ક્રૉનિક કિડની ડિસીઝ હોય તો કેટલું પાણી પી શકાય?

25 August, 2021 04:06 PM IST  |  Mumbai | Yogita Goradia

પહેલાં હું દરરોજનું બે-અઢી લિટર પાણી માંડ પીતો. પરંતુ જ્યારથી મને ખબર પડી છે ત્યારથી હું ૪-૫ લિટર પાણી પી જાઉં છું.

પ્રતીકાત્મક તસવીર

 મારી ઉંમર ૬૫ વર્ષ છે અને છેલ્લા ૬ મહિનાથી મને ખબર પાડી છે કે મને ક્રૉનિક કિડની ડિસીઝ છે. કિડનીનો કોઈ પ્રૉબ્લેમ હોય તો પાણી વધુ પીવું જોઈએ એવી મને ખબર છે. પહેલાં હું દરરોજનું બે-અઢી લિટર પાણી માંડ પીતો. પરંતુ જ્યારથી મને ખબર પડી છે ત્યારથી હું ૪-૫ લિટર પાણી પી જાઉં છું. જોકે મને ખાસ સમજાતું નથી કે એનાથી કોઈ ફાયદો થઈ રહ્યો છે કે નહીં. ક્રૉનિક કિડની ડિસીઝમાં પાણી વધુ પીવાથી ફરક પડે કે નહીં? 
 
 શરીરનાં ટૉક્સિન્સ એટલે કે ઝેરી તત્ત્વો, બિનજરૂરી કચરો અને વધારાનું પાણી આ બધું કિડની યુરિન વાટે શરીરની બહાર ફેંકે છે એટલું જ નહીં, સારાં તત્ત્વો છે જે શરીરની બહાર ફેંકવાં ન જોઈએ એને લોહીમાં જ ફરી ભેળવે છે. આમ એનું કામ ફિલ્ટરેશનનું છે. આ કામ વ્યવસ્થિત ચાલતું રહે એ માટે પાણી સારી માત્રામાં પીવું જરૂરી છે. જો પાણી ઓછું પીવામાં આવે તો કિડની પોતાનું કામ બરાબર કરી શકતી નથી અને એમાં પ્રૉબ્લેમ્સ ઊભા થવાની શરૂઆત થાય છે. પાણી વધુ પીવાથી કિડની સ્વસ્થ રહે એ માન્યતા ફક્ત સ્ટોન હોય ત્યારે સાચી છે. નૉર્મલ લોકોએ પણ પાણી વધુ કે ઓછું નહીં, પ્રમાણમાં જ પીવું જોઈએ. પરંતુ જ્યારે આપણે ક્રૉનિક કિડની ડિસીઝની વાત કરીએ છીએ ત્યારે સમજવાનું એ છે કે કિડની ઑલરેડી ડૅમેજ થઈ ગઈ છે. કિડની જ્યારે ખરાબ થઈ ગઈ હોય ત્યારે તો ખાસ વધુપડતું પાણી ફાયદાને બદલે નુકસાન કરે છે, કારણ કે કિડની બરાબર કામ કરતી નથી જેને લીધે પાણી શરીરની બહાર ફેંકાતું નથી. પાણી શરીરમાં ભરાતું રહે તો શરીરને નુકસાન થવાનું જ છે. મોટા ભાગે ક્રૉનિક કિડની ડિસીઝમાં પાણી વધુ પીઓ તો આ દરદીઓનાં ફેફસાંમાં પાણી ભરાતું જાય છે. આ એક ગંભીર સમસ્યા બની શકે છે. એટલે દરદીએ વધુપડતું પાણી પીવું નહીં.
વળી આમાં દરેક દરદીની પરિસ્થિતિ મુજબ ડૉક્ટર નક્કી કરતા હોય છે કે તેણે કેટલું પાણી પીવું. સામાન્ય રીતે તમારું આખા દિવસનું યુરિન કેટલું છે એ માપવું જરૂરી છે અને એનાથી ૫૦૦ મિલી વધુ પાણી પી શકાય. આ માપ આદર્શ છે, પણ બધાને લાગુ પડતું નથી. એટલે તમારા નેફ્રોલૉજિસ્ટને મળીને નક્કી કરો કે તમને આખા દિવસમાં કેટલા પાણીની જરૂર છે. એ માપ મુજબ પાણી લો. 

 

health tips columnists