નાના બાળકને દાંત આવે ત્યારે સપ્લિમેન્ટ આપવાં?

27 August, 2021 09:51 AM IST  |  Mumbai | Dr. Rajesh Kamdar

બાળકને દાંત આવે ત્યારે એ માંદું પડે જ. શું એ હકીકત છે? વળી, એને સારા દાંત આવે એટલા માટે હું શું કરી શકું? દાંતની મજબૂતાઈ માટે એને કૅલ્શિયમ સપ્લિમેન્ટ કે અન્ય દવાઓ આપવી જરૂરી છે?

પ્રતીકાત્મક તસવીર સૌજન્ય iStock

મારું બાળક આઠ મહિનાનું છે અને એનો પહેલો દૂધિયો દાંત આવી ગયો છે. જ્યારથી દાંત આવવાનું શરૂ થયું છે ત્યારથી એ ખૂબ માંદું જ રહે છે. મારા ઘરમાં બધા કહે છે કે બાળકને દાંત આવે ત્યારે એ માંદું પડે જ. શું એ હકીકત છે? વળી, એને સારા દાંત આવે એટલા માટે હું શું કરી શકું? દાંતની મજબૂતાઈ માટે એને કૅલ્શિયમ સપ્લિમેન્ટ કે અન્ય દવાઓ આપવી જરૂરી છે?

 બાળક ૬-૮ મહિનાનું હોય ત્યારે એને દૂધિયા દાંત આવવાનું શરૂ થાય છે અને બે-અઢી વર્ષ સુધીમાં એના વીસેક દૂધિયા દાંત આવી જતા હોય છે. નાના બાળકને જ્યારે દાંત પેઢાંમાંથી ફૂટે છે ત્યારે એને ખૂબ જ ઇરિટેશન થાય છે. આ સમયે એને ઝાડા કે ઊલટીની સમસ્યા પણ થાય છે, પરંતુ એનો દાંત સાથે સીધો સંબંધ નથી. દાંત આવવાથી બાળક માંદુ નથી પડતું, પણ દાંત આવે ત્યારે પેઢામાં ખૂબ જ ખંજવાળ આવે છે અને એ કારણે જ બાળક કોઈ પણ વસ્તુ મોઢામાં નાખે છે. એનાં રમકડાં, નીચે પડેલી કોઈ પણ વસ્તુ વગેરે. એમાં રહેલા બેક્ટેરિયા બાળકના પેટમાં જાય છે અને એને કારણે એ માંદું પડે છે. મતલબ કે આ સમયે ધ્યાન રાખવાથી માંદગી ટાળી શકાય છે.
બાળકને કોઈ પણ વસ્તુ મોઢામાં નાખતું અટકાવી શકાતું નથી માટે બને ત્યાં સુધી એની આસપાસની વસ્તુઓ સ્વચ્છ રાખવી જરૂરી છે. દાંત આવવાને લીધે એ બીમાર પડે છે એવું નથી. જે વસ્તુઓ મોઢામાં નાખે છે એમાં રહેલા કીટાણુંને કારણે એ બીમાર રહે છે.  
બીજું એ કે દાંતને કારણે બાળક ચીડિયું થઈ જાય, એને ઇરિટેશન થાય એ નૅચરલ છે, એ થવાનું જ છે. એના માટે કોઈ દવા એલોપથીમાં નથી. એ દરમિયાન સાધારણ રીતે બાળકોના ડૉક્ટર્સ બાળકને કૅલ્શિયમનાં સપ્લિમેન્ટ આપે છે, જેને લીધે બાળકના દાંત સારા આવે, પરંતુ એનાથી ઇરિટેશન ઓછું થવાનું નથી. આ સપ્લિમેન્ટ લેવા ખાસ જરૂરી નથી. મહત્ત્વનું એ છે કે બાળકને સ્તનપાન કરાવનારી માતાની અંદર કૅલ્શિયમની કમી ન હોવી જોઈએ. તમારે ખુદને સપ્લિમેન્ટ લેવા હોય તો લઈ શકો છો. બાળકને હમણાં સપ્લિમેન્ટ આપવાની ખાસ જરૂર હોતી નથી. એ માના દૂધમાંથી કૅલ્શિયમ મેળવી લે છે, પરંતુ સ્તનપાન તમે દોઢ વર્ષ સુધી ચાલુ રાખો તો સારું.

health tips columnists