ડાયાબિટીઝ હોય ત્યારે હાર્ટ-પ્રૉબ્લેમથી કઈ રીતે બચી શકાય?

25 July, 2022 02:20 PM IST  |  Mumbai | Dr. Meeta Shah

હું દિવસમાં બે-ચાર સિગારેટથી વધારે પીતો નથી. બાકી લાઇફ-સ્ટાઇલ પર્ફેક્ટ છે. ડૉક્ટરો કહે છે કે પપ્પાને ડાયાબિટીઝ છે એટલે મને વારસાગત આવ્યો છે.

પ્રતીકાત્મક તસવીર સૌજન્ય આઇસ્ટૉક

હું ૪૬ વર્ષનો છું અને મને હાલમાં જ ડાયાબિટીઝનું નિદાન થયું છે. મારું વજન વધુ નથી અને ખાવા-પીવાની આદત પણ પ્રમાણમાં હેલ્ધી જ છે, પરંતુ મને સ્મોકિંગની આદત છે. હું ૨૪ વર્ષનો હતો ત્યારથી સ્મોકિંગ શરૂ કર્યું હતું. પછી વચ્ચે છોડી દીધું હતું અને ફરીથી ચાલુ કર્યું. હું દિવસમાં બે-ચાર સિગારેટથી વધારે પીતો નથી. બાકી લાઇફ-સ્ટાઇલ પર્ફેક્ટ છે. ડૉક્ટરો કહે છે કે પપ્પાને ડાયાબિટીઝ છે એટલે મને વારસાગત આવ્યો છે. જોકે પપ્પાને તો હાર્ટ-ડિસીઝ પણ છે, તો ક્યાંક મને એ પણ ન આવે. મને હાર્ટ-પ્રૉબ્લેમ ન આવે એ માટે હું શું કરું? 

તમારી જે પરિસ્થિતિ છે એ ઘણી સામાન્ય છે. આજકાલ ઘણા લોકોને લાગે છે કે તેઓ તો પર્ફેક્ટ લાઇફ જીવે છે, પરંતુ તેમને તેમનાં માતા-પિતા તરફથી રોગ ભેટમાં આવ્યા છે. એક હદે વાત સાચી પણ છે કે ડાયાબિટીઝ જિનેટિક છે અને પિતાને હોય તો બાળકને પણ એ આવે જ, પરંતુ કઈ ઉંમરે આવે એ થોડું આપણા હાથમાં છે. તમારા પિતાને શું ડાયાબિટીઝ ૪૬ વર્ષે આવેલો? નહીં જ આવ્યો હોય. એટલે સાવ એવું પણ નથી કે તમારી લાઇફ-સ્ટાઇલ પર્ફેક્ટ છે અને તમને ફક્ત જિનેટિક કારણોસર જ ડાયાબિટીઝ આવ્યો છે. તમે લાઇફ-સ્ટાઇલમાં ક્યાં ખોટા પડી રહ્યા છો એ નિષ્ણાતને મળીને સમજો અને એને સુધારો, કારણ કે ડાયાબિટીઝ પછી તો તમારી જવાબદારી બેવડાય છે. હવે લાઇફ-સ્ટાઇલ એકદમ સાચી અને સારી રાખવી અનિવાર્ય છે. 
રહી વાત સ્મોકિંગની. સ્મોકિંગ અને ડાયાબિટીઝ બન્નેનું કૉમ્બિનેશન ઘણું જ ઘાતક સાબિત થાય છે. આ બન્ને પ્રૉબ્લેમ એકસાથે નસોની હેલ્થ માટે હાનિકારક સાબિત થઈ શકે છે. આંકડાઓ મુજબ ડાયાબિટીઝનો દરદી સ્મોકિંગ કરતો હોય તો નાની ઉંમરમાં થતા મૃત્યુનું રિસ્ક બમણું થઈ જાય છે. જો તમે પહેલાં સ્મોકિંગ કરતા હો કે તમાકુ ખાતા હો તો પણ એક વખત ડાયાબિટીઝના નિદાન પછી પહેલું કામ તમારે સ્મોકિંગ કે તમાકુ છોડવાનું કરવાનું છે. એ માટે પ્રોફેશનલ હેલ્પ લેવી પડે તો ખચકાવું નહીં, કારણ કે જો તમે સ્મોકિંગ નહીં છોડ્યું તો હાર્ટ-ડિસીઝથી બચવું મુશ્કેલ છે. તમે બે પીઓ કે ચાર પીઓ, એ તમારી હેલ્થ માટે બિલકુલ સારું નથી. જો તમારે લાંબું જીવવું હોય તો સ્મોકિંગ છોડવું જ પડશે. 

columnists health tips