બાળકને કરમિયા છે કે નહીં એ કેમ ખબર પડે?

23 June, 2023 05:16 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આદર્શ રીતે દર ૬ મહિને કરમિયા થયા હોય કે ન હોય એની દવા લઈ લેવી જરૂરી છે, કારણ કે આ દવાની કોઈ આડઅસર નથી

પ્રતીકાત્મક તસવીર (આઈસ્ટોક)

મારી દીકરી બે વર્ષની છે. તેને બીજી કોઈ બીમારી નથી. છતાં વજન વધતું નથી. ઊલટું ખોરાક તો તેનો બે વર્ષના બાળક કરતાં ઘણો વધારે છે. ગળ્યું પણ તે ખૂબ ખાય છે, વજન વધતું નથી. તેનું ૯ કિલો વજન છે. આદર્શ રીતે તેનું ૧૨-૧૩ કિલો વજન તો હોવું જ જોઈએ. ડૉક્ટર કહે છે કે કરમિયા હોય કદાચ. જોકે ખબર કઈ રીતે પડે કે દીકરીને આ તકલીફ છે. પૉટીમાં કશું દેખાતું નથી. મારાં સાસુ કહે છે કડવાણી પિવડાવવી જરૂરી છે, પણ તે પીતી જ નથી કડવાણી.  

કરમિયા થાય ત્યારે ઘણાં બાળકોને કોઈ લક્ષણો ક્યારેય દેખાતાં નથી. બસ, તેમના મળમાં કરમિયા દેખાય એટલે ખબર પડે છે કે બાળકને કોઈ પ્રૉબ્લેમ છે. કરમિયા થાય ત્યારે અડધી રાત્રે બાળક ઊંઘમાંથી ઊઠીને રડવા લાગે છે, કારણ કે તેને પૂંઠમાં ખંજવાળ આવતી હોય છે અથવા પેટમાં દુખતું હોય છે. અમુક બાળકો રાત્રે ઊંઘમાં દાંત કચકચાવે છે. ઘણાં બાળકોને ખૂબ ભૂખ લાગે છે તો ઘણાં બાળકોની ભૂખ મરી જાય છે. ઘણાં બાળકોને શુગર ક્રેવિંગ થાય છે. સૌથી મહત્ત્વનું કોઈ લક્ષણ હોય તો એ છે કે બાળક પ્રૉપર જમતું હોય છતાં પણ તેનું વજન ન વધે અને તેનો ગ્રોથ બરાબર ન થતો હોય. બાળકનો ખોરાક એકદમ ઠીક હોય, પણ વજન ન વધતું હોય તો એનું એક મોટું કારણ કરમિયા હોઈ શકે છે. પોટીમાં કરમિયા દેખાય જ એવું નથી હોતું. દેખાય કે નહીં, તમે તો ઇલાજ કરાવી લો.

કડવાણી પિવડાવવાથી પેટમાં રહેલા કરમિયા નાશ પામે છે એ વાત સાચી, પરંતુ આજકાલનાં બાળકો એ કડવાણી ન પીએ તો જોર ન આપીને તેમને દવા પણ આપી શકાય છે. કડવી દવા આપો તો જ કામ કરશે એવું નથી હોતું. આદર્શ રીતે દર ૬ મહિને કરમિયા થયા હોય કે ન હોય એની દવા લઈ લેવી જરૂરી છે, કારણ કે આ દવાની કોઈ આડઅસર નથી. ઊલટું નાનાં બાળકોમાં જેમને કરમિયાની તકલીફ રહેતી હોય તેમના ઘરમાં બાળકે જ નહીં, ઘરમાં રહેતા બધા લોકોએ કરમિયાની ટ્રીટમેન્ટ લેવી જરૂરી છે, કારણ કે ઘરમાં બધા લોકો એક જ ટૉઇલેટનો ઉપયોગ કરતા હોય છે એટલે ઇન્ફેક્શન લાગવું ખૂબ જ સરળ થઈ જાય છે. જેવા એક વાર કરમિયા તેના શરીરમાંથી હટશે એટલે તેનું વજન વધવા લાગશે.

health tips columnists life and style