યુવાનીમાં કરોડરજ્જુનાં હાડકાં ઘસાઈ શકે?

12 April, 2022 03:47 PM IST  |  Mumbai | Dr. Tushar Agrawal

ડૉક્ટરને બતાવવા ગઈ ત્યારે તેમણે તપાસીને કહ્યું, તમને સર્વાઇકલ સ્પૉન્ડિલોસિસ છે. આ રોગમાં કરોડરજ્જુનાં હાડકાં ઉંમરને કારણે ઘસાય છે એટલે આ તકલીફ ઊભી થાય છે. ૩૨ વર્ષે હાડકાં ઘસાવા લાગ્યાં એ કઈ રીતે શક્ય છે? 

પ્રતીકાત્મક તસવીર

હું ૩૨ વર્ષની હોમમેકર છું, જેને છેલ્લાં ૬-૭ વર્ષ પહેલાં પીઠનો સામાન્ય દુખાવો શરૂ થયો હતો. શરૂઆતમાં દુખાવો રાત્રે જ વધુ થતો અને ઊંઘ ખેંચી કાઢું એટલે સવારે બધું ઠીક થઈ જતું. ૨-૩ વર્ષ પહેલાં દુખાવો એટલો વધ્યો કે રાત્રે એને કારણે ઊંઘ ઊડી જાય છે અને પછી સૂઈ જ નથી શકતી. ડૉક્ટરને બતાવવા ગઈ ત્યારે તેમણે તપાસીને કહ્યું, તમને સર્વાઇકલ સ્પૉન્ડિલોસિસ છે. આ રોગમાં કરોડરજ્જુનાં હાડકાં ઉંમરને કારણે ઘસાય છે એટલે આ તકલીફ ઊભી થાય છે. ૩૨ વર્ષે હાડકાં ઘસાવા લાગ્યાં એ કઈ રીતે શક્ય છે? 
 
હા, આ શક્ય છે. આજકાલ એ સામાન્ય થતું જાય છે. વૃદ્ધોમાં જોવા મળતો આ રોગ આજકાલ યુવાનોમાં સામાન્ય થઈ રહ્યો છે. જે લોકો સતત કમ્પ્યુટર પર કે ગૅજેટમાં રહે છે તેમને આ તકલીફ થાય જ છે. અમુક લોકોના શરીરનો બાંધો નબળો હોય છે. તેનાં સ્નાયુઓ અને હાડકાં બીજા લોકોના પ્રમાણમાં નબળાં જ હોય છે. બેઠાડું જીવન પણ આ તકલીફનું એક કારણ હોઈ શકે છે. પહેલાંની હાઉસ-વાઇફ ઘરમાં ખૂબ કામ કરતી એટલે ઘરમાં જ રહેવા છતાં તેમનું જીવન બેઠાડું ન હતું, પરંતુ આજે એવું નથી રહ્યું. આ ઉપરાંત સુવામાં જો તકિયો વધુ જાડો કે વધુ પાતળો હોય તો પણ આ તકલીફ થઈ શકે છે. આપણે કોઈ પણ જાતનો જે માનસિક કે શારીરિક સ્ટ્રેસ લઈએ છીએ એનો ભાર હંમેશાં આપણા ખભા પર જ આવે છે. ખાસ કરીને માનસિક સ્ટ્રેસનો ભાર. આજકાલ સ્ટ્રેસનું પ્રમાણ પહેલાં કરતાં ઘણું વધી ગયું છે. એ પણ એક મહત્ત્વનું કારણ છે કે નાની ઉંમરે લોકોને સર્વાઇકલ સ્પૉન્ડિલોસિસ થાય છે. પહેલાં તો આ તકલીફ તમને થઈ છે એ વાતનો સ્વીકાર કરો. તમારે એ સમજવાનું છે કે જો આ પ્રૉબ્લેમ યુવાન વયે ચાલુ થયો હોય તો વ્યક્તિએ એને ગંભીરતાથી લેવો જરૂરી છે. જો એનાં હાડકાં ૩૦-૩૫ વર્ષની ઉંમરથી ઘસાવા લાગે તો ૬૦-૭૦ વર્ષે એની હાલત શું થઈ શકે એની કલ્પના મુશ્કેલ છે. મહત્ત્વનું છે કે આવી વ્યક્તિઓ કયા કારણસર આ તકલીફ થઈ છે એ સમજી એને દૂર કરવાનો પ્રયત્ન કરે. જે કારણો અહીં સૂચવ્યાં છે એમાંથી તમને કયાં લાગુ પડે છે એ સમજો. સાથે-સાથે ફિઝિયોથેરપી ખૂબ જ મહત્ત્વનો ભાગ છે એને અવગણો નહીં. આ રોગમાં વ્યક્તિના સ્નાયુઓને સશક્ત કરવાનું કામ એક્સરસાઇઝ કરે છે, જેને કારણે હાડકાં ઘસાવાની ગતિને મંદ પાડી શકાય.

health tips columnists