જો મને કોરોના થાય તો સંતાનોની કેવી કાળજી રાખવાની?

16 March, 2021 01:34 PM IST  |  Mumbai | Pratik Ghogare

આમ તો તેમને કોઈ લક્ષણો નથી છતાં શું તેમની પણ કોરોના ટેસ્ટ કરાવવી પડશે? જો મને કોરોના થયો તો મારાં બાળકોને મારાથી દૂર કરી દેવામાં આવશે? તેઓ મારા વગર નહીં રહી શકે તો હું શું કરું?

પ્રતીકાત્મક તસવીર

ડૉક્ટર, મારા ઘરમાં અત્યારે મારા સસરા કોરોના પૉઝિટિવ થયા છે અને તેમને કદાચ હૉસ્પિટલમાં દાખલ કરવા પડે. કાલે અમારા ઘરમાં બધાની ટેસ્ટ કરાવવાની છે. મારે પાંચ વર્ષનો નાનો દીકરો અને ૧૦ મહિનાની દીકરી છે. મને મારાં બાળકોની ખૂબ ચિંતા થઈ રહી છે. આમ તો તેમને કોઈ લક્ષણો નથી છતાં શું તેમની પણ કોરોના ટેસ્ટ કરાવવી પડશે? જો મને કોરોના થયો તો મારાં બાળકોને મારાથી દૂર કરી દેવામાં આવશે? તેઓ મારા વગર નહીં રહી શકે તો હું શું કરું?

ઘરમાં કોરોના એક વ્યક્તિને થયો એટલે દરેક વ્યક્તિને એનું ઇન્ફેક્શન થવાની શક્યતા ઘણી વધારે રહે છે. પરંતુ જ્યાં સુધી કોરોના ટેસ્ટનો સવાલ છે, જો બાળકોને કોરોનાનાં કોઈ ચિહ્નો ન હોય તો તેમની ટેસ્ટ કરાવવાની જરૂર નથી. જો ચિહ્નો હોય તો પણ ટેસ્ટ ફક્ત કન્ફર્મ કરવા પૂરતી જ કામની છે, કારણ કે વયસ્ક લોકોને જે પ્રકારની ટ્રીટમેન્ટ આપવામાં આવે છે એ બાળકોને અપાતી નથી. ખૂબ સારી બાબત એ છે કે કોરોનાનું ઇન્ફેક્શન બાળકોમાં બહુ ગંભીર રૂપ ધારણ કરતું નથી. જો તમારાં બાળકોને કોરોના થયો તો પણ તેમની ઇમ્યુનિટી વડે એ લોકો વાઇરસ સામે લડી લેશે.
બીજું, ધારો કે તમને કોરોના થયો તો બાળકોનું શું? આદર્શ રીતે તમને કોરોના થયો તો તમે બાળકોથી જેટલાં દૂર રહી શકો તમારે રહેવું જોઈએ. જોકે તમારે ૧૦ મહિનાની બાળકી છે જે સ્તનપાન કરતી હશે. તમે કોરોના પૉઝિટિવ હો તો પણ તેનું સ્તનપાન બંધ ન જ કરતાં. તમે હાથ સાબુથી ૨૦ સેકન્ડ સુધી ધોઈને જ બાળકને અડશો. ઘરમાં પણ તમે N95 માસ્ક પહેરી રાખજો. બાળકોને જો કોઈ લક્ષણ દેખાય જેમ કે ઝાડા-ઊલટી-શરદી કે તાવ તો તેમને લક્ષણલક્ષી દવા તેમના ડૉક્ટરને કન્સલ્ટ કરીને આપજો. બાકી કોરોનાથી પ્રોટેક્શન માટે બાળકોને વિટામિન D, વિટામિન C અને ઝિન્ક જેવાં સપ્લિમેન્ટ આપવામાં આવે છે જે તેના ડૉક્ટરને પૂછીને તમે શરૂ કરી શકો છો. એ સિવાય ૧૪ દિવસ સુધી તમારા બાળકને બીજા કોઈના સંપર્કમાં ન આવવા દેતાં. બાળકો આ રોગના વાહક બનીને એને ફેલાવી શકે છે એ ધ્યાન રાખવું.

લેખક ત્રણ દાયકાથી વધુનો અનુભવ ધરાવતા પીડિયાટ્રિશ્યન છે અને કૅમ્પ્સ કૉર્નર પાસે ક્લિનિક ધરાવે છે. તેમનું માર્ગદર્શન જોઈતું હોય તો સબ્જેક્ટમાં ઓ.પી.ડી. લખીને સવાલ અહીં મોકલવો.
askgmd@mid-day.com

health tips columnists