જાતે બ્રેસ્ટની તપાસ કરવા શું કરવું?

09 May, 2023 05:16 PM IST  |  Mumbai | Dr. Meghal Sanghavi

નિપલમાંથી કોઈ ડિસ્ચાર્જ થતો હોય તો ડૉક્ટરને બતાવવું જરૂરી છે

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)

હું ૪૨ વર્ષની છું. થોડા મહિના પહેલાં મને બ્રેસ્ટ થોડી કડક લાગતી હોવાથી ગભરાઈને હું ડૉક્ટર પાસે ગઈ હતી. તેમણે ચેક કરીને કહ્યું કે મને કોઈ જ તકલીફ નથી. અમારા ઘરમાં બે સ્ત્રીને બ્રેસ્ટ-કૅન્સર આવ્યું ત્યારથી મને એ વાત મૂંઝવે છે કે મને તો એ નહીં આવે? પરંતુ એ કઈ રીતે ખબર પડે? ડૉક્ટર પાસે હંમેશાં દોડી જવાનું યોગ્ય નથી. એક વાર મેં મારી હાંસી ઉડાવી દીધી, પણ વારંવાર તો એવું કરવું યોગ્ય લાગતું નથી. હું શું કરું? 
 
 તમે જે કર્યું એના પર શરમ નહીં અનુભવો. ઊલટું એ સારું જ છે કે તમે આ બાબતે જાગરૂક છો. ડૉક્ટર પાસે દોડી જવામાં કોઈ શરમ જેવું હોતું નથી. તમને શંકા લાગે તો એ જ સાચો ઉપાય છે, છતાં અમુક ટેક્નિક વડે તમે ઘરે પણ એક્ઝામિન કરી શકો છો. જે માટે એક ફૂલ સાઇઝ અરીસા સામે કપડાં વગર ખુલ્લી છાતીએ ઊભા રહો. હાથ એકદમ રીલેક્સ રાખો. બ્રેસ્ટને બન્ને બાજુ ફેરવીને એકબીજા સાથે સરખાવો. કોઈ પણ ફેરફાર જેમ કે બ્રેસ્ટની સાઇઝમાં, આકારમાં, ઉપરની સ્કીનના રંગ કે ટેક્સ્ચરમાં આવ્યો હોય તો એ નોંધો. જો બ્રેસ્ટનો કોઈ ભાગ રેડ થઈ ગયો હોય, કોઈ જગ્યાએ ખાડો આવ્યો હોય, ક્યાંયથી કોઈ ભાગ સંકોચાઈ ગયો હોય કે કોઈ જાતનું ખેંચાણ અનુભવાતું હોય તો એ નોંધો. બ્રેસ્ટમાં નિપલમાં કોઈ પ્રકારનો બદલાવ આવ્યો હોય જેમ કે બન્ને નિપલની દિશા જુદી-જુદી હોય, જેમ કે એક સીધી હોય અને એક થોડી ત્રાંસી લાગે અથવા એક બાજુ તરફ ખેંચાયેલી લાગે. બીજું એ કે નિપલની ત્વચામાં કોઈ ફેરફાર આવ્યો હોય તો એ ચકાસો. કોઈ વાર એમ મસજ ન પડે તો બન્ને હાથ ઉપર સીધા કરો અને જુઓ કે બન્ને બ્રેસ્ટ અને નિપલ એક જ દિશા તરફ ઊંચકાઈ છે કે બન્નેમાં કોઈ ફરક દેખાય છે. આ પોઝિશનમાં કોઈ ફરક હશે તો એ તરત જ સામે આવશે.

કમર પર હાથ રાખો અને નીચેની તરફ ઝૂકો. બ્રેસ્ટ જ્યારે નીચે તરફ જાય ત્યારે એ બન્નેના આકારમાં કોઈ ફેરફાર થાય છે કે નહીં એ ચકાસો. નિપલમાંથી કોઈ ડિસ્ચાર્જ થતો હોય તો ડૉક્ટરને બતાવવું જરૂરી છે. બ્રેસ્ટની ડાબી-જમણી ઉપરની અને ડાબી-જમણી નીચેની બાજુઓને એટલે કે હાથની હથેળી વડે દબાવીને ચકાસો. આટલું પતે એટલે બેડ પર સૂઈ જાઓ અને બગલને પણ હથેળી વડે ચકાસો. બગલમાં કોઈ ગાંઠ છે કે કડક શું લાગે છે એ સમજો. આમાંથી કંઈ પણ ગરબડ લાગે તો તરત ડૉક્ટરને મળો.

columnists cancer health tips life and style