ગાજરના જૂસથી ચશ્માંના નંબર ઘટે ખરા?

19 November, 2021 04:20 PM IST  |  Mumbai | Yogita Goradia

મને ચશ્માં પહેરવા આમ તો ગમતાં નથી. શું હું ગાજરનો જૂસ દરરોજ પીઉં તો ચશ્માંના નંબર ઊતરી જાય? અત્યારે શિયાળો છે તો લાલ ગાજરનો જૂસ પીવો હોય તો કેટલો પી શકાય? માર્ગદર્શન આપશો. 

પ્રતીકાત્મક તસવીર

હું ૧૮ વર્ષની છું અને મને હાલમાં જ ચશ્માંના નંબર આવ્યા છે. નંબર દૂરના છે અને બંને આંખમાં ૦.૭૫ જેટલો જ નંબર છે. મને ચશ્માં પહેરવા આમ તો ગમતાં નથી. શું હું ગાજરનો જૂસ દરરોજ પીઉં તો ચશ્માંના નંબર ઊતરી જાય? અત્યારે શિયાળો છે તો લાલ ગાજરનો જૂસ પીવો હોય તો કેટલો પી શકાય? માર્ગદર્શન આપશો. 

 ગાજરનો જૂસ અતિ ગુણકારી મનાય છે. એમાં પણ શિયાળામાં આવતાં લાલ ગાજર ન્યુટ્રીશનની દૃષ્ટિએ અતિ ઉપયોગી છે. આંખ માટે તમે જ નહીં, ઘણા લોકો માને છે કે ગાજર ઘણા ઉપયોગી છે. લાલ ગાજરને જે લાલ બનાવે છે એ તત્ત્વ છે બિટા કૅરોટિન. આ બિટા કૅરોટિન એટલે વિટામિન-એ જે દૃષ્ટિને ટેક કરવા માટે ઉપયોગી સાબિત થાય છે. આ સિવાય એમાંથી સારી માત્રામાં વિટામિન-સી પણ મળે છે. ઍન્ટિ ઑક્સિડન્ટ્સથી ભરપૂર હોવાને કારણે એના ફાયદા ઘણા છે. રિસર્ચ મુજબ ગાજર ફક્ત આંખ માટે જ નહીં, ઇમ્યુનિટી વધારવા, બ્લડ-શુગર કંટ્રોલમાં રાખવા, હાર્ટ હેલ્થ ચમકાવવા, લીવરને હેલ્ધી રાખવા, સ્કીન અને વાળને સારા કરવા માટે ઘણા ઉપયોગી છે. કૅલરી વધુ હોવાને કારણે ઓબીસ કે ડાયાબિટીઝના દરદીઓએ ડૉક્ટરની સલાહ મુજબ ગાજરનો જૂસ પીવો જોઈએ.  
પરંતુ તમે જે માટે ગાજરનું જૂસ પીવાની વાત કરો છો એ બાબતે એ મદદરૂપ થઈ શકે એમ નથી. તમને ચશ્માં આવ્યાં છે જે પરિસ્થિતિને માયોપિયા કહેવામાં આવે છે. એ આંખની પરિસ્થિતિ છે, કોઈ રોગ નથી કે આવે અને પાછો જતો રહે. નંબરને પાછા ધકેલવા આમ તો ગાજર એટલે કામ નહીં લાગે, કારણ કે આંખમાં ચશ્માંના નંબર આવવા એ કોઈ પોષણની કમીને કારણે થતો રોગ નથી. ન્યુટ્રિશન ડેફિશ્યન્સી હોય તો એને પોષણ આપવાથી એ દૂર થઈ શકે છે, પણ આંખના નંબર એ આંખની પરિસ્થિતિ છે. કોઈ પણ પોષણયુક્ત ખોરાકથી એ દૂર નથી થઈ શકતી, છતાં શરીરને ગાજર જૂસ પીવાથી ઘણો ફાયદો થાય જ છે. માટે જો તમને શિયાળામાં ગાજરનો જૂસ પીવો હોય તો ચોક્કસ તમે પી શકો છો. દિવસમાં ૧૫૦-૨૦૦ મિલી જેટલો જૂસ ઘણો કહી શકાય. એનાથી વધુ પીવાની જરૂર નથી, કારણ કે કોઈ વસ્તુ ફાયદાકારક હોય તો પણ એનું પ્રમાણ ઓછું જ રાખવું જરૂરી છે.

health tips columnists