શરીરમાં ખૂબ કળતર અને ઘૂંટણનો દુખાવો મટતો નથી

15 November, 2022 02:43 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઘણી વાર સામાન્ય વિટામિન્સની કમી પણ હોઈ શકે છે, જે નૉર્મલ સપ્લિમેન્ટ લેવાથી દૂર થઈ જાય.

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)

મારી ઉંમર ૪૭ વર્ષ છે. મને છેલ્લા એકાદ મહિનાથી શરીરમાં સખત કળતર રહે છે, એમ લાગે છે કે શરીર તૂટ્યા કરે છે. ખાસ કરીને સવારે ઊઠું ત્યારે મારી હાલત વધુ ખરાબ રહે છે. શરૂઆતમાં લાગ્યું કે કામ વધુ છે એટલે એવું થાય છે, પરંતુ આરામ પછી પણ મને સારું નથી લાગતું. એટલું ઓછું હોય એમ હવે ઘૂંટણમાં દુખાવો ચાલુ થઈ ગયો છે. શું ઉંમરલાયક ચિહ્‍‍નોની નિશાની છે કે મને આર્થ્રાઇટિસ શરૂ થઈ ગયું છે? મને ની-રિપ્લેસમેન્ટ કરાવવું પડશે કે? મને ખૂબ ડર લાગે છે, મારે શું કરવું?
 
તમને કેમ આ દુખાવો થઈ રહ્યો છે એ સમજવા માટે તપાસવા જરૂરી છે અને અમુક પ્રકારનાં ટેસ્ટ કરાવવાં પણ જરૂરી છે. ઘણી વાર સામાન્ય વિટામિન્સની કમી પણ હોઈ શકે છે, જે નૉર્મલ સપ્લિમેન્ટ લેવાથી દૂર થઈ જાય. તમને ડર છે કે ઉંમરલાયક લક્ષણો તો નથી તો સમજવાનું એ છે કે મોટી ઉંમરે એટલે કે ૫૫-૬૦ વર્ષ પછી સ્ત્રીઓને ઉંમર સંબંધિત આર્થ્રાઇટિસ જેવી તકલીફ આવે. ૪૫થી ૫૦ વર્ષ સુધીમાં ઉંમરને કારણે થતું એટલે કે ઑસ્ટિઓઆર્થ્રાઇટિસ કે ઑસ્ટિઓપોરોસિસ ન આવે. બીજી વાત એ કે જો આ ઉંમરે કોઈ સાંધામાં તકલીફ આવી કે શરીરમાં કળતર આવી જે સરળતાથી ૨-૪ દિવસ કે ૧૦-૧૫ દિવસમાં જાય નહીં તો સ્ત્રીએ આ બાબતે ગંભીર બનવાની જરૂર રહે છે. આ તકલીફ વિશે ચકાસણી કરીએ ત્યારે ખબર પડે છે કે કોઈ કેસમાં આ રૂમૅટૉઇડ આર્થ્રાઇટિસ હોઈ શકે છે, કારણ કે આ રોગ કોઈ પણ ઉંમરે સંભવી શકે છે. જો એ ન હોય તો હૉર્મોનલ કારણો પણ હોઈ શકે છે. એ હકીકત છે કે હૉર્મોનલ બદલાવ અહીં હું શબ્દ બદલાવ વાપરું છું, ઇમ્બૅલૅન્સ નહીં. સામાન્ય બદલાવ પણ આવે તો એની અસર હાડખાં, સ્નાયુ અને સાંધા પર થઈ શકે છે. બધામાં એ નથી થતું, પરંતુ ઘણી સ્ત્રીઓમાં એ થાય છે. સાયન્સ હજી સુધી સાબિત નથી કરી શક્યું કે હૉર્મોનલ ફેરફાર આવે તો એની અસર હાડકાં અને સ્નાયુ પર કેમ થાય છે. એ સંબંધ સ્પષ્ટ નથી થઈ શક્યો, પરંતુ પ્રૅક્ટિસ દરમ્યાન અમે એ જોયું છે કે દરદીઓમાં આ કારણોસર શારીરિક પેઇન જોવા મળે છે. જરૂરી છે કે તમે યોગ્ય તપાસ કરાવો અને એનું નિદાન થાય કે તમને આ તકલીફ કેમ આવી છે. જો એ નહીં કરો તો તકલીફ વધતી જશે. ઘરગથ્થું ઉપાયોથી કે આરામ કરવાથી પણ તમને સારું નથી થઈ રહ્યું, એનો અર્થ એ કે આ બાબત અવગણવા જેવી નથી.

columnists health tips