ચારકોલથી દાંત ચમકશે કે નહીં એ તો ખબર નહીં, ખરાબ જરૂર થશે

10 June, 2022 10:23 AM IST  |  Mumbai | Sejal Patel

જેમ ત્વચા પરથી હાનિકારક દ્રવ્યો ખેંચાઈ જાય એ માટે ચારકોલ પ્રોડક્ટ્સ બહુ ફેમસ થઈ છે એવું જ દાંત માટે પણ થઈ રહ્યું છે. સફેદ દાંત માટે આવી ટૂથપેસ્ટ વાપરવાનો આ નવો ટ્રેન્ડ કઈ રીતે જોખમી બની શકે એમ છે એ નિષ્ણાત પાસેથી જાણી લો

ચારકોલ ટૂથપેસ્ટથી બૅડ બ્રેથની સમસ્યામાં પણ સુધારો જોવા મળે છે એવું કહેવાયું છે. આ બન્ને વાતનો ક્યાંય કોઈ પુરાવો નથી

સ્કિન-કૅર પ્રોડક્ટમાં તો સ્ક્રબ્સ અને ફેસમાસ્કમાં ચારકોલની બોલબાલા જબરી વધી છે. એમ જ હવે ટીથ વાઇટનિંગમાં પણ ચારકોલનો યુઝ વધી રહ્યો છે. પહેલાં તો ચારકોલવાળાં દંતમંજન પ્રચલિત હતાં, પણ હવે તો એની ટૂથપેસ્ટ આવી ગઈ છે. સ્કિન માટે વપરાય છે ઍક્ટિવેટેડ ચારકોલ અને દાંત માટે જે વપરાય છે એ ચારકોલ હોય છે અને આ ટૂથપેસ્ટ્સનો દાવો છે કે એનાથી તમારા દાંત મસ્ત ચમકીલા અને સફદ થઈ જશે. છેલ્લા એકાદ વરસમાં આ ટ્રેન્ડે જબરો વેગ પકડ્યો છે, પણ એમાં ફાચર પાડે એવો એક અભ્યાસ તાજેતરમાં થયો છે અને સફેદી માટે ચારકોલ ટૂથપેસ્ટ વાપરતા હો તો ચેતી જવું જોઈએ એવી લાલબત્તી થઈ છે. અભ્યાસ કહે છે કે ટૂથપેસ્ટમાં વપરાયેલા ચારકોલના કણો જો મોટા હોય તો એનો લાંબા ગાળે ઉપયોગ ત્વચાની ઉપરના ઇનૅમલને ઘસી નાખે છે. બીજું, માર્કેટમાં મળતી ચારકોલ ધરાવતી ટૂથપેસ્ટ બ્રૅન્ડ્સમાં ફ્લૉરાઇડનો અભાવ હોય છે. એને કારણે ચારકોલ ટૂથપેસ્ટથી ઇનૅમલને પ્રોટેક્શન નથી મળતું અને સાથે કૅવિટીથી પણ રક્ષણ નથી મળતું. આવી લાલબત્તી હોવા છતાં સફેદ દાંત માટેનો ક્રેઝ એટલો છે કે યંગ એજના લોકોને ચારકોલ ટૂથપેસ્ટ વધુ આકર્ષી રહી છે. ચારકોલ ટૂથપેસ્ટ કરતાં વધુ જોખમી આ સફેદીનો ક્રેઝ છે એવું અનુભવી ડેન્ટિસ્ટોનું માનવું છે. લગભગ પચીસ વર્ષનો બહોળો અનુભવ ધરાવતા ઑર્થોડોન્ટિસ્ટ ડૉ. રાજેશ કામદાર કહે છે, ‘મૂળ સમસ્યા ચારકોલની ટૂથપેસ્ટ નહીં, દાંત તો સફેદ જ હોવા જોઈએ એવો ક્રેઝ છે. જેમ ત્વચાનો રંગ બધાનો જુદો-જુદો હોય છે એમ દાંતનો રંગ નૅચરલી જ જુદો હોય છે. જો તમે કાળી ત્વચાને ગોરી કરવા માટેની જાતજાતની અતરંગી ટ્રીટમેન્ટ્સ કરો તો એની આડઅસરો પણ ભોગવવી પડે છે એવું જ દાંતનું છે. દાંત સફેદ જ હોવા જોઈએ એવું જરૂરી નથી, પણ એ સ્વચ્છ હોવા મસ્ટ છે. તમારે દાંત સફેદ જોઈએ છે કે સ્વચ્છ એ દરેકની અંગત ચૉઇસનો મામલો છે. ધારો કે તમે એવા પ્રોફેશનમાં હો કે જેમાં બ્યુટી ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ તો તમે ટીથ વાઇટનિંગને વધુ મહત્ત્વ આપો એવું બને.’
કુછ ખો કર પાના હૈ
ટીથ વાઇટનિંગ માટેની કોઈ પણ પ્રકારની ટ્રીટમેન્ટ હોય એમાં તમારે કશુંક ખોઈને જ પામવાનું છે. એવું કઈ રીતે એ સમજાવતાં ડૉ. રાજેશ કામદાર કહે છે, ‘દાંતનો રંગ ઇનૅમલ એટલે કે દાંતનું સૌથી ઉપરનું આવરણ કેટલું ઓપેક છે કે ટ્રાન્સલ્યુસન્ટ છે એના પર નિર્ભર છે. બાકી ઇનૅમલની અંદરનું ડેન્ટિન તો હળવા પીળા રંગનું જ હોય છે. જ્યારે તમે દાંતને સફેદ કરવા માટે કોઈ પણ પ્રકારની પ્રક્રિયા કરો છો એનાથી ઇનૅમલ ઘસાય છે. સામાન્ય રીતે ઇનૅમલ તમારાં હાડકાં કરતાં પણ વધુ સ્ટ્રૉન્ગ હોય છે, પણ ટીથ વાઇટનિંગ પ્રક્રિયા એને નબળું પાડે છે અને લાંબા ગાળે ટીથ સેન્સિટિવિટી થઈ શકે છે. બ્લી‌‌ચિંગની જે ટ્રીટમેન્ટ છે એ તમારે દર બે-ત્રણ વર્ષે કરાવવી જ પડે છે અને વારંવારની ટ્રીટમેન્ટ સરવાળે દાંતને વધુ સેન્સિટિવ બનાવે છે. આમ જો તમે અત્યારે સફેદી મેળવવા બેફામ ટ્રીટમેન્ટ્સ કરશો તો આગળ જતાં સેન્સિટિવિટી માટે તૈયાર રહેવું પડે.’
દાવા જ છે, પુરાવા નહીં
ચારકોલ ટૂથપેસ્ટથી દાંત સફેદ થવાની સાથે બૅડ બ્રેથની સમસ્યામાં પણ સુધારો જોવા મળે છે એવું કહેવાયું છે. આ બન્ને વાતનો ક્યાંય કોઈ પુરાવો નથી, પણ નુકસાન થવાના ચાન્સિસ પૂરા છે એમ જણાવતાં ડૉ. રાજેશ કહે છે, ‘ટૂથપેસ્ટમાં જો ચારકોલના કરકરા કણો હોય તો એ દાંતના ઇન‍ૅમલ પર સૅન્ડ પેપર જેવી અસર કરે છે. એનાથી દાંત લીસા થાય છે અને ટેમ્પરરી ચમકે પણ છે. જોકે એ ઇનૅમલને ઘસી નાખે છે. કાળો પાઉડર ઘસ્યા પછી અચાનક દાંત ઊજળા દેખાય છે એ પણ એક કૉન્ટ્રાસ્ટ ઇફેક્ટ જ હોય છે, વધુ કંઈ નહીં. સામાન્ય રીતે સ્વસ્થ પેઢાં ગુલાબી રંગનાં હોવાં જોઈએ, પણ જ્યારે પેઢાં નબળાં પડે તો એ લાલ કે કાળાશ પડતાં થઈ જાય છે. લાલ કે કાળાં પેઢાંની સરખામણીએ દાંત આમેય થોડાક સફેદ દેખાય એવું બની જ શકે છે. ’

હેલ્ધી ટીથ માટેની મહત્ત્વની ટિપ્સ
 તમે કોઈ પણ ટૂથપેસ્ટ વાપરો, બ્રશિંગ પ્રૉપરલી થાય એ જરૂરી છે. 
 દિવસમાં બે વાર બ્રશ કરવું. રાતે સૂતી વખતે ભૂલ્યા વિના કરવું.
 દર વર્ષે એક વાર ડેન્ટલ ચેક-અપ કરવું.

 ચારકોલ હોય કે બીજી કોઈ પણ ચીજ, દાંતને પરાણે સફેદ કરવાની ઘેલછા જ ખોટી છે. જો જીદ રાખવી જ હોય તો દાંત અને પેઢાંની સ્વચ્છતા, સ્વસ્થતા અને મજબૂતાઈની રાખો. 
ડૉ. રાજેશ કામદાર

 ચારકોલ ટૂથપેસ્ટથી બૅડ બ્રેથની સમસ્યામાં પણ સુધારો જોવા મળે છે એવું કહેવાયું છે. આ બન્ને વાતનો ક્યાંય કોઈ પુરાવો નથી

સ્કિન અને દાંત માટે વપરાતા ચારકોલમાં ફરક 

ચારકોલ એટલે કોલસો. જોકે સ્કિન કે ટીથ માટે જે વપરાય છે એ સાદો કોલસો નથી હોતો, પણ ઍક્ટિવેટેડ ચારકોલ હોય છે. એની દાંત પર કે સ્કિન પર શું અસર થાય છે એ જાણવા માટે પહેલાં તો સમજવું જરૂરી છે કે ચારકોલ અને ઍક્ટિવેટેડ ચારકોલમાં ફરક શું છે?  સામાન્ય રીતે લાકડું અડધુંપડધું બળ્યા પછી જે રહે એમાંથી કોલસો બને છે. આ કોલસો ઓછા તાપમાને અને નહીંવત ઑક્સિજનની વચ્ચે બનાવવામાં આવે છે. પણ જ્યારે લાકડાને ખૂબ ઊંચા તાપમાપે બાળવામાં આવે છે ત્યારે એમાંથી ઍક્ટિવેટેડ ચારકોલ મળે છે. એમાં વધુ માત્રામાં નાનાં-નાનાં છિદ્રો પડે છે. એ વજનમાં બહુ હલકો હોય છે અને એની કોઈ પણ કચરાને શોષી લેવાની ક્ષમતા સારી હોય છે. ઍક્ટિવેટેડ ચારકોલ કોઈ પણ મટીરિયલનું ફિલ્ટરિંગ કરવાનું હોય તો એ પણ વધુ અસરકારક રીતે કરી લે છે. 

અપવાદ શું છે?

રાજસ્થાન અને નૉર્થ ગુજરાતના વિસ્તારોમાં કૂવાના પાણીમાં ખૂબ ઊંચી માત્રામાં ક્ષાર હોવાથી એની અસર દાંત પર દેખાતી હોય છે એમ જણાવતાં ડૉ. રાજેશ કહે છે, ‘વધુપડતા ક્ષારને કારણે દાંત પર ફ્લોરાઇડની જમાવટ થાય છે અને દાંત પીળા જ નહીં, બ્રાઉનીશ થઈ જાય છે. આવા કેસમાં દાંત પરના ક્ષારને રીમૂવ કરવા માટે વાઇટનિંગ ટ્રીટમેન્ટ મૉડરેટ પ્રમાણમાં ચોક્કસ કરાવી શકાય.’

sejal patel columnists health tips