર્નિયા અત્યંત સામાન્ય રોગ છે.
ઘણા લોકો તમારી જેમ વિચારે છે કે દુખાવો થતો નથી તો શા માટે ઑપરેશન કરાવવું, પણ આ યોગ્ય નિર્ણય નથી. દુખાવો થાય એની રાહ જોવી આ રોગમાં મુર્ખામી ભર્યું છે, કારણ કે હર્નિયાને જ્યારે વગર ઑપરેશને છોડી દઈએ તો ઇમર્જન્સી સર્જાઈ શકે છે. ખાસ કરીને લિંબુ કરતાં મોટી સાઇઝનું એટલે કે ૩-૪ સેમી જેટલું કે એનાથી વધુ મોટું હર્નિયા હોય તો તકલીફ વધી શકે છે. એ પેટમાં ફાટી જાય ત્યારે ઘાતક પુરવાર થઈ શકે છે. 
આ રોગનો બીજો કોઈ જ ઇલાજ નથી. એ એની જાતે ઠીક ન થઈ શકે. દવાઓ એમાં કામ ન લાગે. ઑપરેશન જ એનો એકમાત્ર ઉપાય છે. બે પ્રકારનાં ઑપરેશન થતાં હોય છે. એક, લેપ્રોસ્કોપિક એટલે કે દૂરબીનથી અને બીજી ઓપન સર્જરી. જેવું નિદાન થાય કે તમારા ડૉક્ટરની સલાહ મુજબ ઑપરેશન કરાવી લેવું હિતાવહ છે, જેથી ઇમર્જન્સી ન સર્જાય.

columnists health tips