12 August, 2025 02:00 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
આ દુનિયામાં સૌથી અમીર માણસ કોણ છે? આજની તારીખે આ પ્રશ્ન કોઈ પૂછે તો કદાચ એનો જવાબ એ હોઈ શકે કે જે શાંતિથી દરરોજ ૮ કલાકની ઘટઘસાટ ઊંઘ ખેંચે છે તે. ઊંઘ કુદરતે આપેલી માણસને બેસ્ટ ગિફ્ટ છે. માણસની રચના જ કુદરતે એવી કરી છે કે ખાય નહીં તો હજી જીવી શકે પરંતુ ઊંઘે નહીં તો જીવી ન શકાય. ઘણા લોકો છે જે આજે અનિદ્રાના રોગથી પીડાય છે. રાત-રાત ભર જાગતા પડ્યા રહે છે, સૂવા જાય તો ઊંઘ નથી આવતી અને પડખાં ઘસ્યા કરે છે.
જો નિયમિતરૂપે તમે સૂવા જાઓ અને ૩૦ મિનિટ કે એનાથી વધુ સમય સુધી તમને ઊંઘ ન આવે, સતત થાક અને ચીડચીડાપણું આખો દિવસ રહે, સવારે ઊઠો ત્યારે એકદમ ફ્રેશ ન લાગે, રાત્રે ઊંઘમાં વારંવાર ઊઠવું પડે, સવારમાં માથાનો દુખાવો રહે, હાઈ બ્લડપ્રેશર રહે, કામમાં કે ભણવામાં એકાગ્રતા રાખવામાં ખૂબ તકલીફ પડે, દિવસમાં કોઈ પણ સમયે ઊંઘ આવી જાય, સવારમાં ખૂબ જલદી ઊંઘ ઊડી જાય, ઊંઘમાં જોર-જોરથી નસકોરાં બોલાવો, શ્વાસમાં અવાજ આવે કે ઊંઘમાં જાત-જાતના અવાજો નીકળે, જ્યારે સૂવો ત્યારે પગ ચલાવવાની વિચિત્ર ઇચ્છાને તમે રોકી ન શકો, ખાસ કરીને પગમાં કશું સળવળે એવું લાગે અને એને કારણે તમે સૂઈ ન શકો, દિવસના સમયે જાગવા માટે સતત તમે કૉફી કે ચાનો સહારો લો છો, કોઈ પણ વાતનું રીઍક્શન આપવામાં મોડું થાય કે રીઍક્શન આપો જ નહીં, જો તમે શનિ-રવિ કે રજાના દિવસે ફક્ત સૂવાનું કામ જ કરો છો એમ સમજીને કે આખું અઠવાડિયું સૂતા નથી તો ઊંઘ પૂરી કરી લઈએ.
જો આ બધાં ચિહ્નો તમારામાં હોય તો સમજવું કે તમને ઊંઘની તકલીફ છે. એટલે તમારે એના પર ધ્યાન આપવાની અને ઇલાજની જરૂર છે. કેટલાક લોકો યુવાન વયે જ ઊંઘની ગોળીઓ પર નિર્ભર થઈ ગયા છે તો કેટલાક લોકોની તો લાઇફસ્ટાઇલ જ એ થઈ ગઈ છે કે તેઓ રાત્રે સૂતા જ નથી. હકીકત એ છે કે લોકોને ઊંઘ ન આવવી કે જાગતા રહેવું નૉર્મલ લાગે છે. મુખ્ય પ્રૉબ્લેમ એ જ છે કે લોકો સ્લીપ પ્રૉબ્લેમનાં આ શરૂઆતી લક્ષણોને ઓળખી શકતા નથી, કારણ કે આ લક્ષણો તેમને નૉર્મલ લાગે છે. જરૂરી છે કે લોકો સ્વીકારે કે ઊંઘની તકલીફ નૉર્મલ નથી એ એક પ્રૉબ્લેમ છે, બીમારી છે. કોઈ પણ રોગમાં શરૂઆતી લક્ષણોને ઓળખી ન શકીએ અને ઇલાજ ન કરાવીએ તો એ રોગ વધવાનો જ છે. એવું જ સ્લીપ પ્રૉબ્લેમ્સમાં થાય છે. રોગ ખૂબ વધી જાય પછી લોકો અમારી પાસે આવે છે. જરૂરી છે કે તમે આ ચિહનોને સમજો અને શરૂઆતી તકલીફને રોગમાં પરિણમવા ન દો.
-ડૉ. બિનીતા મહેતા