વગર પ્રયત્ને વજન ઊતરી રહ્યું હોય તો શું યોગ્ય કહેવાય?

03 January, 2022 02:33 PM IST  |  Mumbai | Dr. Meeta Shah

છેલ્લા ત્રણ મહિનામાં મારું વજન પાંચ કિલો એમ ને એમ ઊતરી ગયું છે. એ પણ કોઈ પ્રયત્ન વગર. બધા મને કૉમ્પ્લિમેન્ટ્સ આપે છે. શરૂઆતમાં તો હું ખુશ થયો હતો, પરંતુ હવે ચિંતા થાય છે. આ દૂબળા થવાનું શું કારણ છે એ સમજાતું નથી. હું શું કરું?  

પ્રતીકાત્મક તસવીર

હું ૪૨ વર્ષનો છું. મારું વજન પહેલાં ૮૫ કિલો હતું. મારું રૂટીન તો એવું ને એવું જ છે, પણ ખોરાકમાં ખાસ ફરક આવ્યો છે. મને ખૂબ જ ભૂખ લાગ્યા કરે છે. જમીને ઊઠ્યો હોઉં અને તરત ભૂખ લાગી જાય. હું પહેલાં ત્રણ વખત જ ખાતો હતો - સવારનો નાસ્તો તથા બપોરનું અને રાતનું જમવાનું. જોકે આજકાલ થોડા-થોડા સમયે ખાવાનું મન થાય છે. હું ખાઉં પણ છું. છતાં મારું વજન ઊતરી રહ્યું છે. આમ તો વજન વધવું જોઈએ, પણ છેલ્લા ત્રણ મહિનામાં મારું વજન પાંચ કિલો એમ ને એમ ઊતરી ગયું છે. એ પણ કોઈ પ્રયત્ન વગર. બધા મને કૉમ્પ્લિમેન્ટ્સ આપે છે. શરૂઆતમાં તો હું ખુશ થયો હતો, પરંતુ હવે ચિંતા થાય છે. આ દૂબળા થવાનું શું કારણ છે એ સમજાતું નથી. હું શું કરું?  

તમારી ચિંતા સાચી છે. પ્રયત્ન વગર એમ ને એમ વજન જ્યારે ઊતરે છે ત્યારે બની શકે કે શરીરમાં કોઈ મોટા ફેરફારોનો અણસાર હોય. આ એક એવું ચિહન છે જેને તમે ન અવગણો. આ માટે પહેલાં ડૉક્ટરને મળો અને તેમની સલાહ પ્રમાણે ટેસ્ટ કરાવવી જરૂરી છે. તમને જે ચિહન છે એ મુજબ કહીએ તો એ ડાયાબિટીઝનાં લક્ષણો પણ હોઈ શકે છે. ડાયટ કે લાઇફસ્ટાઇલમાં કોઈ પણ જાતનો ફેરફાર કર્યા વગર જો તમારું વજન ઓછું થઈ ગયું હોય તો ખુશ થવાની જરૂર નથી. એક સમય એવો હતો જ્યારે કોઈ દૂબળું થતું ત્યારે લોકો ચિંતા કરતા કે કેમ વજન ઊતરે છે? માંદા છો કે? આજે આપણે એ સમયમાં છીએ જ્યારે કોઈ પણ કારણસર વજન ઊતરે એટલે લોકો ખુશ થઈ જાય છે. વેઇટલૉસ પાછળ ગાંડા થવાને બદલે અકારણ તમારા ઘટતા વજનને લઈને જાગૃત રહો અને એક વખત ડાયાબિટીઝની ટેસ્ટ ચોક્કસ કરાવો. એ જરૂરી છે. 
તમને સતત ભૂખ લાગ્યા કરે છે. આ લક્ષણ ઘણી વાર નબળાઈનું પણ હોઈ શકે છે, પરંતુ જો તમે જમીને જ ઊઠ્યા હો અને એની ૧૦ મિનિટ પછી પણ તમને લાગે કે કંઈક ખાઈ લઉં તો આ ચિહન અવગણવા જેવું તો નથી જ. ઘણી વખત સતત ખાતા રહેવાની આદતને કારણે પણ એવું લાગતું હોય છે કે મને ભૂખ લાગી છે, પરંતુ જો અચાનક જ તમે જરૂર કરતાં વધુ ખાવા લાગ્યા હો અને એની પાછળનું કારણ તમને લાગતી સતત ભૂખ હોય તો એક વાર શુગર ટેસ્ટ કરાવીને સંતોષ મેળવી લેવો.

health tips columnists