બાળકોને વિટામિન ‘ડી’ના સપ્લિમેન્ટ કેટલા સમયે આપવા?

17 September, 2021 07:32 PM IST  |  Mumbai | Dr. Pankaj Parekh

આજકાલનાં બાળકોને વિટામિન ‘ડી’ આપવું જ પડે છે, કારણ કે સૂર્યપ્રકાશમાં એ લોકો વધુ રહેતાં નથી, રહેતાં પણ હોય તો પણ કોઈને કોઈ કારણસર એમનામાં આ ઉણપ જોવા મળે જ છે

પ્રતીકાત્મક તસવીર - શાદાબ ખાન

મારું બાળક ૧૦ વર્ષનું છે અને જ્યારથી કોરોના આવ્યું ત્યારથી સવારના સમયે ઑનલાઈન સ્કૂલને કારણે એ ઘરે જ રહે છે, આથી તડકો એને મળતો જ નથી. શરૂઆતમાં જ્યારે ઇમ્યુનિટી માટે વિટામિન ‘ડી’ના સપ્લિમેન્ટ બધા લેતા હતા ત્યારે મેં એને એનો પૂરો ડોઝ કમ્પ્લીટ કર્યો હતો. આજકાલ એ ફરીથી પગ દુખવાની ફરિયાદ કરે છે. બે દિવસ પહેલાં એને એડીમાં એકદમ જ દુખાવો ઉપડ્યો. ડૉક્ટરને બતાવ્યું તો એમણે કહ્યું કે તેના હાડકાં નબળાં છે. તો શું એને ફરીથી વિટામિન ‘ડી’નો ડોઝ આપવાની જરૂર છે? આદર્શ રીતે બાળકોને વિટામિન ‘ડી’ના સપ્લિમેન્ટ કેટલા સમયે આપવા?

આજકાલનાં બાળકોને વિટામિન ‘ડી’ આપવું જ પડે છે, કારણ કે સૂર્યપ્રકાશમાં એ લોકો વધુ રહેતાં નથી, રહેતાં પણ હોય તો પણ કોઈને કોઈ કારણસર એમનામાં આ ઉણપ જોવા મળે જ છે. અમે તો સાવ નવજાત બાળકોને પણ વિટામિન ‘ડી’ના સપ્લિમેન્ટસ આપવાનું કહીએ છીએ, કારણકે મોટા ભાગની માતાઓ વિટામિન ‘ડી’ની ઉણપ ધરાવે છે. એથી એના બાળકને એના દૂધ થકી પણ પૂરતી માત્રામાં વિટામિન ‘ડી’ મળતું નથી, માટે અમે રેક્મેન્ડ કરીએ છીએ કે બાળકોને પહેલા બે વર્ષ સુધી વિટામિન ‘ડી’નો ડોઝ રોજ આપવો.
તમારું બાળક તો મોટું છે અને આ ઉંમરમાં હાડકાંનો વિકાસ ઘણો અગત્યનો છે. એટલું જ નહીં બાળકની ઇમ્યુનિટી માટે પણ વિટામિન ‘ડી’ જરૂરી છે, પરંતુ અહીં મહત્ત્વની વાત એ છે કે તમે વિટામિન ‘ડી’નો ક્યો અને કેટલો ડોઝ લીધો છે એની વાત તમારા ડૉક્ટરને સ્પષ્ટપણે કહો. તો એમને ખબર પડશે કે તમે કયો ડોઝ લીધો છે અને ફરીથી કયો ડોઝ આપવાની જરૂર છે.
જો તમે આખો કોર્સ પૂરો કર્યો હોય છતાં જરૂરત લાગતી હોય તો એમ જ શરૂ કરવાને બદલે એક વખત ટેસ્ટ કરાવી લો. એટલે સમજાય કે જે તકલીફ છે એ વિટામિનની ઉણપને લીધે છે કે પછી બીજા કોઈ કારણસર. વિટામિન ડી લેવું જરૂરી છે, પણ એનો અતિરેક નુકસાન કરે છે. વિટામીન ‘ડી’ના અતિરેકથી કેલ્શિયમ વધુ ડિપોઝિટ થઈ જશે તો એના શરીરમાં સ્ટોન ઉત્પન્ન થઈ શકે છે. માટે ગમે ત્યારે જાતે નક્કી કરીને નહીં, ડૉક્ટરની સલાહ મુજબ જ સપ્લિમેન્ટ લો.

health tips columnists