પ્રિ-ડાયાબેટિક સ્ટેજમાં ભાત કેટલો ખાવો?

09 June, 2021 01:08 PM IST  |  Mumbai | Yogita Goradia

મારો પ્રશ્ન એ છે કે મેં સાંભળ્યું છે કે ભાત ખાવાથી શુગર વધે છે - શું એ સત્ય છે? હું તો વર્ષોથી ભાત ખાઉં છું અને એ જ મારું મેઇન ડાયટ છે.

પ્રતીકાત્મક તસવીર

હું ૬૮ વર્ષનો છું અને હાલમાં હું પ્રિ-ડાયાબેટિક સ્ટેજ પર છું. મારી ફાસ્ટિંગ બ્લડ શુગર ૧૩૩ અને પોસ્ટ-મીલ બ્લડ શુગર ૧૭૧ આવી છે. હું દરરોજ અડધો કલાક ઝડપી વૉક અને થોડી એક્સરસાઈઝ પણ કરું છું. હું શાકાહારી છું અને દિવસમાં બે વાર ભાત ખાઉં છું. બપોરે જમવામાં એક વાટકી અને રાત્રે જમવામાં પણ એક વાટકી. એની સાથે બે રોટલી, દાળ, શાક પણ ખાઉં છું. હું કોઈ મીઠાઈ ખાતો નથી. ડૉક્ટરે આપેલી દવા પણ હું નિયમિતપણે લઉં છું. મારો પ્રશ્ન એ છે કે મેં સાંભળ્યું છે કે ભાત ખાવાથી શુગર વધે છે - શું એ સત્ય છે? હું તો વર્ષોથી ભાત ખાઉં છું અને એ જ મારું મેઇન ડાયટ છે. તો શું મારે હવે ડાયાબિટીઝને કારણે ભાત છોડી દેવા જોઈએ કે હું એ ખાઈ શકું છું? માર્ગદર્શન આપશો.     
 
મને આનંદ છે કે તમે આ પ્રશ્ન પૂછ્યો, કારણકે આ પ્રશ્ન દરેક ડાયાબિટીઝના દરદીના મનમાં ઘર કરેલો છે કે ભાત ખવાય કે નહીં. તમારા પ્રશ્નનો જવાબ છે હા, ચોક્કસ ભાત ખવાય. ભાતને કારણે ડાયાબિટીઝ કે શુગર વધતું-ઘટતું નથી. ભાત આપણું સ્ટેપલ ફૂડ છે એટલે એ ન ખાવાનો તો કોઈ પ્રશ્ન જ ઊઠતો નથી. મહત્ત્વનું એ છે કે તમે તમારા ખોરાકનું બેલેન્સ કઈ રીતે કરો છો. 
પહેલી વાત તો એ કે તમે પ્રિ-ડાયાબેટિક સ્ટેજ પર છો માટે જરૂરી છે કે તમે પ્રયાસ કરો કે ડાયાબિટીઝ જતું જ રહે અને એ શક્ય છે. એ માટે રેગ્યુલર શુગર ચેક કરતા રહેજો. જો તમારા ડાયટથી શુગર વધતી હોય અથવા થોડી પણ ઘટતી ન હોય તો બપોરે જમવામાં એક રોટલી ઓછી કરી દો અથવા રોટલી ઓછી ન કરવી હોય તો રાઇસ અડધી વાટકી કરો. આ સિવાય રાઇસ સાથે પ્રોટીન એટલે કે દાળ કે કઠોળ હોવું જરૂરી છે. રાત્રે શાક-ભાત ન ખાઓ. મગ ભાત અથવા ખીચડી ખાઓ. બીજી મારી એ પણ સલાહ છે જો શક્ય હોય તો ભાત બન્ને સમય ખાવાને બદલે બીજા ગ્રેઇન્સ ખાવાનું શરૂ કરો. એનું કારણ એ નથી કે ભાતથી શુગર વધે છે, પણ કારણ એ છે કે અલગ-અલગ ધાન્ય તમને વધુ પોષણ આપશે અને એનાથી ડાયાબિટીઝથી છુટકારો પણ મળશે. એક ટાઇમ ઘઉં અને રાઇસની જગ્યાએ બાજરો, જુવાર, નાચણી, 
સામો, ઘઉના ફાડા, ઓટ્સ, ફોક્સટેઇલ મીલેટ એટલે કે કોદરી જેવાં ધાન્ય ખાઈ શકો છો. 

health tips columnists