સ્તન પરની ગાંઠ દૂધની છે કે કૅન્સરની એ કેવી રીતે ખબર પડે?

26 October, 2021 06:54 PM IST  |  Mumbai | Dr. Meghal Sanghavi

પમ્પની મદદથી દૂધ કાઢી લેવું અને એને બરાબર પ્રિઝર્વ કરીને બાળકને પીવડાવવું જોઈએ, કારણ કે દૂધ આટલા કલાકો સ્તનમાં ભરાઈ રહે તો આપણને ગાંઠ જેવું લાગ્યા કરે છે

પ્રતીકાત્મક તસવીર

મારી ઉંમર ૩૨ વર્ષની છે. મને ૮ મહિનાનું બાળક છે. હું એને સ્તનપાન કરાવું છું.  હું વર્કિંગ છું. છેલ્લા બે મહિનાથી ઑફિસે જવાનું શરૂ કર્યું છે. જોકે હું ઑફિસે જતાં પહેલાં અને પછી આવીને મારા બાળકને સ્તનપાન કરાવું છું. છેલ્લા થોડા સમયથી મને મારા સ્તનમાં ગાંઠ જેવું જણાય છે. મેં મારાં સાસુને કહ્યું તો તેમણે કહ્યું કે આ તો દૂધની ગાંઠ છે, દૂધ વધુ આવતું હોય તો ગાંઠ થઈ જાય છે. જો એવું હોય તો દૂધ જ્યારે બાળક પી લે પછી એ ગાંઠ ઓછી પણ થઈ જવી જોઈએ. જોકે એવું થતું નથી. શું મારી આ ગાંઠ દૂધની જ છે કે કંઈ બીજું પણ હોઈ શકે?

સૌથી સારી બાબત એ છે કે તમે કશું માનીને બેસી ગયાં નથી. તમને શંકા થઈ રહી છે કે તમને શું થયું છે? ઘણી સ્ત્રીઓ માનીને બેસી જાય છે કે તેમને કોઈ તકલીફ નથી, જેને કારણે કૅન્સર જેવા મહાભયંકર રોગનું નિદાન ઘણું મોડું થાય છે. તમને બ્રેસ્ટ કૅન્સર છે એવું માનીને પાછાં ગભરાઈ પણ ન જતાં. જ્યાં સુધી ચેક ન થાય ત્યાં સુધી કંઈ કહી શકાય નહીં. હા, એ વાત સાચી કે સ્તનપાન કરાવતી માને જો તેના સ્તનમાં ગાંઠ જેવું લાગે તો એ મોટા ભાગે દૂધની જ ગાંઠ હોય છે. વાત અહીં છે ગફલતમાં ન રહેવાની. એટલે જ જે પણ શક્યતાઓ  છે એ બધી જ વિચારી લેવી જોઈએ. 

તમે હમણાં જ ઑફિસ ચાલુ કરી. ત્યાં જે ૮-૧૦ કલાક કામ કરો છો એટલા કલાકો તમે બાળકને બિલકુલ દૂધ પીવડાવી શકતાં નથી. તો કંઈ વાંધો નહીં. આ સમયે તમારે પમ્પની મદદથી દૂધ કાઢી લેવું અને એને બરાબર પ્રિઝર્વ કરીને બાળકને પીવડાવવું જોઈએ, કારણ કે દૂધ આટલા કલાકો સ્તનમાં ભરાઈ રહે તો આપણને ગાંઠ જેવું લાગ્યા કરે છે. આ દૂધ ખાલી થાય તો એ ગાંઠા છૂટા પડી જાય છે. બીજું એ કે ક્યારેક કોઈ નસ તૂટી ગઈ અને દૂધ ખોટી જગ્યાએ અંદરની તરફ ગંઠાઈ ગયું તો એવી ગાંઠ માટે ઇલાજની જરૂર પડે છે. વ્યક્તિએ-વ્યક્તિએ આ ઇલાજ જુદો હોઈ શકે. એની પરિસ્થિતિ જોઈને એ સમજાય છે. બાકી ભાગ્યે જ એવું પણ બને કે આ ગાંઠ કૅન્સરની પણ હોય. મહત્ત્વનું એ છે કે તમારે એક વખત ડૉક્ટરને મળીને ચેક કરાવી લેવું જોઈએ. જે પણ હશે એ તમને સમજાઈ જશે અને એ મુજબ ઇલાજ પણ નક્કી થઈ જશે.

health tips cancer