પતિને ફરીથી કોવિડ થયો છે ત્યારે શું ધ્યાન રાખવું?

29 June, 2022 08:18 PM IST  |  Mumbai | Dr. Sushil Shah

મારા પતિ ૬૮ વર્ષના છે અને તેમને દોઢ વર્ષ પહેલાં કોવિડ થયો હતો ત્યારે હૉસ્પિટલમાં તેઓ ૨૦ દિવસ રહ્યા હતા

પ્રતીકાત્મક તસવીર

મારા પતિ ૬૮ વર્ષના છે અને તેમને દોઢ વર્ષ પહેલાં કોવિડ થયો હતો ત્યારે હૉસ્પિટલમાં તેઓ ૨૦ દિવસ રહ્યા હતા. માંડ મોતને હાથતાળી દઈને તેઓ ઘરે આવ્યા હતા. તેમને ડાયાબિટીઝ છે, પણ એ દવાથી કન્ટ્રોલમાં રહે છે. એ પછી રિકવરી આવતતાં પણ તેમને વાર લાગી હતી. હાલમાં કેટલું બધું ધ્યાન રાખવા છતાં ફરી તેમને કોવિડ થયો છે. પહેલા દિવસે તેમને તાવ આવેલો, બીજા દિવસે શરદી થઈ અને આજે ડાયેરિયા જેવું છે. અમારે રિસ્ક નહોતું લેવું એટલે ટેસ્ટ કરાવી અને એ પાઝિટિવ આવી. તેમની હાલત બગડી શકવાની શક્યતા કેટલી? તેમણે બન્ને વૅક્સિન અને બૂસ્ટર ડોઝ પણ લીધો છે છતાં મને ખૂબ બીક લાગે છે.  

કોવિડ ઇન્ફેક્શન હમણાં ઘણું ફેલાયેલું છે. એક વખત કોવિડ થયો એટલે બીજી વખત નહીં થાય એવું જરાય નથી. એક વખત રસી લઈ લીધી એટલે બીજી વખત કોરોના નહીં થાય એવું જરાય નથી. હા, એ ચોક્કસ છે કે એક વખત કોવિડ થઈ ગયો છે અને રસી પણ લઈ લીધી છે તો કદાચ શરીર આ ઇન્ફેક્શન સામે લડવા ઘણું તૈયાર છે. હાલમાં જે કોવિડ વાઇરસ છે કે ઓમાઇક્રોન એ માઇલ્ડ છે જેના થકી લોકો ૨-૩ દિવસમાં ઘરે રહીને જ ઠીક થઈ રહ્યા છે. આ વાઇરસનું આંકલન કરીએ તો ૯૦ ટકા લોકો એવા છે જેમને ઇન્ફેક્શન થાય છે છતાં કોઈ ચિહ્ન દેખાતાં નથી. બચેલા ૧૦ ટકામાંથી પણ ૯૭ ટકા લોકો એવા છે જેમને માઇલ્ડ ચિહ્નો દેખાય છે. બાકીના બચેલા લોકોએ થોડું સાવધ રહેવા જેવું છે. 
મહત્ત્વનું એ છે કે તમે અત્યારે તમારા ફૅમિલી ફિઝિશ્યનના ટચમાં રહો. તેમનું દરરોજનું ટેમ્પરેચર, તેમનું દિવસમાં ૪-૫ વાર ઑક્સિજન-લેવલ અને ૩ વાર શુગર માપતાં રહો. એનાં રીડિંગ તમારા ડૉક્ટરને મોકલવાં ખૂબ જરૂરી છે. એ સિવાય ૬ મિનિટની વૉકિંગ-ટેસ્ટ કરાવવી જરૂરી છે. એ વૉક કર્યા પહેલાંના અને પછીના ઑક્સિજનનું લેવલ ચેક કરીને નોંધવું અને એ પણ ડૉક્ટરને મોકલવું. એ હિસાબે ડૉક્ટર ઇલાજ કરશે. તમારી કન્ડિશન કેટલી સિવિયર છે એ મુજબ નક્કી થઈ શકે કે હૉસ્પિટલ જવું પડશે કે તમે ઘરમાં જ ઠીક થઈ જશો. અત્યારે ગભરાવાની જરૂર નથી અને સાથે ગફલતમાં રહેવાની પણ જરૂર નથી. સતત જાતને તપાસતા રહો અને રીડિંગ સતત ડૉક્ટરને મોકલતાં રહો. 

life and style health tips