બાળક ઇચ્છે નહીં તો પણ સોશ્યલ મીડિયાનું ઍલ્ગરિધમ તેની સામે કન્ટેન્ટ પીરસે છે

12 August, 2025 07:01 AM IST  |  Mumbai | Dr. Mukul Choksi

પપ્પા-મમ્મી સહજ રીતે હેબતાયાં અને પછી તેમણે મનોમન નક્કી કર્યું કે હવે આ વિશે પહેલાં વાત સાઇકોલૉજિસ્ટ સાથે કરવી અને પછી જ સંતાનો સાથે એના વિશે વાત કરવી.

પ્રતીકાત્મક ફાઈલ તસવીર

થોડા સમય પહેલાંની વાત છે. એક પેરન્ટ્સ રૂબરૂ મળવા આવ્યા. બન્નેને વાત કરવામાં સંકોચ થતો હતો અને તેમની વાત પણ થોડી એવી હતી. એ પેરન્ટ્સને બે સંતાનો હતાં. એક દીકરી અને એક દીકરો. કોવિડના પિરિયડમાં સ્કૂલના કારણે તેમને ટૅબ્લેટ આપ્યાં અને એ પછી તે બાળકોને મોબાઇલની રોજિંદી આદત પડી ગઈ. માબાપે પણ એ તરફ વધારે ધ્યાન આપ્યું નહીં પણ હમણાં તેમના હાથમાં અનાયાસ જ બાળકોના મોબાઇલ આવી ગયા. બન્નેના મોબાઇલની ગૂગલ હિસ્ટરી અને યુટ્યુબનું હોમપેજ જોઈને પેરન્ટ્સ શૉક્ડ રહી ગયા. જાતજાતના એવા વિડિયો અને સાહિત્ય હતું જે જોઈને જુગુપ્સા જન્મે. ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ જેવા સોશ્યલ મીડિયા પર પણ એ લોકોની હિસ્ટરી અને કરન્ટ હોમપેજ પર એવી જ કન્ટેન્ટ હતી. પપ્પા-મમ્મી સહજ રીતે હેબતાયાં અને પછી તેમણે મનોમન નક્કી કર્યું કે હવે આ વિશે પહેલાં વાત સાઇકોલૉજિસ્ટ સાથે કરવી અને પછી જ સંતાનો સાથે એના વિશે વાત કરવી.

આવી સિચુએશનમાં હવે બાળકો સાથે શું વાત કરવી અને તેમને એ કન્ટેન્ટની ચુંગાલમાંથી કેમ બહાર કાઢવાં એના વિશે વાત કરવા આવ્યા ત્યારે સૌથી પહેલાં તો તેમને એ સમજાવવા પડ્યા કે બાળકનો જ વાંક છે એવું મનમાંથી કાઢો નાખો કારણ કે સોશ્યલ મીડિયા પર જે ઍલ્ગરિધમ વર્ક કરે છે એનો મહત્તમ દોષ છે. પેરન્ટ્સને એના વિશે વધારે ખબર નહોતી અને એ જ નહીં, મોટા ભાગના પેરન્ટસને એના વિશે બહુ ખબર નથી હોતી.

સોશ્યલ મીડિયા ઍલ્ગરિધમ પર કામ કરે છે. આ ઍલ્ગરિધમને સમજવું સહેલું છે. તમે જે શોધો એ જ ચીજ એ તમારી સામે લાવીને મૂકે. જો તમે ગણેશની આરતી શોધો તો ફરી જ્યારે તમે સોશ્યલ મીડિયાના પેજ પર જશો ત્યારે એ તમને ગણેશની આરતી તો આપશે જ પણ એ સિવાય બીજા ભગવાનોની આરતી પણ મૂકી દેશે. સિમ્પલ ઉદાહરણથી વાત સમજો. તમે એક વાર શૂઝ શોધો છો કે એની ઍડ્વર્ટાઇઝમેન્ટ પર ક્લિક કરો તો વારંવાર તમને એ જ એડ્વર્ટાઇઝમેન્ટ કેમ જોવા મળે છે?

બાળક એક વાર ક્યુરિયસ થઈને એવો કોઈ શબ્દ સોશ્યલ મીડિયા પર સર્ચ કરશે પછી સોશ્યલ મીડિયા સામેથી તેના મોબાઇલમાં એ જ આઇટમ પીરસે છે અને એટલે જ બાળકોના મોબાઇલને નિયમિતપણે ચેક કરવો હિતાવહ છે. જો એ ચેક કરવામાં તમને સંકોચ થતો હશે તો તમે અજાણતાં જ બાળકથી હાથ ધોઈ બેસશો એટલે ગમે કે ન ગમે પણ આ કામ કરતાં રહેવું જોઈએ અને એની સર્ચ હિસ્ટરીને પણ મોબાઇલ સેટિંગ્સમાં જઈને ક્લિયર કરતાં રહેવી જોઈએ જેથી સોશ્યલી મીડિયા પોતાનું અૅલ્ગરિધમ ફૉલો ન કરે.

social media mental health health tips life and style columnists gujarati mid day mumbai instagram facebook youtube