ઇન્ટ્યુટિવ ઈટિંગ નહીં કરો તો ઇમોશનલ ઈટર બની જશો

12 August, 2022 04:54 PM IST  |  Mumbai | Sejal Patel

પૉઝિટિવ કે નેગેટિવ કોઈ પણ બાબતને મનગમતા ફૂડ સાથે જોડી દઈને આપણે બાળકને ફૂડનો સંબંધ ઇમોશન સાથે બાંધી આપીએ છીએ. પરાણે ફીડ કરીને ઇન્ટ્યુટિવ ઈટિંગની સમજ ઘટી જાય છે.

પ્રતીકાત્મક તસવીર

કંઈક ખુશી સેલિબ્રેટ કરવાની છે? તો ચાલો પાર્ટી કરીએ. ગમ ભુલાવવાનો છે ? તો ચાલો મનગમતું કંઈક ખાઈએ. આ અભિગમ છેલ્લા બે દાયકામાં બેફામ ફૂલ્યોફાલ્યો છે. ભાવતું ભોજન કમ્ફર્ટ આપે છે એ વાત સાચી છે, પણ બધા પ્રકારના ઇમોશન્સનો ઊભરો ખાવા થકી જ કાઢવાની આપણી આદત હેલ્ધી તો નથી જ. આજે નિષ્ણાત પાસેથી જાણીએ ઇમોશનલ ઈટિંગના રૂટ્સ શું છે અને એ માટે શું થઈ શકે એ

પૅન્ડેમિક દરમ્યાન વિશ્વભરમાં એક ટ્રેન્ડ જબરજસ્ત ફુલ્યોફાલ્યો. એ છે ઇમોશનલ ઈટિંગ કરવાનો. એક અંદાજ કહે છે કે કોવિડની સ્ટ્રેસફુલ કન્ડિશનમાં કમ્ફર્ટ ફૂડમાં સુકૂન શોધવાનું પ્રમાણ પહેલાં કરતાં લગભગ ચાર ગણું વધી ગયું છે. જે કન્ડિશન મોટા ભાગે અમુક-તમુક સંજોગોમાં જ જોવા મળતી હતી એ હવે પ્રત્યેક નાનીમોટી સ્થિતિમાં દેખાવા લાગી છે. વર્ક ફ્રોમ હોમ કરીને કંટાળ્યા છો એટલે કંઈક મનગમતું ખાવું, કંટાળો આવે છે તો ચાલો કંઈક સારું ખાઈને મૂડ બનાવીએ. કોઈની સાથે ઝઘડો થવાથી મૂડની વાટ લાગી ગઈ છે? તો મગજ ઠેકાણે લાવવા માટે ભાવતું કંઈક ખાઈએ. લાગણીઓના ઊભરાને શમાવવા માટે ખોરાકનું ઇંધણ નાખવું દરેક વખતે સ્વાસ્થ્ય માટે સારું નથી એ તો હવે બધા જ જાણે છે. ઓબેસિટી, ડાયાબિટીઝ, બ્લડ-પ્રેશર અને કૉલેસ્ટરોલ જેવા લાઇફસ્ટાઇલ રોગો એ જ કારણોસર ઘર કરી રહ્યા છે. ત્યારે આ ઇમોશનલ ઈટિંગના મૂળિયાં ક્યાં છે એ સમજવાની કોશિશ કરીએ. 

બાળપણથી આદત બને

પેન્ડેમિક દરમ્યાન એક ફ્રેઝ બહુ ફેમસ થયો હતો કે ‘ડૉન્ટ ઇટ યૉર ઇમોશન્સ’. મતલબ કે તમારી લાગણીઓના દરેક બદલાવમાં સેટલ થવા માટે તમે કમ્ફર્ટ ફૂડનો આશરો ન લો. આપણી આ‌ ફિતરત ખોટી આદતો અથવા તો અપબ્રિ‌ગિંગમાં થયેલી ભૂલોને કારણે વધુ વકરી છે. મૂળે માણસ પાસે પણ દરેક પ્રાણીની જેમ પોતાને ભૂખ લાગી છે કે નહીં એ સમજવાની ક્ષમતા હતી જ. શરીરને હીલ થવા માટે સમય આપવાની જરૂરિયાત જો મૂંગા પ્રાણીને સમજાતી હોય તો આપણને કેમ નહીં? બાળકને જ્યારે ખાતું કરવામાં આવે છે ત્યારે થયેલી ભૂલો એ માટે જવાબદાર હોય છે એમ જણાવતાં પીડિયાટ્રિક ડાયટિશ્યન જિનલ સાવલા કહે છે, ‘ફી‌ડિંગનો નિયમ છે કે બ્રેસ્ટફીડ યૉર ચાઇલ્ડ ઑન ડિમાન્ડ. મતલબ કે બાળક રડે તો જ તેને ફીડ કરાવો. એનું પેટ ભરાઈ જશે એટલે બાળક આપમેળે ફીડિંગ અટકાવી દેશે. તે સ્ટૉપ કરે ત્યારે આપણે સમજી લઈએ છીએ તેનું પેટ ભરાઈ ગયું છે. બ્રેસ્ટ-ફીડિંગ ચાલુ રહે ત્યાં સુધી આપણે બાળકના હંગર સિગ્નલને બરાબર સાંભળીએ છીએ, પણ જેવું તેને બહારનું ખવડાવવાનું શરૂ કરીએ એટલે એમાં ગરબડ થવા લાગે. નાના બાળકને ફોર્સ ફીડ કરાવવામાં આવે. બે ચમચીથી વળી પેટ ભરાતું હશે? બાળકની હોજરી એક નાના ચાના કપ જેટલી હોય છે. તે એડલ્ટની જેમ ઠાંસીઠાંસીને ખાવા લાગે એવી અપેક્ષા જ તેની ઈટિંગ હૅબિટ્સ બગાડશે. દાદી પૂછશે કેટલી રોટલી ખાધી? આપણે ક્વૉન્ટિટી પર વધુ ભાર આપીએ છીએ, ન્યુટ્રિશન પર નહીં. છોકરું પેટ ભરાઈ ગયું છે એમ કહે છતાં તેને પરાણે ખવડાવીએ એ પહેલો તબક્કો છે જ્યાંથી તેની ઇન્ટ્યુટિવ ઈટિંગ સેન્સ ધીમી પડવા લાગે છે.’

બાળકના જજમેન્ટને રિસ્પેક્ટ

બાળક વધુ ખાય કે ઓછું, એની પાછળ ઘણાંબધાં નૅચરલ ફૅક્ટર્સ હોય છે. એમ જણાવતાં જિનલ સાવલા કહે છે, ‘ક્યારેક ક્લાઇમેટ ચેન્જને કારણે ફૂડ હેબિટ્સ બદલાય. ઉનાળામાં વધુ લિક્વિડની જરૂરિયાત હોય તો વધુ પાણી પીવાય એમ શિયાળામાં બે કોળિયા વધુ ખવાઈ જાય. ક્યારેક પેટ સાફ બરાબર ન થયું હોય, પડ્યા રહેવાને કારણે ગૅસ ચડ્યો હોય તો પણ ઓછું ખવાય. જેમ એડલ્ટ વ્ય‌્કિતની શરીરની જરૂરિયાતો સીઝન મુજબ બદલાય છે એમ નાનાં બાળકની હંગર પર અફેક્ટ કરનારાં પણ અનેક પરિબળો છે એ મુજબ તેને પોતાની શરીરની જરૂરિયાતને કહેવાનો મોકો આપવો જરૂરી છે એક-બે વર્ષની વયે બાળક સૌથી વધુ તેના પેરન્ટ્સને ટ્રસ્ટ કરતું હોય છે. મમ્મી જે કહે એ તેના માટે બ્રહ્મવાક્ય હોય. તમે વધુ ખવડાવવા ફોર્સ કરો ત્યારે તેને પરાણે ખાવું પડે અને શરીરની જરૂરિયાત જે તેને અંદરથી ફીલ થતી હોય છે એનો અવાજ ધીમો પડતો જાય છે. લાંબા ગાળે એ અવાજ એટલો ધીમો થઈ જાય કે તે પોતે પણ માત્ર જીભના સ્વાદને સાંભળતો રહી જાય.’

રિવૉર્ડ અને પનિશમેન્ટ

આપણે ખુદ જ ફૂડને ઇમોશન્સ સાથે બહુ અભાનપણે જોડી દઈએ છીએ. ક્યારેક બાળક ખોટું કરે તો તેને પનીશમેન્ટરૂપે એક વીક સુધી ફલાણી ચીજ નહીં ખાવા મળે એવું કહી દેવામાં આવે છે. આ પણ એક ખોટી પ્રૅક્ટિસ છે એમ જણાવતાં જિનલ કહે છે, ‘પૉઝિટિવ કે નેગેટિવ કોઈ પણ બાબતને મનગમતા ફૂડ સાથે જોડી દઈને આપણે બાળકને ફૂડનો સંબંધ ઇમોશન સાથે બાંધી આપીએ છીએ. તું ફલાણું કામ કરી લઈશ તો તને પેલી ભાવતી વાનગી ખાવા આપીશ. હવે ટેસ્ટમાં આટલા માર્ક્સ આવશે તો જ તને ચૉકલેટ મળશે. સાઇકોલૉજિકલી આપણે ઇમોશન અને ફૂડ વચ્ચેનું રિલેશન બાળકના મનમાં ભરાવીએ છીએ અને એટલે જ કંઈક સારું થાય તો તરત જ જન્ક ફૂડ ખાવા તરફનો ઝુકાવ વધી જાય છે. ઇમોશનલ ઈટિંગની આદત ન પડે એ માટે ઉછેર દરમ્યાન જ સભાનતા જરૂરી છે. ’

columnists sejal patel health tips