મલ્ટિ-ટાસ્કિંગ મોટી ઉંમરે કઈ રીતે શીખાય?

01 December, 2021 05:32 PM IST  |  Mumbai | Dr. Shirish Hastak

હવે જતી જિંદગીએ અચાનક એકલા થઈ જવાથી બધી જવાબદારી મારા પર આવી ગઈ છે. શું આ ઉંમરે મગજને મલ્ટિટાસ્ક કરવા કેળવી શકાય? 

મિડ-ડે લોગો

મારી ઉંમર ૬૭ વર્ષ છે. છેલ્લાં બે-ત્રણ વર્ષથી મારું મગજ સ્લો થઈ ગયું હોય એવું મને લાગે છે. ખાસ કરીને પહેલાંની જેમ મલ્ટિટાસ્કિંગ મારાથી થતું નથી. એક સમયે એકસાથે બે-ત્રણ કામ આવી જાય તો હું કન્ફ્યુઝ્ડ થઈ જાઉં છું. ખબર નહીં, કેમ આવું થાય છે. પહેલાં જે કામ સરળતાથી કરી શકતો હતો એ હવે થતાં નથી. આમ પણ બહુ મલ્ટિટાસ્ક મેં કર્યા નથી જીવનમાં. હવે જતી જિંદગીએ અચાનક એકલા થઈ જવાથી બધી જવાબદારી મારા પર આવી ગઈ છે. શું આ ઉંમરે મગજને મલ્ટિટાસ્ક કરવા કેળવી શકાય? 
   
હકીકત એ છે કે તમે તમારા મગજને જે રીતે કેળવો એ રીતે એ કેળવાય છે. જો તમે એની પાસેથી ઓછું કામ લો તો એ એટલું જ કામ કરવા સક્ષમ બને છે અને વધુ કામ લો તો એની સક્ષમતા વધે છે. આ ટ્રેઇન કરવાની જે પ્રોસેસ છે એ બધાની જુદી-જુદી છે અને એ જુદો-જુદો સમય લઈ શકે છે, પરંતુ મલ્ટિટાસ્કિંગ બધા જ લોકો માટે શક્ય છે. મહત્ત્વનું એ નથી કે તમે એક સમયમાં પાંચ કામ કરો. મહત્ત્વનું એ છે કે એક સમયમાં એક કામ પણ વ્યવસ્થિત કરો. વધુ કામ માથે લઈને મગજને બિનજરૂરી સ્ટ્રેસ આપવાની જરૂર નથી. મલ્ટિટાસ્કિંગ વગર જ પહેલાંના લોકો જીવતા હતા અને ખૂબ સારું જીવન જીવતા, છતાં એ કરવું હોય તો ડેવલપ ચોક્કસ કરી શકાય.
એકસાથે જ્યારે બે-ત્રણ કામ કરવાની શરૂઆત કરો ત્યારે કયું કામ ખૂબ જરૂરી છે અને કયું કામ ઓછું જરૂરી છે એનું વર્ગીકરણ મગજમાં તૈયાર હોવું જોઈએ જેથી કામની ગુણવત્તા પર અસર ન પડે. મલ્ટિટાસ્કિંગમાં સૌથી મહત્ત્વનું છે પ્લાનિંગ. કેટલા સમયમાં, કયું કામ, કઈ રીતે ખતમ કરવાનું છે એ પ્લાનિંગ સાથે જો મલ્ટિટાસ્કિંગ કરશો તો બધાં કામ વ્યવસ્થિત કરી શકશો. ૧૦ કામ એકસાથે કરતી વખતે સ્ટ્રેસ આવશે જ, પરંતુ એ સ્ટ્રેસને કઈ રીતે મૅનેજ કરવો એ પણ શીખવું ખૂબ જ જરૂરી છે. જો એ સ્ટ્રેસ તમે મૅનેજ ન કર્યો તો ઊલટું તમારું કામ ખરાબ થશે. બને કે એ દસ કામ તો શું એક કામ પણ તમે ઢંગથી પૂરું ન કરી શકો. મલ્ટિટાસ્કિંગની આદત ધીમે-ધીમે વિકસે છે. પોતાને પૂરતો સમય આપો. શરૂઆતમાં વધુ અપેક્ષાઓ રાખો નહીં. ન શક્ય બને તો એ કરવાનું છોડી પણ ન દો. મલ્ટિટાસ્કિંગ એવી આદત છે જે કરતાં-કરતાં ધીમે-ધીમે એ તમારી આવડત બની જશે.

health tips columnists