થાકની સાથે પાચનમાં પણ ગરબડ રહે છે

17 May, 2023 04:13 PM IST  |  Mumbai | Dr. Sushil Shah

શુગર ભલે નૉર્મલ લેવલ પર હોય, પરંતુ જે વ્યક્તિને આટલા લાંબા સમયથી ડાયાબિટિઝ હોય એમનું શુગર લેવલ એકદમ વધારે કન્ટ્રોલમાં હોય એનો મતલબ એ કે દિવસના કોઈ ભાગમાં કદાચ શુગર એકદમ ઓછી થઈ જતી હોય

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)

મારાં સાસુ ૬૨ વર્ષનાં છે. ૧૫ દિવસ પહેલાં એ પાંચ કિલોમીટર દરરોજ ચાલવા જતાં હતાં. હવે અચાનક તેમણે પથારી પકડી લીધી છે. થોડું ચાલે તો એમને ખૂબ થાક લાગે છે, સખત બૉડી-પેઇન છે. છેલ્લા કેટલાક દિવસથી એમને ઊલટી, ડાયેરિયા અને કબજિયાત આવું સતત રહ્યા જ કરે છે. અમે ફુલ બૉડી ચેક-અપ કરાવી, પરંતુ એમાં કશું નીકળતું પણ નથી. બધા રિપોર્ટ નૉર્મલ છે. એમને ૧૦ વર્ષથી ડાયાબિટીઝ છે, એમની શુગર એકદમ નૉર્મલ છે. બ્લડ પ્રેશર સારું જ છે. આ સિવાયના ફુલ બૉડી ચેક-અપના રિપોર્ટ્સ તમને મોકલું છું. એમની હાલત માટે શું કરીએ. 
 
 તમે જે રિપોર્ટ્સ કરાવ્યા છે એ મેં જોયા, સારું છે કે એમના બધા રિપોર્ટ્સ નૉર્મલ છે. એમની જે પરિસ્થિતિ છે એ મુજબ બે વસ્તુ હાલમાં ચેક કરવાની જરૂર છે. એક તો એમની શુગર. એમની શુગર ભલે નૉર્મલ લેવલ પર હોય, પરંતુ જે વ્યક્તિને આટલા લાંબા સમયથી ડાયાબિટિઝ હોય એમનું શુગર લેવલ એકદમ વધારે કન્ટ્રોલમાં હોય એનો મતલબ એ કે દિવસના કોઈ ભાગમાં કદાચ શુગર એકદમ ઓછી થઈ જતી હોય. તો એ માટે દિવસ દરમ્યાન સતત ૩-૪ દિવસ તમે શુગર માપો. ફક્ત એક દિવસની ફાસ્ટિંગ કે જમ્યા પછીની શુગરથી વાત પતતી નથી. બીજું એ કે જ્યારે આ પ્રકારનાં ચિહ્‍‍નો હોય તો એક ઇલેક્ટ્રૉલાઇટ્સ ચેક કરવા જરૂરી બને છે. સોડિયમ, પોટેશિયમ, કેલ્શિયમ જેવા કોઈ પણ ખનિજ તત્ત્વોની કમી જો આવી ગઈ હોય તો આ પ્રકારનાં ચિહ્‍‍‍નો હોઈ શકે છે. ખાસ કરીને જો શરીરમાંથી સોડિયમનું પ્રમાણ ઘટી જાય તો થાક લાગે જ છે, એની સાથે પેટના પ્રૉબ્લેમ્સ પણ જોવા મળે છે. માટે પહેલાં એ ચેક કરાવો. શુગર અને સોડિયમ જેમ વધે તો પ્રૉબ્લેમ છે એના કરતાં જો એ ઘટી જાય તો વધુ પ્રૉબ્લેમ છે, માટે એ બન્ને તત્ત્વો શરીરમાંથી બિલકુલ ઘટવા ન જોઈએ. એનું પ્રમાણ જળવાઈ રહે એ માટે શુગરનું આખા દિવસનું મૉનિટરિંગ એટલે કે સવારે ૬ વાગ્યે ફાસ્ટિંગ શુગર, નાશ્તા પછીના બે કલાકે, જમ્યા પહેલાં અને જમ્યા પછીના બે કલાકે એટલે કે બે ટંક જમો તો એ દરમ્યાન ચાર વાર અને રાત્રે ૩ વાગ્યે. આ પ્રકારે શુગર મૉનિટર કરવાથી જો એ આખા દિવસમાં ઘટી જતી હશે કોઈ સમયે તો સમજાશે. બાકી પાણી પ્રમાણસર પીઓ. ન વધુ ન ઓછું, મીઠું પણ એ જ રીતે પ્રમાણસર ખાઓ. ટેસ્ટ કરીને જુઓ અને પરિણામ સાથે તમારા ડૉક્ટરને મળો.

columnists life and style health tips