મારી દીકરીની આંખ ફાંગી હોય એવું લાગે છે તો શું કરવું?

12 November, 2021 11:55 AM IST  |  Mumbai | Dr. Himanshu Mehta

શું એનો ઇલાજ હમણાં જ કરવો પડે કે મોટી થાય ત્યારે પણ કરી શકાય? નાની ઉંમરમાં ચશ્માં આવવાથી જ અમને એટલો આઘાત લાગેલો એમાં આ નવી તકલીફ ઉમેરાઈ છે. 

પ્રતીકાત્મક તસવીર

મારી દીકરી ચાર વર્ષની છે. હમણાં ખબર પડી કે તેની આંખના બન્ને ડોળા જુદી દિશામાં ફરે છે. ‌તેને ૧ વર્ષ પહેલાં ચશ્માં આવ્યાં હતાં. પહેલાં મને એ ભ્રમ લાગેલો પરંતુ ધીમે-ધીમે મને જ નહીં, ઘરમાં બધાને લાગે છે કે એ ફાંગી આંખ હોઈ શકે છે. શું એનો ઇલાજ હમણાં જ કરવો પડે કે મોટી થાય ત્યારે પણ કરી શકાય? નાની ઉંમરમાં ચશ્માં આવવાથી જ અમને એટલો આઘાત લાગેલો એમાં આ નવી તકલીફ ઉમેરાઈ છે. 

 ફાંગી આંખની તકલીફ બાળકોમાં વધુ જોવા મળે છે. બાળક નાનું છે એમ સમજીને લોકો ડૉક્ટર પાસે આવતા નથી અને મોટું થયા પછી ઇલાજ કરાવીશું એવું સમજીને બેસી રહે છે, જે ખરા અર્થમાં મોટી ભૂલ છે. બાળકનો પ્રૉબ્લેમ જેવો મા-બાપ ને દેખાય કે તરત જ તેમણે ડૉક્ટરનો સંપર્ક કરવો.ઇનફૅક્ટ, બે વર્ષની ઉંમરે દરેક બાળકની આઇ ટેસ્ટ કરાવવી જરૂરી છે. તમને તેની ડોળાની દિશા થોડી પણ વિચિત્ર લાગે તો રાહ ન જોતાં તરત જ બેબીને ડૉક્ટર પાસે લઈ જાઓ. બે વર્ષની ઉંમરથી લઈને ૬ વર્ષની ઉંમર સુધીમાં બાળકને ફાંગી આંખનો પ્રૉબ્લેમ સામે આવી જાય છે. 
જનરલી લોકોને લાગે છે કે ડોળો એની જગ્યા પર નથી એટલે વ્યક્તિને બરાબર દેખાતું નથી પરંતુ હકીકત એ છે કે આંખમાં બરાબર દેખાતું નથી એટલે ડોળો એની જગ્યા પર રહેતો નથી. જનરલી આપણી બન્ને આંખ કોઈ વસ્તુને જુએ તો એક આંખ એક પિક્ચર કૅચ કરે છે, બીજી આંખ બીજું પિક્ચર અને બન્ને પિક્ચરનું ફ્યુઝન થઈ આપણને એ વસ્તુ સ્પષ્ટ દેખાય છે. હવે જ્યારે એક આંખ પોતાનું પિક્ચર સ્પષ્ટ પણે કૅચ કરે છે પરંતુ બીજી આંખ નબળી હોવાથી એનું પિક્ચર સ્પષ્ટ નથી હોતું ત્યારે મગજ એ નબળી આંખનું પિક્ચર સ્વીકાર કરતું નથી. જ્યારે બન્ને આંખ નબળી હોય ત્યારે મગજ બન્ને આંખના પિક્ચરનો અસ્વીકાર કરે છે. અને જયારે આ પ્રક્રિયા વારંવાર બને છે ત્યારે નબળી આંખ લેઝી આઇ એટલે કે આળસુ આંખમાં પરિણમે છે અને એ આળસુ આંખ વખત જતાં ફાંગી આંખમાં પરિણમે છે. આમ મોટા ભાગે લેઝી આયનો પ્રોબ્લેમ પહેલા થાય છે જે ફાંગી આંખમાં ફેરવાય છે. આંખની અમુક એક્સરસાઇઝ, યોગ્ય ઇલાજ દ્વારા એને રોકી શકાય છે. ચિંતા ન કરો પણ ઇલાજ કરો જ.

health tips columnists