હું પ્રી-ડાયાબેટિક સ્ટેજ પર છું, શું મારો ડાયાબિટીઝ મટશે?

23 March, 2021 12:48 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તો શું હું ડૉક્ટર પાસે ન જાઉં તો ચાલે કે પછી મારે ડાયાબિટીઝની દવાઓ લેવી જ પડશે?

પ્રતીકાત્મક તસવીર

હું ૩૨ વર્ષની છું. મારા ઘરમાં બધા જ વડીલોને ડાયાબિટીઝ છે. અમારા ઘરમાં શુગર માપવાનું મશીન છે. હું જ બધાની શુગર માપું છું. હમણાં મને થયું કે લાવ હું મારી શુગર જોઉં. મેઇન ટેસ્ટ કરી તો શુગર થોડી વધુ આવી એટલે મારા ફૅમિલી ફિઝિશ્યનના કહેવા મુજબ મેઇન ૩ મહિનાની શુગરની ટેસ્ટ પણ કરાવી. એ રિપોર્ટ કહે છે કે હું પ્રી-ડાયાબેટિક સ્ટેજ પર છું. મેં સાંભળ્યું છે કે ડાયટ અને એક્સરસાઇઝથી ડાયાબિટીઝ પાછું મોકલી શકાય. તો શું હું ડૉક્ટર પાસે ન જાઉં તો ચાલે કે પછી મારે ડાયાબિટીઝની દવાઓ લેવી જ પડશે?

ડાયાબિટીઝ થયું નથી એ પહેલાં જ ખબર પડી ગઈ કે શુગર વધી રહી છે અને તમે ડાયાબિટીઝ તરફ આગળ વધી રહ્યા છો એ ઘણું સારું થયું. મહત્ત્વનું એ છે કે તમારી ઉંમર હજી ઘણી નાની છે અને આ ઉંમરમાં ડાયાબિટીઝની તકલીફ આવવી એ યોગ્ય નથી. તમે લખ્યું નથી, પરંતુ હું ધારું છું કે ફક્ત જિનેટિક કારણસર જ તમને આટલી નાની ઉંમરે ડાયાબિટીઝ નહીં આવ્યું હોય. તમારી લાઇફસ્ટાઇલ પણ ખોટી હશે. ડાયાબિટીઝને પાછું મોકલવું શક્ય છે, પરંતુ એ માટે તમારે મહેનત કરવી પડશે. ડાયટ સુધારો, એક્સરસાઇઝ કરો. લાઇફસ્ટાઇલ એકદમ હેલ્ધી કરો. રૂટીનમાં રહો. નિયમિત રાતની ઊંઘ લો. શરીરનું વજન બરાબર રાખો. માનસિક રીતે પણ સ્વસ્થ રહો. ચિંતા, સ્ટ્રેસ અને ગુસ્સો છોડો. જ્યારે તમારા શરીરનું બૅલૅન્સ જળવાશે તો આપોઆપ શરીર પોતે જ તમારી સિસ્ટમને સ્વસ્થ કરશે. ઓબેસિટી અને ડાયાબિટીઝને પણ સીધો સંબંધ છે માટે જો તમે ઓવર-વેઇટ હો તો વજન ઉતારો. અહીં એક વાત મહત્ત્વની છે કે પ્રી-ડાયાબેટિક સ્ટેજ પર પણ જનરલ ચેક-અપ જરૂરી છે જેમાં લીપીડ પ્રોફાઇલ, લિવરની બેઝિક ટેસ્ટ, બ્લડપ્રેશર મહત્ત્વના છે. આ બધા રિપોર્ટ્સ અને ઍનૅલિસિસ પછી તમારા ડૉક્ટર નક્કી કરશે કે દવાની જરૂર છે કે નહીં. મહત્ત્વની વાત એ છે કે ડાયાબિટીઝ એક વખત આવ્યું એટલે એનો અર્થ એ નથી કે જીવનભર એ રહે. મહેનત કરીએ અને સાચી દિશામાં પ્રયત્ન કરીએ તો ડાયાબિટીઝને પાછું ધકેલી શકાય.

health tips columnists Dr. Mita Shah